આસિમ રાંદેરી, ગુજરાતી ગઝલનું એક શાનદાર નામ. પોતાના વતન રાંદેર પરથી પોતાનું નામ રાખ્યું આસિમ ‘રાંદેરી’. મૂળ નામ તો મહમુદમિયાં મહમદ ઈમામ સુબેદાર. ‘તાપીના તીરે’ બેસીને ‘લીલા કાવ્યો’ લખતા આ કવિને લીલા વિશે કોઈએ પૂછ્યું હતું એ કિસ્સો ખુદ તેમને જણાવેલો. “એક વખત થાણા મુંબઇથી આવેલા એક જૈન યુગલે મને પુછ્યું: ’શું “લીલા”નું પાત્ર ખરેખર જીવંત છે?’ મેં કહ્યું:’ના. એ તો મારી કલ્પનામૂર્તિ છે, કલ્પન છે.’ ત્યારે તેઓ મને એકધારા તાકી રહ્યાં! જાણે હું કઇંક છુપાવતો હોઉં, એવું તેમને લાગ્યું હોય એવું એમના ચેહરા પરના મનોભાવ પરથી લાગતું હતું.’ આ કિસ્સો કવિ તાહા મન્સૂરીએ લયસ્તરો પર આસિમ સાહેબની કંકોત્રી રચનાના સંદર્ભે ટાંક્યો હતો. એ અતિશય જાણીતી રચનાના પણ આ શબ્દો!!!
‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
. હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
. એ પારકી બની જશે, હું એનો એ જ છું !
આસિમ સાહેબને તો કહી દીધું કે આ મારી કલ્પનામૂર્તિ છે, કલ્પન છે. પરંતુ કવિ રઈશ મણિયાર જણાવે છે કે, લીલાએ તેમની પ્રેમિકાનું નામ હતું. લીલાએ ઉચ્ચ હિંદુ પરિવારની સ્ત્રી હતી અને આસિમ સાહેબ પઠાણ મુસ્લિમ. આસિમ સાહેબે એ પ્રેમિકાનું નામ ક્યારેય જાહેર ન કર્યું. ન તો નિષ્ફળ પ્રેમ પાછળ કોઈ નશાખોરી કરી. નિષ્ફળ પ્રેમને જીવન પર હાવી ન થવા દીધો. નિષ્ફળ પ્રણયની સ્મૃતિઓનું રોમાંચક પાસું શોધી કાઢી એને સતત માંજતા રહી પોતાના જીવનને અને ગુજરાતી ગઝલને અજવાળનાર આસિમ સાહેબે એ પ્રેમિકાના લગ્નની કંકોત્રી મળી ત્યારે એને પણ બહુ જ સુંદર રીતે ઉપરની રચના ‘કંકોત્રી’માં વણી લીધી. લીલાની આ વાત ખુદ આસિમ સાહેબે રઈશ મણિયારને જણાવી હતી એ એવું તેમણે એક વક્તવ્યમાં કહ્યું હતું.
લીલા એ આસિમ સાહેબની કલ્પના હતી કે હકીકત એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નથી પણ એમણે ‘લીલા’ના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુ પ્રસિદ્ધ નજમ.
એ જ બગીચો,એ જ છે માળી, એ જ ઉષા-સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી, કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે.
પોતાની કલ્પનામૂર્તિ ‘લીલા’ને તેમણે ગુજરાતી સાહિત્યમાં જીવંત કરી દીધી હતી. પોતાના લીલા’ કાવ્યો અને તાપી નદીનાં કાવ્યો દ્વારા આસિમ સાહેબ ગુજરાતી કવિતામાં અમર રહેશે.
એકવાર ભગવતીકુમાર શર્માએ લખ્યું હતું કે, ‘મુશાયરામાં આસિમ સાહેબનો ક્રમ આવે એટલે શ્રોતાઓમાંથી “લીલા…”,”લીલા…”ના પોકારો પડે તેનો હું સાક્ષી છું.’ કોઈ કવિને સિગ્નેચર કવિતા હોય છે, જે એમની ઓળખ બની ગઈ હોય. પરંતુ અહીં આસિમ સાહેબનું લીલાનું પાત્ર તેમની ઓળખ બની ગયું હતું.
એ લીલાના પાત્ર વિષે આ વાંચો. ‘ગોવર્ધનરામ ત્રિપાઠીનો ‘સરસ્વતીચંદ્ર’, કનૈયાલાલ મુનશીના ‘કાક-મંજરી’, રમણભાઇ નીલકંઠના ‘ભદ્રંભદ્ર’, તારક મહેતાનો ‘ટપુડો’ તેમ આસિમ રાંદેરીની ‘લીલા’ને ગુજરાતી ભાષાના ખરા સાહિત્યરસિકો ક્યારેય નહીં ભુલે…વાર્તામાં કે નવલકથામાં એકાદ બે પાત્રો સર્જી લેખક પોતાનું અને પોતે સર્જેલા પાત્રોનાં નામ અમર કરી ગયાનાં ઘણાં ઉદાહરણો મળશે. પણ…! કવિતા, ગઝલ કે નઝમમાં વાર્તાનુરૂપ કાવ્ય લખનાર શ્રી ‘આસિમ’ રાંદેરી સિવાય કોઇ પણ શાયરનું નામ હજુ સુધી મારા સાંભળવામાં આવ્યું નથી.’ આ શબ્દો છે સુરતના જ તેમના મિત્ર એવા ગઝલકાર અમર પાલનપુરીના.
શતાયુ ભોગવીને ગુજરાતી ગઝલનો આખો ઈતિહાસ પોતાની નજરે જોનાર અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આ ગઝલકાર 15 મી ઓગસ્ટ 1904ના રોજ સુરતના રાંદેર ખાતે જન્મ્યા હતા. ગુજરાતી ગઝલના પિતા બાલાશંકર કંથારીયાના અવસાનને હજુ 6 વર્ષ થયા હતા. ને આસિમ સાહેબનો જન્મ થયો. એટલે કહી શકાય કે ગઝલનું ગુજરાતીમાં અવતરણ થયું ત્યારથી લઈને અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા ને અશોક ચાવડા સુધીના કવિઓ – ગઝલકારોની ગઝલોને તેમણે નજરે નિહાળી છે. આ આખા આયખા દરમિયાન ગુજરાતી કવિતાપ્રેમીઓએ તેમને ખુબ લાડ લડાવ્યા. પરંતુ સન્માન એ સન્માન છે ને! છેક…99 માં વર્ષે તેમને વલી ગુજરાતી એવોર્ડ અને કલાપી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
પરંતુ આ કવિનું ખરું સન્માન તો ગુજરાતની કવિતાપ્રેમી પ્રજાએ કર્યું છે. તેમની અનેક ગઝલો લોકોને કંઠસ્થ હોય છે. તેમની રચનાઓને લોકો સુધી પહોચવામાં મનહર ઉધાસનો બહુ મોટો ફાળો છે એમ કહીએ તો ખોટું નહીં કહેવાય.