પ્રેમ, પ્રિયતમા, પ્રિયજન, સૌંદર્ય, વિસ્મય, લાગણી, આવેગ, વિરહ અને સંવેદના. આવા અનેક ભાવો જેને માત્ર અનુભવી શકાય, તેનો આસ્વાદ થોડો થાય? પરંતુ પ્રણયમસ્તીની મદમસ્ત કલમે યુવા હ્રદયની લાગણીઓને વ્યક્ત કરતા સૌંદય પ્રહરી અભિષેક અગ્રાવતે આ લાગણીઓનો આસ્વાદ કર્યો છે. વિશેષ કરીને સૌંદર્યનો આસ્વાદ કર્યો છે. અને એ આસ્વાદને અમે જલસો પર પોડકાસ્ટ રૂપે રજુ કર્યો છે, જેને નામ આપ્યું ‘રફત’. રફત, જેનો અર્થ પ્રીતિ, માયા, સ્નેહ અને સ્ત્રી એવો થાય છે. અને આ લાગણીઓ પણ બીજી કોના માટે હોવાની? આમ તો પ્રેમ કે પ્રિયજન કોઈ વ્યાખ્યાનો વિષય નથી, ગમતું નામ એટલે પ્રિયજન. એ કોઈ પણ હોય શકે. એવી જ રીતે સૌંદર્યનું વર્ણન અને વ્યાખ્યા દરેકની જુદી જુદી હોવાની. શૃંગાર એટલે શું? શૃંગારિક પ્રણય અને યુવાનીની મદહોશ આંખોમાં નીતરતા પ્રેમ કેવી રીતે વ્યક્ત થાય છે?
મનમાં રમાતો રણસંગ્રામ કલમ દ્વારા ખેલતા અભિષેક અગ્રાવત અહીં પ્રણયની ઉત્કૃષ્ટ લાગણીઓ વ્યક્ત કરે છે. મુગ્ધતાનું, મહોબ્બતનું, પ્રેમનું અદકેરું વિશ્વ એટલે જલસોનો આ પોડકાસ્ટ ‘રફત’. અભિષેક અગ્રાવતના શબ્દોમાં તમને પ્રેમ અને સૌંદર્યનું નવું સરનામું મળશે.