For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ગુજરાતીઓનું પરંપરાગત જમણ આજે પણ કેમ વખણાય છે?

Jaman જમણ

ગુજરાતી વાનગીઓ આપણા દિવાળીનાં તહેવાર માટેનો પડઘમચી છે. જલસોનો ધ્વનિ પણ એમાં ભળીને આપણી ગુજરાતી વાનગીઓનાં વૈભવને પૌંખી રહ્યું છે.ગુજરાતી જમણ એ આપણી ગુજરતની લોક સંસ્કૃતિ અને લોકજીવનને વ્યક્ત કરે છે.

તૈત્તિરીય ઉપનિષદ્ નું ‘ अन्नं ब्रह्मेति व्यजानात्‌। ‘ સૂત્ર આપણને એ ખ્યાલ આપાવે છે, કે આપણા દેશની  સંસ્કૃતિમાં અન્નનો શો મહિમા છે. આ સુત્રથી આપણે અન્નને બ્રહ્મ તરીકે  સ્વીકાર્યું છે. ભોજનને ભગવાન તરીકે માનીએ છીએ. એટલે જ ઘરમાં બનતી રોજની રસોઈ આપણે પહેલા ભગવાનને અર્પણ કરીએ છીએ. દરરોજ બનતા અને  પીરસાતા ભોજનનો જો આટલો મહિમા હોય તો વાર –  તહેવારે બનતું ભોજન બધી રીતે ચઢિયાતું થઇ જાય છે. આપણા ગુજરાતીઓનાં રોજના ભોજનનું  મેનુ જ છપ્પન ભોગની નજીક પહોંચી જતું હોય છે. દાળ , ભાત , શાક ,રોટલી, આપણી ગુજરાતી થાળીનાં રાજા છે. અથાણાં અને ફરસાણ આપણા ગુજરાતી ભોજનના ઘરેણાં છે. ગુજરાતી મીઠાઈઓ આપણા ગુજરાતી ભાણાનું આકર્ષણ છે.

આપણું ગુજરાતી ભોજન કે જમણ વૈભવી છે તેના ઘણા કરણ છે. જાત – ભાતની વાનગી આપણા ગુજરાતી જમણનાં વૈભવની ઓળખ છે. આ જાત – ભાતની વાનગીઓ આપણને જ્યાંથી મળી છે તેનું કારણ છે આપણી ઋતુઓ. છ એ છ ઋતુઓની આબોહવામાં જુદા જુદા અન્ન અને ફળો આપણે ત્યાં પાકે છે. શિયાળાનાં અડદપાક અને મેથીપાકનું ગળપણ અને તેની સાથે ગરમા- ગરમ ઊંધિયું અને રીંગણાનું ભડથું આપણી બધી વ્યાધિ અને આધિ ભૂલાવી દે છે. ઉનાળામાં અધધ રીતે ખવાતી અને ખરીદાતી કેરીની સુગંધ આંબાનાં ઝાડથી લઈને અંબર સુધી પ્રસરેલી છે. અને ચોમાસામાં તો આહાહા !!! ,. વરસાદનાં ખાબોચિયાંનાં માર કરતાં તો ખોબલીયેખાઈ જતા  ભજીયાનાં લીધે  ખાલી તેલનાં ડબ્બાનો માર વધારે લાગે છે.

આમ શિયાળુ, ઉનાળો અને ચોમાસુંનાં મુખ્ય મુખ્ય વાનગીની જ વાત થઇ. તેની આસપાસની વાનગીઓ  તો આપણી હેલ્થ અને વેલ્થ બંનેને સુધારી દે છે. ઋતુઓની જેમ તહેવારોની પણ વાનગીઓ છે. જેવા તહેવારનાં વાન એવી એની વાનગીઓ પણ. મકર સંક્રાતિની ચિકી, શેરડી અને ગામડામાં મોટી મોટી ધાણીમાં બનતું કચરિયું વિદેશ સુધીની સફર ખેડી આવે છે.

હોળી – ધૂળેટીની ધાણી-ખજુર, શિવરાત્રિનાં સક્કરિયા, નવરાત્રિનાં નૈવેધ, ગણેશ ચોથના લાડુ, પૂનમની ખીર, રાંધણછઠનું ઠંડુ ભોજન, જન્માષ્ટમીની મિસરી કે પંજરી, શ્રાદ્ધનો દૂધપાક વગેરે આપણા તહેવારોની મીઠાસ છે. મોહનથાળ, કોપરાપાક, સુતરફેણી, ઘૂઘરા, બરફી, ગુલાબ જાંબુ,વગેરે મીઠાઈઓ ગુજરાતી થાળને વધારે આકર્ષિત બનાવે છે. મસાલાઓથી ભરપૂર વાનગીઓ એક નોખો સ્વાદ છે.

ગુજરાતી મીઠાઈઓ અને વાનગીઓ સાથે ભળે છે આપણા ફરસાણ. પૂરી, શાક, ખીર અને સાથે ખમણ તો આપણા જમણવારનાં ભાણાનો એક્કો છે. સારા – નરસા પ્રસંગે નાતનું ભોજન અનેક પરિવારોનાં સંબધની મીઠાસ જાળવી રાખે છે. નાતનાં ભોજનની જેમ જ સાધુઓના ભંડારો પણ ગુજરાતી જમણની જુદી છાપ ઊભી કરે છે.

ગુજરાતી જમણનાં વખાણ જલસો પણ કર્યા વગર નથી રહ્યું. પરંપરાગત વાનગીઓની આપણી ગરિમાને  આપ જલસો પર નિહાળી શકશો. જલસોનાં જમણમાં વાત કરવામાં આવી છે સૌને ભાવતા એવા આપણા મોહનથાળ વિશે. દિવાળીનાં રાજાધિરાજ ગણાતા મઠીયા વિશે તો સદાબહાર લાડુનાં ઈતિહાસ વિશે.

દિવાળી મહાપર્વમાં જેમ ઘરની સાફસફાઈ શરુ થઇ જાય છે તેમ ઘરમાં વિધવિધ વાનગી બનાવવાની પણ શરુઆત થઇ જાય છે.દિવાળી પર્વ પર બનતા પકવાનો અને વાનગીઓએ આપણા ગુજરાતી જમણને અકબંધ રાખ્યું છે.ગુજરાતી જમણની અકબંધતાને લીધે આજે ગુજરાતી જમણ સર્વત્ર વખણાય છે.

જમણ એ ભોજન કરવાની ક્રિયા માત્ર નથી પણ પરિવારને સાથે રાખવાનો સેતુ છે. ગુજરાતી જમણનો પ્રસરાવો આપણા ગુજરાતીઓનાં સ્વભાવ, રુચિ અને આપણને મળેલી પાક્કી ભૂમિને જાય છે. ‘હરિ હર’નો નાદ હોય કે ગૃહિણીનાં ઘરની કુકરની સિટીનો અવાજ બંને  અર્પણ તો ભગવાનને જ થાય છે. ગુજરાતી જમણ વખણાય છે તેનાં  સ્વાદને લીધે અને મીઠા આવકારાનાં લીધે. ગુજરાતી જમણ વખણાય છે તેને બનાવવાની દેશી પદ્ધતિથી. ગુજરાતી જમણ વખણાય છે શિરાને લીધે, આપણું જમણ વખણાય છે બાજરીનાં રોટલાને લીધે.ગુજરાતી જમણ વખણાય છે ફાફડા- જલેબીથી. અને ગુજરાતી જમણ વખણાય છે સમૂહ ભોજનની પરંપરાથી.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz