ઈશ્વર કૃપા અને અનાયાસે સંભવ બનેલ ઘટના સમય જતાં એક પરંપરા બની જાય છે. જો એના મૂળમાં ધર્મ હોય તો એ પ્રથા ધાર્મિક ઉત્સવનું રૂપ લઇ લે છે. ઉત્સવ પ્રિયા ખલુ જના: વયમ નાં ભાવે તેમાં અનેક રંગો ભળે છે. અને એ આપણી સંસ્કૃતિની ઓળખ થઇ જાય છે. આપણા દેશમાં ભગવાન જગન્નાથની બે સૌથી મોટી રથયાત્રા પ્રસિદ્ધ છે. એમાં પહેલી ઓરિસ્સા જગન્નાથ ભગવાની રથયાત્રા બીજી સૌથી મોટી રથયાત્રા આપણા અમદાવાદ નગરમાં યોજાય છે. જમાલપુરમાં ૪૫૦ વર્ષ જૂનું ભગવાન જગન્નાથનું મંદિર છે. જગન્નાથ ભગવાનનાં આ મંદિર પહેલાં અહીં શ્રી હનુમાનજીનું મંદિર હતું. રામાનંદી પરંપરાનાં સાધુઓ દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું. અમદાવાદમાં સૌ પ્રથમવાર ૧૮૭૮માં મંદિરનાં સાધુ સંતો દ્વારા બળદગાડામાં શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળી હતી. સરસપૂરમાં આવેલ શ્રી રણછોરાયજીનું મંદિર ભગવાનનું મોસાળ બન્યું અને સાધુ સંતો દ્વારા વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા સરસપૂર મામાનાં ઘરે જવા નીકળતી.
આ દર વર્ષનો અનુક્રમ આજે ગુજરાતનો ”લોક ઉત્સવ” છે. પવિત્ર અષાઢ શુક્લ દ્વિતીયાનાં દિવસે સ્વયં શ્રી જગન્નનાથ પ્રભુ, બલભદ્ર અને સુભદ્રાજી નગરચર્યા માટે નીકળે છે. આ દિવસની આ ક્ષણોની ભગવાનનાં ભક્તો કાગડોળે રાહ જોઈ બેઠા હોય છે.