નાનપણમાં સાંભળ્યું હશે ‘વાર્તા રે વાર્તા’, હવે આ વાત એટલે કે વાર્તા રે વાર્તાથી શરૂ કરીને એક રાઈમ સાથે કવિતા સંભળાવવામાં આવતી. એ કવિતામાં આખી વાર્તા સમાઈ જાય છે, એ તો બહુ પાછળથી સમજાયું હતું. પણ મૂળ જે કહેવું છે, એ, એ છે કે આપણને વાર્તાઓ સંભળાવવામાં આવી, એટલે એ વાર્તાઓમાં રસ પડતો ગયો. જયારે એમ પણ એવું કહેવાય છે કે બાળકની સૌથી પહેલી સક્રિય બનતી ઇન્દ્રિય કાન હોય છે, એ સાંભળે અને નક્કી કરે કે સામેવાળી વ્યક્તિ શું કહે છે? અને પછી એ જ અક્ષરને પકડવાની કોશિશ કરે છે. સૌથી મોટું શિક્ષણ સાંભળવાથી મળે છે. પરંતુ અમે કોઈ શિક્ષણના ભાગરૂપે નહિ પરંતુ અમને થીએટરના અનુભવ થકી શબ્દોના આરોહ અવરોહ સાથે જે કહેતા, વાંચતા, બોલતા, પ્રસ્તુત કરતા ફાવ્યું એને અમે અમારું કામ ગણી લીધું. આમાં સૌથી સારી વાત એ હતી કે અમારે કંઈ રોજ રોજ નવું લખવાની જરૂર નહોતી. જે તૈયાર હતું, જે પોંખાયેલું હતું, જે છપાયેલું હતું, એ સાહિત્ય વાંચ્યું (એમ પણ વાંચવું તો અમને સૌને ગમતું જ હતું) અને એ દરેક શ્રેષ્ઠ વાર્તાઓને અવાજ આપવાનું નક્કી કર્યું.
આપણી ભાષામાં એટલી બધી ટૂંકી વાર્તાઓ લખાઈ છે, કે ફિલ્મ્સ, નાટક કે બીજા અનેક માધ્યમો થકી એ વાર્તાઓ સહેલાઈથી લોકો સુધી પહોંચાડી શકાય. આ બધું જ જે લોકોને વાંચવું અઘરું પડતું હોય એ લોકો માટે છે, બાકી જેને વાંચવું ગમે છે એ લોકો તો એક પુસ્તક પકડે છે અને બસ ખતમ કર્યે જ પાછી મૂકે છે. પરંતુ અમારો વિચાર ત્યાંથી જ શરૂ થયો હતો કે જેને વાંચવું નથી ગમતું, એ લોકોને અમે સુંદર મજાના શ્રાવ્ય અનુભવથી તરબોળ કરી દઈએ અને વાર્તા કહીએ. એ મિશન શરૂ કર્યાથી અત્યાર સુધીમાં અમે આ ‘વાચિકમ્’ના શીર્ષક હેઠળ 500થી વધુ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું નાટ્યાત્મક પઠન કરીને એપ્લિકેશનમાં સમાવી છે. જેમાં અનેક સાહિત્યકારોની, વાર્તાકારોની કૃતિઓનો સમાવેશ કર્યો છે. અને એને અમે નામ આપ્યું છે, “Vaachikam – Sahitya Ni Vartao”.