આજકાલ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આવતા જતા એક વૃક્ષ સતત પોતાની તરફ નજર ખેંચે છે. એવું કેમ થાય છે, એ પણ સમજાય છે. કદાચ એનો રંગ ? હા, રંગ તો ખરો જ ! અને એથીયે વિશેષ કુતૂહલ. એ આછા ગુલાબી રંગના વૃક્ષો પર અચાનક જ આંખો ઠરી રહી છે. એને જોઈ રહેવાથી મજા તો પડે છે. કેમ મજા પડે છે ? એ ખબર નથી. કદાચ પ્રકૃતિપ્રેમના લીધે ? પરંતુ પ્રકૃતિમાં તો અનેક વસ્તુઓ આવે છે ને ! પણ એવું નથી હોતું કે કોઈ પણ વસ્તુમાં ફેરફાર થયો હોય તો એ તાત્કાલિક ધ્યાને ચડે જ. બસ એવું જ થયું છે. આટલા વર્ષોથી આ વૃક્ષ જોવા મળતું પણ હોય તો ખબર નથી ! આ વખતે જ એના તરફ આટલું બધું ધ્યાન કેમ ગયું એ પણ નથી જ ખબર. પણ જોઇને બહુ જ સારું લાગ્યું. એના લીધે એની આસપાસનું દ્રશ્ય પણ વધારે નીખરી ઉઠ્યું હોય એવું પણ લાગ્યું છે.
હું તો અમદાવાદની જ વાત કરું છું. અમદાવાદ બહાર પણ આ વૃક્ષે પોતાની સુંદરતા દેખાડી હોય તો ખબર નથી. હા યાદ આવ્યું, વચ્ચે બેંગ્લોરના આ વૃક્ષના ફોટા સોશ્યલ મીડિયા પર જોવામાં આવ્યા હતા, પણ તે અમદાવાદમાં પણ છે એવું તો તેને જોઇને જ ખ્યાલ આવ્યો. અને અચાનક અમદાવાદ થોડું વધારે ગમવા લાગ્યું. મને અત્યારે જ્યાં જ્યાં આ વૃક્ષ જોવા મળે છે, ત્યાં ઉભા રહીને તરત એનો ફોટો પાડી લેવાની ઈચ્છા થાય છે, એને જોયે રાખવાની ઈચ્છા થાય છે, એની નીચે બેસી રહેવાની ઈચ્છા થાય છે. નીચે બેસવાની ઈચ્છા તો એટલા માટે કે ત્યાં એના ફૂલો ખૂબ ખરે છે અને આપણા પર પુષ્પવર્ષા થાય, એ તો કોને ન ગમે ?
આજકાલની આ અમદાવાદ કે ગુજરાતની મોસમ ભલે ગમે તે રીતે બદલાતી હોય ! આ બદલાતી મોસમે જ આ સુંદર મજાનું વૃક્ષ કે તેની પર આવતા ફૂલોની ભેટ આપી છે, તો આ ધીમે રહીને ગરમ થતા જતા વાતાવરણ કે ધખતી મોસમને હું ભૂલી શકું છું, ભૂલાવી શકું છું. કારણ કે જ્યાં જ્યાં આ વૃક્ષો છે, ત્યાં ત્યાં કાળા ડામરના રસ્તાઓ પર આછા ગુલાબી રંગની જાજમ પથરાયેલી જોવા મળે છે. એટલે એ વૃક્ષની આસપાસ લગભગ ગુલાબી રંગ ઘેરી વળે, એવું બને !
આમ એ વૃક્ષ સાવ સુકાયેલું જોવા મળે છે. જોવા મળે છે તો માત્ર આંખોને ગમતાં ગુલાબી રંગના ફૂલો અને તાજગીસભર ઘાટા લીલા રંગની એની પાંદડીઓ. એ જોઇને પણ મને એમ થાય કે આ કેટલું અદ્ભુત્ત કોમ્બિનેશન છે, રંગોનું. કેટલાક ફૂલો તો આછા ગુલાબીથી પણ આછા જોવા મળે છે, જેને જોઇને ક્યારેક સફેદ રંગ પણ ભાસે ! એટલે પણ કદાચ આંખોને ઠંડક આપનાર, મનને શાંત કરી દેનારું એ વૃક્ષ લાગી શકે. અને ફરીથી અત્યારની મોસમની સાથે આ વૃક્ષની બીજી મજા શું છે, ખબર છે ? આસમાન સખત વાદળી જોવા મળે છે અને રૂનાં ઢગલાં ગોઠવેલાં વાદળો એમાં ઉમેરો કરે છે, એટલે તમે જયારે આ વૃક્ષની આસપાસના ચિત્રની માત્ર કલ્પના કરો તો પણ તમને સમજાય કે આ સફેદ, આછો ગુલાબી, ઘેરો લીલો, ઘટ્ટ વાદળી, કાળો, કથ્થાઈ અને એની આસપાસ ઉભી થયેલી રંગબેરંગી બીજી કોન્ક્રીટની ઇમારતો.
આહાહા… સખત આહ્લાદક કે રમણીય ચિત્ર નથી બનતું ? પછી ઉભા રહીને એનો ફોટો પણ પાડવાની ઈચ્છા થઇ જ આવે ને ? હા, આટલું સુંદર વૃક્ષ અમદાવાદમાં જ છે, તમારી આંખોમાંથી જરાક, કોઈને ખબર ના પડે એ રીતે સરકી ગયેલું. આંખોથી ડાબા હાથે મૂકાઈ ગયેલું ! આ વૃક્ષને એટલું બધું જોયું કે પછી એના વિષે જાણવાની ઈચ્છા થઇ આવી અને એના વિષે ફંફોસ્યું… તો જાણ્યું કે,
પિરામીડ જેવા આકારમાં ખીલતું આ વૃક્ષનું મૂળ વતન તો મધ્ય કે દક્ષિણ અમેરિકા છે, જેની હારમાળાઓ મેક્સિકોથી ઉત્તર આર્જેન્ટિના સુધી ફેલાયેલી છે. અને તે પોતે પેરાગ્વેનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે પછી મને અહીં અમદાવાદમાં જોવા મળે તો અચરજ અને કુતૂહલ તો થાય જ, એ સ્વાભાવિક નથી ? અને મને તો મૂળે જ સુંદરતાને ક્લિક કરી લેવી ખૂબ ગમે છે. એટલે પહેલા તો એને નિહાળવી અને પછી એનો ફોટો પાડવાનું મન થાય. આના વિષે વધુ જાણ્યું તો ખબર પડી કે આ વૃક્ષ સહન કરી શકે એવું તાપમાન ઓછામાં ઓછા 30 °F છે. એટલે કે લગભગ માઈનસ 1 ડીગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જ એ સહન કરી શકે એમ છે.
આ વૃક્ષ સંપૂર્ણ સૂર્ય અને ચીકણી માટીને જ પસંદ કરે છે. એટલે પણ એમ થાય કે એને આપણા વાતાવરણમાં અનુકૂળ પડતું હોય ! આ વૃક્ષ એકસાથે સેંકડો ફૂલો ઉત્પન્ન કરે છે અને એટલે જ આ વૃક્ષ પર મોટા મોટા ઝુમખાઓમાં ફૂલો જોવા મળે છે અને વૃક્ષ ઘટાદાર. ગરમીમાં આ વૃક્ષના ફૂલો ભલે ખરી પડેલા જોવા મળે, પરંતુ વરસાદ બાદ આ જ વૃક્ષ અતિશય ભરચક જોવા મળશે. કારણકે આ વૃક્ષ માટે મેં જે જાણ્યું છે એ ખૂબ જ આનંદિત કરનાર છે. જેમાં એવું છે કે આ વૃક્ષ આપણને કે પ્રકૃતિને એ રીતે મદદરૂપ બને છે કે જયારે પાણીની અછત સર્જાય ત્યારે આ ખૂબ ઉપયોગી નીવડે છે. આ વૃક્ષને પાણીનો સંગ્રહ કરતા સારી રીતે આવડે છે.
વરસાદ પછીના લાંબા સમયગાળા સુધી તે પોતાનામાં ખૂબ માત્રામાં પાણીને શોષી રાખે છે. આમ મને અને અમારી ટીમના ઘણા બધા લોકોને ગમતાં આ વૃક્ષ માટે જે જે જાણવા મળ્યું કે જે અનુભવ્યું એ અહીં લખ્યું. હિમાંશી શેલતની એક વાર્તામાં એક ગુલાબી વૃક્ષ આવે છે. એવું લાગ્યું કે જાણે આ એ જ વૃક્ષ છે. સાચી વાત તો એ છે કે ગુલાબી ફૂલવાળા આ દ્રશ્યને જોઇને મન પણ ગુલાબી થઇ જાય છે. બાય ધ વે, આ વૃક્ષનું નામ છે Pink Trumpet Tree.
આપણા શહેરમાં, શહેરોમાં, આ વિદેશી વૃક્ષ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલું હોય તો તેને આપણે જતનપૂર્વક અને પ્રેમપૂર્વક ઉછેરવું ના જોઈએ? ધૂળિયા શહેરોને ફૂલના મૂળિયા મળે કદાચ ! મેં અમદાવાદમાં પ્રહલાદનગર આસપાસ એ ખૂબ જોયું છે. તમે પણ જોયું હોય ક્યાંક આ વૃક્ષ તો અમને કોમેન્ટમાં ફોટો પાડીને મોકલો ને ! એને જોઇને તમારા મનમાં એના વિષે જે અનુભૂતિ થાય તે અમારા સુધી પહોંચાડજો, એટલે કે અમારી સાથે શેર કરજો. અમને ખૂબ ગમશે.