For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

રાસપંચધ્યાયી એવો પાઠ જેનાથી મટે છે હૃદયરોગ અને સઘળાં કામવિકારો.

રાસપંચધ્યાયીનાં પાઠથી મટે છે હૃદયરોગ અને સઘળાં કામવિકારો.

રાસપંચધ્યાયી ભાગવત પુરાણનો દશમસ્કંધ અને તેનો સંપૂર્ણ રસાસ્વાદન. શ્રીમદ્ ભાગવત પુરાણ અઢારે પુરાણમાં આઠમું પુરાણ છે. અઢારે પુરાણમાં બે પુરાણને મહાપુરાણ કહેવામાં આવ્યાં છે. આ બે પુરાણોમાં શ્રીમદ્ ભાગવત પુરાણનો સમાવેશ થાય છે. ભગવાન વેદવ્યાસ દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ૧૨ સ્કંધ, ૩૩૫ અધ્યાયનાં ૧૮, ૦૦૦ શ્લોકોમાં વિભાજીત છે. પરમ જ્ઞાન- વિજ્ઞાનની વિશેનાં ઉત્કૃષ્ટ સંવાદ શ્રીમદ્ ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવ્યાં છે. ‘ વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા’ આ ઉક્તિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માટે કહેવામાં આવી છે. એટલે કે વિદ્વાનોની ખરી પરીક્ષા તો ભાગવતમાં જ થાય છે. ભાષાની દ્રષ્ટીએ અઘરું મનાતું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ શ્રી કૃષ્ણ ભગવાનનાં ચરિત્રનું વિસ્તારથી રસપાન કરાવે છે. ગોકુળમાં ભગવાન કૃષ્ણએ કંસે મોકલેલા ઘણા રાક્ષસોનો પળવારમાં લીલાનાં રુપે વધ કર્યો. પરંતુ ભગવાન કૃષ્ણની સર્વોપરી લીલા જો કોઈ હોય તો એ મહારાસ છે. ભગવાન કૃષ્ણનાં આ મહારાસની કથા જે પાંચ આધ્યાયમાં વર્ણવામાં આવી છે તેને ભાગવાતકારો રાસપંચધ્યાયી કહે છે.

રાસપંચધ્યાયી અને તેના આ પાંચ અધ્યાય ભાગવત મહાપુરાણનાં દશમસ્કંધનાં ૨૯થી ૩૩માં અધ્યાયમાં આવે છે. શ્રીમદ્ ભાગવત
મહાપુરાણનો દશમ સ્કંધ ભગવાનનું હૃદય છે અને તેમાં આ પાંચ અધ્યાય ભગવાન કૃષ્ણના પંચ પ્રાણ કહેવામાં આવ્યાં છે. ભાગવત કથાકારોનાં વચન પ્રમાણે ભગવાન કૃષ્ણનો ગોપીઓ સાથેનો આ મહારાસ અલૌકિક અને દિવ્ય છે. રાસ શબ્દનાં મૂળમાં રસ રહ્યો છે. અને પૂર્ણ રીતે જો કોઈ રસ સ્વરૂપ હોય તો એ પરમાત્મા છે એવું તૈત્તિરીય ઉપનિષદ્ નું વચન છે. રસો વૈ સ : એવું તૈત્તિરીય ઉપનિષદ્ નું વચન પરમાત્માની રસ સ્વરૂપે ઓળખ આપે છે. આથી સ્વયં રસ સ્વરુપ શ્રીકૃષ્ણની વાંસળીના વાદન અને ગોપીઓના નર્તન સાથે ખેલાયેલો રાસ એટલે શરદપૂર્ણિમાનો મહારાસ.

રાસપંચધ્યાયી એ શ્રી કૃષ્ણ અને ગોપીઓનાં મહારાસની કથા છે. રાસપંચધ્યાયી અને તેની કથા અતિ પવિત્ર અને પુણ્યમયી માનવામાં આવી છે. આ રાસપંચધ્યાયીનું નિરુપણ શ્રી મદ્ ભાગવતમાં કાવ્યાત્મક રીતે કરાયું છે.શ્રી કૃષ્ણ પ્રેમીઓ, તેમનાં ભક્તો અને ભાગવત કથાકારો રાસપંચધ્યાયીની દિવ્ય લીલાનું વર્ણન અદ્ભૂત રીતે કરી શકવા સમર્થ છે, પરંતુ આખા રાસપંચધ્યાયીનાં સારને જાણવો હોય તો કઈક આ રીતે
કહી શકાય. રાસપંચધ્યાયીનાં પહેલા અધ્યાયમાં વર્ણન મળે છે કે , ભગવાન કૃષ્ણ પોતાની યોગમાયાનો આશ્રય લઈને ગોપીઓ સાથે
રાસલીલાનો સંકલ્પ કરે છે. શરદપૂર્ણિમાની અખંડ રાત્રિએ ભગવાન કૃષ્ણ પોતાની વાંસળી પર કામ બીજ રુપ વેણુનાદ છેડે છે.

શ્રી કૃષ્ણનો વેણુનાદ સાંભળીને ગોપીઓ જે કામ કરતી હતી તે બધા જ કામ પડતા મૂકી કૃષ્ણ પાસે દોડી જાય છે. સંધ્યાકાળે કોઈ ગોપી દૂધ દોઈ રહી હતી, કોઈ ગોપી ચૂલા પર દૂધ ગરમ કરી રહી હતી, કોઈ ગોપી લાપસી બનાવી રહી હતી, કોઈ ગોપી ભોજન પીરસતી હતી, તો કોઈ ગોપી પોતાના બાળને દૂધ પીવડાવતી હતી. શ્રી કૃષ્ણનાં વાંસળીનાં મધુર ધ્વનિની અસર ગોપીઓ પર એવી થઇ કે પોતાના ભાઈ, બંધુ, પતિઓનાં રોકવા છતાં તેઓ રોકાઈ નહી. મનને પૂરી રીતે મોહિત કરી દેતી શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઓને તો પોતાના વસ્ત્રોનું પણ ભાન નથી રહેતું. ગોપીઓ જયારે શ્રી કૃષ્ણ સમક્ષ પહોંચે છે ત્યારે નટોના નટ એવા કૃષ્ણ ગોપીઓને ભ્રમિત કરવા માટે કટાક્ષ પૂર્ણ વચનો કહે છે.

શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે, “ હે ગોપીઓ તમારું સ્વાગત છે પણ આમ અડધી રાત્રે આપ વ્રજ છોડીને આ ઘોર જંગલમાં કેમ આવ્યાં ?. તમને ન જોતાં તમારાં માતા – પિતા , ભાઈ –બંધુ અને તમારાં પતિઓએ તમને શોધી રહ્યા હશે. આપ તેમને ચિંતામાં ન મુકો. આપે આ સુંદર રળિયામણી શરદ રાત્રિને જોઈ લીધી. હવે આપ વ્રજ પાછા વળો. તમે મારા પ્રેમ વશ થઇ અહીં આવ્યાં એમાં કોઈ અનુચિત વાત નથી. કારણ કે મને જગતનાં બધા જ જીવ પ્રેમ કરે છે. હે ગોપીઓ મારી લીલા અને ગુણોનાં દર્શનથી જે જે પ્રેમ પ્રાપ્ત થાય છે તે મારી પાસે રહેવાથી નહીં મળે એટલે આપ પાછા વળો! “. શ્રી કૃષ્ણનાં આવા કઠોર વચન સાંભળી બધી ગોપીઓ ઉદાસ થઇ જાય છે અને અને રડવા લાગે છે. શ્રી કૃષ્ણનાં આવા કડવા વેણ સાંભળીને ગોપીઓને શ્રી કૃષ્ણ પર ક્રોધ ભરાય છે. કોપે ભરાયેલી ગોપીઓ ગળગળી વાણીએ બોલવા લાગે છે.

ગોપીઓઓનાં આ વિલાપને ભાગવતકારો ગોપીઓનું પ્રણય ગીત કહ્યું છે. શ્રીમદ્ ભાગવતમાં પ્રણયગીત સ્વતંત્ર રીતે નામ નથી આપવામાં આવ્યું. પરંતુ ભાગવતપ્રેમીઓ ૨૯માં અધ્યાયનાં ૩૧ થી ૪૧ શ્લોકને ગોપીઓનાં વિલાપ ભાવને લીધે પ્રણય
ગીત તરીકે સંબોધિત કરે છે.

ગોપીઓની દશા અને તેમનાં મનની પીડા જાણીને શ્રી કૃષ્ણનું હૃદય પણ દયાથી ભરાઈ જાય છે. ગોપીઓનાં પોતાના પ્રત્યેનો પ્રેમ જોઈને કૃષ્ણએ ગોપીઓ સાથે રાસક્રીડા આરંભે છે. ગોપીઓ પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણને ચારે તરફથી ઘેરી લે છે. બધી ગોપીઓ શ્રી કૃષ્ણનું ગુણ ગાન કરવા લાગે છે. શ્રી કૃષ્ણ પણ ગોપીનાં પ્રેમ અને સૌન્દર્યનાં વખાણ કરતા ગીતો ગાય છે. એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુના તટ પર જાય છે. શ્રી કૃષ્ણ કોઈ ગોપીને આલિંગન આપીને , કોઈ ગોપીને કટાક્ષ ભરી નજરથી જોઇને, હસીને, વગરે ક્રિયાઓ દ્વારા ગોપીઓ સાથે વિહાર કરી તેમને આનંદિત કરી દે છે. ભગવાન કૃષ્ણએ આ રીતે ગોપીઓનું સન્માન કરે છે એટલે ગોપીઓમાં એવો ભાવ જન્મે છે કે સંસારનીબધી જ સ્ત્રીઓમાં તેઓ જ સર્વ શ્રેષ્ઠ છે.

શ્રી કૃષ્ણ ગોપીઓનાં મનને જાણી જાય છે.આથી ગોપીઓનાં મદ અને અભિમાનને નષ્ટ કરીને શ્રી કૃષ્ણ ત્યાં જ તેમની વચ્ચે અંતર્ધાન થઇ જાય છે. એકાએક ભગવાન કૃષ્ણ અંતર્ધાન થઇ જાય છે એટલે ગોપીઓ દશા એવી થઇ જાય છે, જેમ ગજરાજ વિના હાથણીઓની થાય છે.

ગોપીઓના આ આખા પ્રલાપ અને વિલાપનું વર્ણન ૩૦ માં આધ્યાયમાં આવે છે. રાસપંચાધ્યાયીનો મહત્વનો એવા ૩૧ માં અધ્યાયમાં ગોપીઓ વધુ આર્ત ભાવે શ્રી કૃષ્ણનાં ગુણગાન કરે છે અને તેમની ક્ષમા માંગે છે. રાસપંચાધ્યાયીનો ૩૧મો અધ્યાય એટલે ૧૯ શ્લોકોનું ગોપીગીત. ગોપીગીતનાં ભાવો અને તેના રહસ્યોને તો મોટા મોટા ભાગવત કથાકારો સમજાવી શકે છે. પરંતુ જલસો પર શ્રી મદ્ ભાગવત મહાપુરાણમાંથી જ ગોપીગીત સાથે ગોપીઓએ ગયેલા પાંચ અદ્ભુત પ્રેમ ગીતોનો ભાવાનુવાદ કરવામાં આવ્યો છે. પ્રણય ગીત, ગોપીગીત, વેણુગીત, ભ્રમર ગીત અને યુગલગીતનાં આ પાંચ ગીતો તેના સંસ્કૃત શ્લોક સાથે જલસો પર આપ સાંભળી શકશો શ્યામનાદ પોડકાસ્ટમાં.

ભાગવત કથાકારો સાથે સાથે ભાગવતજીનું નિત્ય પઠન કરતા ભાગવત પ્રેમીઓ અને શ્રી કૃષ્ણનાં ભક્તો નિત્ય ગોપીગીતનું પઠન અને ગાયન કરે છે. ‘કનક મંજરી’ છંદમાં લખાયેલ ગોપીગીતનાં શ્રવણનું પણ રાસપંચાધ્યાયીમાં એટલું જ મહત્વ બતાવવમાં આવ્યું છે. શ્રી કૃષ્ણ વગર ગોપીઓનું મન કેવું વિહ્વળ થઇ ઉઠતું તેના ઉદાહરણ રુપે એક શ્લોક અહીં ટાંકવો એકદમ ઉચિત ઠરશે.

अटति यद्भवानह्नि काननं
    त्रुटिर्युगायते त्वामपश्यताम् ।
कुटिलकुन्तलं श्रीमुखं च ते
    जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम् ॥ १५॥

અર્થાત્ ગોપીઓ કહે છે કે , હે વહાલા! દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડીયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારાં નેત્રોની પાંપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારાં નેત્રોનીપાંપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે.

ગોપીગીત બાદ રાસપંચધ્યાયીનાં ૩૨ માં અધ્યાયમાં ગોપીઓનો પ્રલાપ સાંભળી ભગવાન કૃષ્ણ ગોપી સામે પ્રગટ થાય છે અને તેમને સાંત્વના આપે છે. કરોડો કામદેવોથી પણ સુંદર એવા શ્યામ સુંદરને જોતાં ગોપીઓનાં પ્રાણમાં પ્રાણ આવે છે અને તે તેઓ નાચી ઉઠે છે. એક ગોપી તો એટલી અધીરી હતી કે શ્રી કૃષ્ણને જોતાં જ શ્રી કૃષ્ણનાં બંને હાથોને પોતાના હાથોમાં લઇ લે છે, બીજી ગોપી શ્રી કૃષ્ણના ચંદનથી લિપેલી બાહુઓ પોતાના પોતાના ખભા પર મૂકી દે છે, ત્રીજી ગોપી તો શ્રી કૃષ્ણએ ચાવેલું પાન પોતાના હાથમાં લઇ લે છે. એ બાદ ભગવાને ગોપીઓ સાથે યમુનાજીના પુલિનમાં પ્રવેશ કરે છે.

પૂર્ણિમાની રાત્રિ હોવાથી એ સમયે મોગરા અને મંદાર પુષ્પોની સુગંધ વાળો શીતળ વાયુ વય વહી રહ્યો હોય છે. યમુનાજીએ સ્વયં પોતાના તરંગરુપી કારકમળથી અતિ કોમળ એવી વાલુકા રેતી પાથરીને મહારાસ માટે રંગમંચ તૈયાર કરી દીધો હોય એવું લાગે છે. ગોપીઓ પોતાનું કેસર અને કંકુવાળું ઉત્તરીય વસ્ત્ર શ્રી કૃષ્ણને બેસવા માટે આસનનાં રુપમાં બિછાવી દે છે. અને ભગવાન કૃષ્ણને તેના પર બેસાડી દે છે. ગોપીઓનાં મનમાં શ્રી કૃષ્ણ અંતર્ધાન થઇ જવાથી જે અણગમો હતો તે પોતાનો
દોષરુપે સ્વીકારવા માટે શ્રી કૃષ્ણને પ્રશ્નો કરવા લાગે છે. ગોપીઓનાં આ પ્રશ્નો સાચો પ્રેમની વ્યાખ્ય શું છે તે જણાવે છે.

ગોપીઓનાં પ્રશ્નોનાં જવાબ આપી ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે છે,” કે હે ગોપીઓ તમારો મારા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને ભાવ છે. હું અમર શરીરથી પણ આપના પ્રેમ, ત્યાગ, અને સેવાનો બદલો ચુકવવા ઈચ્છું તો ચૂકવી શકીશ નહીં. હે ગોપીઓ હું જન્મોજન્મ તમારો ઋણી રહીશ.”

ગોપીઓ જયારે ભગવાનની આવી સુમધુર વાણી સાંભળી છે ત્યારે શ્રી કૃષ્ણનાં વિરહમાં ગોપીઓનું મન બળતરાથી જે રીતે દાજી ઉઠ્યું હતું તે શમી જાય છે. અને બધી જ ગોપીઓનાં મન આનંદિત થઇ જાય છે. અને આરંભ થાય છે શ્રી કૃષ્ણ અને ગોપીઓનો મહારાસ.

બધી જ ગોપીઓ એકબીજાનાં બાહુમાં બાહુ નાંખી ઉભી રહી જાય છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાની યોગ માયાથી બે – બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થાય છે. એ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણનો ક્રમ બને છે. બધી ગોપીઓને એવો જ અનુભવ થાય છે કે, મારા કૃષ્ણ મારી પાસે જ છે. આ પ્રમણે હજાર હજાર ગોપીઓ વચ્ચે ભગવાન કૃષ્ણ અને ગોપીઓ સાથે દિવ્ય રસોત્સવ રમે છે. શ્રી કૃષ્ણનાં આ રાસને જોવા માટે સ્વર્ગમાંથી દેવો , ગંધર્વો અને અપ્સરાઓ આકાશમાં પોતાના વિમાનો લઇ આવી જાય છે. ગાંધર્વો શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગે છે. દેવો ભગવાનનો આ મહારાસ જોઈને ચકિત થઇ જાય છે.

રાસ મંડળમાં બધી ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરવા કરે છે. નૃત્ય કરતી વખતે ગોપીઓ જાતના જાતના ઠુમકા લે છે. ગોપી શ્રી કૃષ્ણ સાથે રાસ રમવામાં એટલી મશગુલ થઇ જાય છે કે, તેમના વસ્ત્રો ઉડતા, કાનનાંકુંડળ તેમનાં ગાલે આવી જતા અને ગોપીઓનાં માથાનાં અંબોડા પણ ઢીલા થઇ જાય છે. આ પ્રમાણે ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે રાસ રમવામાં ખોવાઈ જાય છે. શ્રી કૃષ્ણ સાથે રાસ રમતા ગોપીઓ થાકી જાય છે એટલે પોતાનો શ્રમ દૂર કરવા માટે તે શ્રી કૃષ્ણ સાથે યમુનાનાં જળમાં પ્રવેશ કરે છે. ગોપીઓ જળ ઉલેચી ઉલેચીને ભગવાનને ખૂબ નવડાવે છે.

યમુનાનાં ઠંડા નીરમાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે જળક્રીડા કરી યમુના તટ પાસે આવેલા ઉપવનમાં જાય છે. આ વનમાં ચારેબાજુ પુષ્પો ખીલેલા છે. શરદની ચાંદની ચારેબાજુ પ્રસરી જાય છે. શરદપૂનમની આ રાત્રિ શ્રી કૃષ્ણએ પોતાની યોગમાયાથી બ્રહ્માજીની એક રાત્રિ સમાન બનાવી દે છે.

અંતે ગોપીઓને ભગવાન કૃષ્ણ વ્રજમાં પાછા જવાનો આદેશ કરે છે. રાસપંચધ્યાયીનાં પાઠને આપણા હૃદયરોગને મટનારો કહેવામાં આવ્યો છે. શરીરનો હૃદયરોગની સાથે મનના કામવિકારોનું પણ શમન કરે છે. પરંતુ અત્યંત મહત્વની વાત એ છે કે, શ્રી કૃષ્ણની આ પરમલીલાનું શ્રવણ, પઠન શ્રધ્ધા ભાવે કરવામાં આવે. ઈશ્વરની આ ઉતમ લીલા પર શંકા ન કરવી જોઈએ એવું ભાગવતકારો અને શ્રી કૃષ્ણનાં ભક્તો દ્રઢ પણે માને છે. 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz