નવી પેઢીનો નવો સમય, નવી સમજણ, નવા વિચારો ને કેટલુંય નવું નવું. કદાચ હવે તો ગુજરાતી ભાષા પણ નવી રીતે બોલાય છે. બીજી ભાષાના શબ્દો ભળી ગયા છે. આપણી ભાષામાં. ભાષા ટ્રેન્ડી બની ગઈ છે. પણ આ ટ્રેન્ડને ફોલો કરતા કરતા આપણી ભાષાના ખરા મૂળ ક્યાંકને ક્યાંક વિસરાઈ ગયા છે. આવનારી પેઢીએ તો જેમ સ્વીકારે એમ થાય. પણ આ આવનારી પેઢી એટલે બાળકો. વેસ્ટર્ન કલ્ચરની અસર માત્ર યુવાનો પર જ નહીં પણ સીધી કે આડકતરી રીતે બાળકો પર પણ પડે છે. એટલે હવે એ પણ ઈંગ્લીશ ભાષાને વધુ મહત્વ આપે છે, ત્યારે જલસો દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં આપણી ભાષાની ગરિમા જળવાય આપણા મૂળથી જ. આપણા મૂળ એટલે બાળકો. બાળકો આપણું ભવિષ્ય છે. અને ભવિષ્યમાં આપણી ઉત્તમ ભાષાના તત્વને જોડે લઈને તેઓ ચાલે એ અનિવાર્ય છે. એટલે જ તેમના માટે આપણી જૂની કવિતાઓ ‘એક બિલાડી જાડી’ હોય કે ‘રીંછ એકલું ફરવા ચાલ્યું’ હોય એ ગણગણતા થાય. જલસોનો એવો પ્રયાસ એટલે ઝગમગ.
બાળકો ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ નહીં પણ ‘સાયકલ મારી ફરરર જાય’ ગાતા થાય. સાથે એવી પંચતંત્રની વાર્તાઓ, વિક્રમ વેતાળની વાર્તાઓ, બોધ આપતી વાર્તાઓ, મૂછાળી મા એટલે કે ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ, યશવંત મહેતાની બાળ વાર્તાઓ, શ્રદ્ધાબેન ત્રિવેદીની બાળવાર્તાઓ અને એવી ઘણી બધી બાળવાર્તાઓ જે માત્ર બાળકોને જ નહીં, આપણને પણ આપણી પોતીકી લાગે. કેટલાંક એવા નિબંધો, કેટલીક એવી જાણી અજાણી વાતો, આપણી ગુજરાતી ભાષામાં બાળકો જાણે તો તેમને વધુ સારી રીતે સમજાય. આ તમામ વાતોનો એક જ સંપુટ એટલે ઝગમગ – The Kids Show. જેમાં રહેલું છે શાળાનું નહીં ભાષાનું ભણતર.