આપણે બધાં, ‘વાર્તા સાંભળવી’ એ પ્રક્રિયાથી સખત ટેવાયેલાં છીએ. નાનપણમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી પાસેથી રોજ રાત્રે વાર્તા સાંભળીને સૂવાનો લગભગ દરેક બાળકનો નિત્યક્રમ રહ્યો છે. મોટા થઈએ અને એમાંય લગ્ન થઈ જાય અને નોકરી પણ કરતા થઇ ગયા હોઈએ એ પછી “કંઈક લોચો માર્યો હોય” ત્યારે “સ્વબચાવ” માટે વાર્તાઓ બનાવવી એ આપણી મજબૂરી બની જાય છે. અને એ મજબૂરી ક્યારેક ચમત્કાર સ્વરૂપે કામે લાગે ત્યારે તો ભયો ભયો જ લાગે ને! આ પોડકાસ્ટમાં વિનય દવે દ્વારા લખવામાં આવેલી કેટલીક હાસ્યવાર્તાઓ છે. વિનય દવેને આમ તો ઓળખાણની જરૂર નથી, છતાં તેઓ એકસાથે અનેક કામો કરવા માટે જાણીતા છે, એટલે કે ટેલેન્ટની દ્રષ્ટિએ, તેઓ પોતે ગીતકાર છે, લેખક છે, એક્ટર છે, તેમણે ફિલ્મ્સ લખી છે, સિરિયલ્સ માટે લખ્યું છે. ગીતકાર તરીકે બોલીવૂડમાં જે ગીત સખત પોપ્યુલર બન્યું એ ગીત એટલે, ‘મેરી મરજી.. મેં ચાહે યે કરું.. મેં ચાહે વો કરું..’. આ ગીત મૂળે તો ગુજરાતીમાં તૈયાર થયું હતું અને પછી ફિલ્મ માટે એ હિન્દીમાં પણ બન્યું. પછી તો જાણે કોમેડી લખવામાં વિનયભાઈને ફાવટ આવી ગઈ હોય એમ તેમણે અનેક કામો કર્યા. વિષય આપો અને એના પર હાસ્યવાર્તા તૈયાર થઇ જાય, એ રીતે તેમણે કેટલીયે વાર્તાઓ લખી અને એમાંની કેટલીક વાર્તાઓ અમે એમના જ સ્વમુખે રેકોર્ડ કરાવી. આ દરેક હાસ્યવાર્તાઓમાં વિનયભાઈને થયેલા મોટાભાગના અનુભવો છે, જે સાંભળતી વખતે વિઝ્યુઅલ્સ ઊભા થાય છે, એટલે તો તેને સાંભળીને પેટ પકડીને હસવું આવે જ આવે. આ પોડકાસ્ટ કે આ હાસ્યવાર્તાઓની સૌથી સારી બાબત એ છે કે એમાં શુદ્ધ કોમેડી છે. અને એનું નામ છે, “Vinu Verified with Vinay Dave”.