જે રીતે પત્રો લખાતા બંધ થઇ રહ્યા છે, એ રીતે તો એમ જ લાગે કે જાણે લાગણીઓ ખૂટી રહી છે. અત્યારની જીવનશૈલી પ્રમાણે દરેક જણ અપગ્રેડ થયા છે. દરેકને એમ છે કે વાત ટૂંકમાં ખતમ થતી હોય તો લાંબુ કેમ લખવું? અથવા લાંબુ લાંબુ બોલવું પણ કેમ? જયારે એક સમય હતો કે પત્ર લખવા બેસીએ ત્યારે, આજકાલ MS Wordમાં એક પેજ લખાઈ જાય અને શબ્દ મર્યાદા જેવી લાગણી થાય એવું ત્યારે નહોતું થતું. ત્યારે તો પાનાંઓના પાનાં ઓછા પડતા અને પોસ્ટ થઇ ગયા પછી પણ એવી લાગણી થઇ આવતી કે આ લખવાનું તો રહી જ ગયું, પેલું લખવાનું હતું એનું શું? અમને જલસો તરીકે આનંદ એટલે થાય કે અમે એ જૂની પરંપરા દિવાળીના દિવસો દરમિયાન ફરીથી શરૂ કરી શક્યા હતા. અને અમને કેટલા બધા પત્રો મળ્યા હતા. આ કેમ્પેઈન કર્યા પછી એવું થયું હતું કે આમાં ગુજરાતના જાણીતા લોકોને પણ આમાં ભાગ લેવા માટે કહીએ અને તેઓએ હોંશભેર અમારા આ પ્રસ્તાવને પ્રેમથી સ્વીકાર્યો પણ ખરો. બસ એ વખતે જૂદું એટલું જ કર્યું કે ઓપન લેટર લખવામાં આવે. એટલે કોઈને પણ લખી શકો! એ વ્યક્તિ ન હોય અને કોઈક સીસ્ટમ હોય, કે પછી વસ્તુ હોય કે જેનો આપણા રોજીંદા જીવનમાં ખૂબ ઉપયોગ હોય, છતાં ક્યારેય એને કંઈ પણ કહેવાનું શક્ય બન્યું ન હોય. બસ એ રીતે આ પોડકાસ્ટ તૈયાર થયો અને પત્રો લખાયા. જેને અમે નામ આપ્યું, “Yours Truly – An Open Letter”