કિરીટ દુધાત ગુજરાતના સૌથી લોકપ્રિય સર્જકો પૈકીના એક છે. 1998માં તેમનો પહેલો વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’ પ્રકાશિત થયો. જેમાં 11 વાર્તાઓ હતી. જે બધી જ વાર્તાઓ જલસો વાચિકમમાં રજુ થઇ છે.આ 11 વાર્તાઓએ તેમને પોતાના સમયના એક ઉત્તમ વાર્તાકાર તરીકે સ્થાપિત કર્યા. આ વાર્તાઓથી તેઓ ગુજરાતી સાહિત્યમાં એક અગ્રણી વાર્તાકાર જાણીતા ને માનીતા થયા. 2008માં તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘આમ થાકી જવું’ પ્રકાશિત થયો. બીજા વાર્તાસંગ્રહમાં માત્ર 6 જ વાર્તાઓ હતી. આ છ એ છ વાર્તાઓ પણ જલસો પર વાચિકમ સ્વરૂપે રજુ થયેલી છે. કવોન્ટિટી કરતા ક્વોલિટીમાં માનતા કિરીટ દુધાતે ફરીવાર આ વાર્તાઓ દ્વારા પોતાનામાં રહેલા શ્રેષ્ઠ વાર્તાકારને વાંચકો સમક્ષ મુક્યો.
થોડા સમય પહેલા જ તેમની સમગ્ર વાર્તાઓનો સંચય ‘ઘર’ નામે પ્રકાશિત થયો. આ વાર્તાસંગ્રહની ‘ઘર’ વાર્તા ગુજરાતી સાહિત્યની શ્રેષ્ટ વાર્તાઓમાં સુમાર છે. 30 વર્ષના સર્જનકાળમાં તેમણે માત્ર 23 વાર્તાઓ લખી છે. એથી કહી શકાય કે તેઓ વાંચકોને માત્ર ઉત્તમ સાહિત્ય જ આપવામાં માને છે.અગાઉ તેઓ સાહિત્ય સર્જનમાં કવિતાથી શરૂઆત કરી ચુક્યા હતા. બુધસભામાં તેમની માત્ર એક કવિતા સ્વીકૃતી પામી હતી, તેથી મિત્રો તેમને મજાકમાં તેઓ ‘એક કવિતાના કવિ’ પણ કહે છે. તેમના સર્જકમાં સંવેદના ઉત્કૃષ્ટ રીતે નિરુપાયેલી જોવા મળે છે. તેઓ વ્યવસાયે એક ઉચ્ચ અધિકારી હતા. કારકિર્દીના અંતે તેઓ અધિક કલેકટર તરીકે નિવૃત્ત થયા હતા. તેથી તેમનો અનુભવ પટ બહુ વિશાળ હતો.
એ અનુભવનો લાભ ગુજરાતી ભાષાના ભાવકો અને ચાહકો માણી શકે એ ઉદ્દેશથી જલસોએ કિરીટ દુધાત સાથે વિશેષ સંવાદ કર્યો છે. આ સંવાદમાં તેઓએ પોતાના સર્જનની શરૂઆત ક્યાંથી થઇ એ વાતથી લઈને પોતાની વાર્તાઓમાં આવતા પાત્રો, ઘટના અને સંવેદનો વિષે વિગતે વાત કરી છે. ગુજરાતી સાહિત્યના અમુક વિવાદો, વિવેચન અને પોતાની માન્યતા વિશે સ્પષ્ટપણે વાત કરી છે. રામનારાયણ પાઠકથી સુરેશ જોષી અને હિમાંશી શેલતથી નવનીત જાની – રામ મોરી સુધીના વાર્તાકારોની વાર્તાઓ, એ વાર્તાના સારા નરસા તત્વો અને તેની વિશેષતા વિષે તેમણે આ સંવાદમાં ખુલીને વાત કરી છે. તેઓ વાર્તાકારની સાથે સાથ સમીક્ષક, વિવેચક અને ઉત્તમ આસ્વાદક પણ છે. જેનો બહોળો લાભ ગુજરાતી સાહિત્યના ભાવકોને મળે છે. એ લાભ જલસોના ભાવકોને પણ મળે એ હેતુથી જલસોનો વિશેષ સંવાદ. માણો કિરીટ દુધાત સાથેનો આ સંવાદ.