શંકરમ શંકરાચાર્યમ કેશવં બાદરાયણમ |
સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવન્તમ પુન: પુનઃ ||
આ શ્લોકમાં વંદના કરવામાં આવી છે આપણા દેશના મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યજીની. હિંદુધર્મના પ્રવર્તક આદિ શંકરાચાર્ય ભગવાન શિવનો અવતાર મનાયા છે. તેમણે ખુબ જ નાની ઉંમરમાં સમગ્ર વેદો કંઠસ્થ કરી, ગુરુ ગોવિંદ પાદાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. 32 વર્ષની નાની ઉમરમાં તેમણે વેદાંત પર ભાષ્ય લખ્યા. અનેક ભક્તિ સ્તોત્રોની રચના કરી. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોનાં સાર રુપે અદ્વેતવાદ સિદ્ધાંત સ્થાપ્યો.
આઠમી – નવમી સદીમાં બૌદ્ધ ધર્મનો વ્યાપ ભારતમાં ખુબ હતો, તેથી સનાતન હિંદુ ધર્મનાં પ્રસાર અને પ્રચાર અર્થે તેમણે પૂરા ભારતની યાત્રા કરી અને ભારતની ચાર દિશામાં આવેલા તીર્થ ક્ષેત્રોમાં ચાર મઠની સ્થાપના કરી. આ ચાર મઠ એટલે પૂર્વમાં જગન્નનાથ પુરીનો ગોવર્ધન મઠ, પશ્ચિમમાં દ્વારિકાનો શારદા મઠ, દક્ષિણમાં રામેશ્વરમનો શૃંગેરી મઠ અને ઉત્તરમાં આવેલ ભગવાન બદ્રીકાશ્રમનો જ્યોતિ મઠ. આ ચાર તીર્થ ક્ષેત્રમાં ભગવાન શંકરાચાર્યએ જયારે ચાર મઠની સ્થાપના કરી ત્યારે ભારતના મુખ્ય ચારધામ કહેવાયા. આ ચારધામમાં બદ્રીનાથ મંદિરની પુનઃ સ્થાપના વિશેષ પ્રકારે ભગવાન આદિ શંકરાચાર્યએ કરી. તપોભૂમિ બદ્રીનાથ ભગવાનની, તેનો ઈતિહાસ, બદ્રીનાથમાં જોવાલાયક પ્રખ્યાત સ્થળો વિશે સાંભળો જલસોનાં ચારધામ યાત્રા સ્પેશિયલ પોડકાસ્ટમાં.