સાત અક્ષરના કવિ ભગવતીકુમાર શર્મા લખે છે કે,
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જકોની વાત આવે, ત્યારે ભગવતીકુમાર શર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું જ પડે ને! સુરત શહેરે ગુજરાતી ભાષાને સાહિત્યકારોનો જે ખજાનો આપ્યો છે, તેમાંના એક એટલે ભગવતીકુમાર શર્મા.
31 મે, 1934 ના રોજ હરગોવિંદભાઈ અને હીરાબેનને ત્યાં સુરત શહેર મધ્યે ભગવતીકુમાર શર્માનો જન્મ થયો હતો. માધ્યમિક શિક્ષણ 1950માં પૂરું કરીને તેમણે આગળનો અભ્યાસ છોડી દીધો. પાછળથી 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી. 1955માં તો તેમણે ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં કામ કરવાની શરૂઆત કરી હતી તેઓ એ પ્રુફરીડરની નોકરી સ્વીકારી અને પછીથી પ્રમોશન મળતા તેઓને પત્રકારત્વ કરવાની તક પણ મળી. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહ્યા હતા.
નવલકથા, ટૂંકીવાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે ભગવતીકુમાર શર્માનું કામ અવિસ્મરણીય છે. તેમના સાહિત્યની નોંધ ખૂબ લેવામાં આવી છે. તેમનું સાહિત્ય લોકભોગ્ય રહ્યું છે. તેમની કવિતાઓ લોકોમાં ખાસ પ્રિય રહી છે. તેઓ સુરત અને આસપાસના વિસ્તાઓમાં થતા મુશાયરાઓમાં પણ જતા. ભગવતીકુમાર શર્માને લેખન અને સાહિત્યનો વારસો પરિવારમાંથી જ પ્રાપ્ત થયો હતો. તેમના પિતા હરગોવિંદભાઈ સામવેદના પંડિત હતા અને જૂની રંગભૂમિના નાટકોમાં પણ તેમને રસ હતો.
પરિવારમાંથી સાહિત્યના વારસાની સાથે તેમને એક બીમારી પણ વરસામાં મળી. આંખની તકલીફ. ભગવતીકુમાર આઠ-દસ વર્ષના હતા ત્યારથી જ તેમને આંખના નંબર આવ્યા અને તેમને જાડા કાચના ચશ્મા પહેરવા પડ્યા. આંખના ડોક્ટરે તો તેમને સ્કૂલમાં ભણવા જવાની અને પુસ્તકો વાંચવાની પણ ના પાડી દીધી હતી. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડવાનું એક કારણ આ પણ મનાય છે. જો કે, તેમની સાહિત્યપ્રિતીના કારણે તેઓએ તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિ ચાલી રાખી.
ભગવતીકુમાર શર્મા નાટકોમાં કામ કરતા, ચિત્રો દોરતા અને વાજિંત્રો પણ વગાડતા. વાંચનનો તેમનો જબરો શોખ. સુરતની લગભગ બધી જ લાયબ્રેરીમાં તેઓ વાંચવા જતા. ભગવતીકુમાર શર્મા હરીન્દ્ર દવેને પોતાના આદર્શ ગણતા. હરીન્દ્ર દવે પણ સાહિત્યકાર અને પત્રકાર હતા. હરિન્દ્ર દવે ભગવતીકુમારને પત્રકારત્વ અને સાહિત્યનો સંબંધ સમજાવાતા કહેતા કે, આ પત્રકારત્વનું ગદ્ય લેખન સાહિત્યમાં ઘણું જ ઉપયોગી બને છે.
ભગવતીકુમારે લગભગ પંદર હજાર તંત્રી લેખો લખ્યા છે. 5000 જેટલા હાસ્યલેખો અને એટલા જ લલિત નિબંધો. 13 નવલકથાઓ અને 13 વાર્તાસંગ્રહો તેમણે સાહિત્યને આપ્યા છે. હાસ્યના 4 પુસ્તકો, વિવેચનના પુસ્તકો, આત્મકથા, નાટકના અનુવાદ – રૂપાંતરો દ્વારા તેમણે સાહિત્યમાં તેમનું યોગદાન આપીને પોતાની શબ્દ શક્તિનો પરિચય આપ્યો છે. તેમણે ઘણા બધાં ગીતો – કવિતાઓ – ગઝલ લખી છે. જેમાંથી ઘણી બધી કવિતાઓનો સંગીતકારોએ સૂરો સાથે સમન્વય કર્યો છે.
તેમના સાહિત્યસર્જન માટે તેમને 1984માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 2003માં કલાપી પુરસ્કાર, 1999માં નચિકેતા પુરસ્કાર, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, 1977માં કુમાર સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ‘અસૂર્યલોક’ નવલકથા માટે તેમને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 2011માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને 2017માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.
ભગવતીકુમાર શર્માની સિદ્ધિઓનું લિસ્ટ હજુ પૂરું નથી થયું. 1999માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. પરંતુ, ગુજરાતી સાહિત્યની આ સરવાણી 5 સપ્ટેમ્બર, 2018ના રોજ સુરત ખાતેથી વસમી વિદાય લઈને અટકી ગઈ.
ભગવતીકુમાર શર્માનું સાહિત્ય સર્જન અવનવા સ્વરૂપમાં જલસો મ્યુઝિક ઍપ પર આપ માણી શકો છો!
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરશિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.