બિસ્કીટ ગુજરાતમાં આવેલા મહેમાન કહેવાય કારણ કે એની મૂળ બનાવટ આપને ત્યાંની નથી. પણ આપને ત્યાં દિવાળી અને બેસતું વરસ આવતું ત્યારે ઘરમાં મહેમાનો માટે મોહનથાળ, બરફી, શક્કરપારા જેવી મીઠાઈઓ, મુખવાસ, વરીયાળી મુકાતા અને એમાં વેરાયટી લાગે એટલે ઘણા લોકો બનાવડાવેલા બિસ્કીટ મુકતા. જેમાં મોઢું મીઠું કરાવવાની સંસ્કૃતિ પણ જળવાતી અને મહેમાનનોને કંઇક નવું પીરસવાની સભ્યતા પણ. આમતો એ કોઈ ગુજરાતી વાનગી નથી કદાચ મુઘલ કાળમાં નાનખટાઈ બિસ્કીટની ખાલી જગ્યામાં નભી હશે. અને પછી ધીમે ધીમે વિકાસ પામતા બ્રિટીશ રુલ દરમ્યાન બેકરીમાં એ આપણે ત્યાં આકાર પામતા થયા હશે.
આજની તારીખમાં હવે એ ભઠ્ઠીની જગ્યા ભલે આધુનિક મશીન્સે લઇ લીધી હોય. પણ ગુંદાતો રોટલીનો લોટ એ વાતની બાતમી આપતો હોય છે કે એક ચોક્કસ આકાર ઘૂંટાશે અને વર્ષો જૂની એ જ મઘમઘતી સોડમ ગુંથાશે. ઘણા ઘર આમ પોતાને ગમતા શેપ અને ટેસ્ટના બિસ્કીટ અચૂક પડાવતા. ગોળ ચોરસ લંબગોળ જેવા આકારો ખાસ કરીને સિતારા જેવો આકાર ઝગમગતી દિવાળીના પ્રતિરૂપ જેવો લાગે. અને ગમતી કેટલીયે દિવાળીઓને વાગોળતો એ સ્વાદ જાણે તહેવારને ઉજવવાની શરૂઆત કરતો હોય તેવો લાગે. બેસતા વરસની થાળીમાં પડાવેલા બિસ્કીટ એ સાત સમંદર પારથી કોઈકે આપણા તહેવાર પર મોકલેલું એ નજરાણું છે જેમાં મીઠાશ તો છે જ પણ પરિવર્તન ને સહજતાથી સ્વીકારી લેવાની આપણી મમત પણ. બિસ્કીટ એ આપણા તહેવારનો બેક થયેલો તરજૂમો છે.