આમ તો ગુજરાતનો ઈતિહાસ એ કોઈ પુસ્તક કે પોડકાસ્ટમાં સમાવી શકાય એવો સરળ કે નાનો નથી. પરંતુ ગુજરાતના ઈતિહાસનો એક પોડકાસ્ટ જલસો પર હોવો જ જોઈએ, અમારી શરૂઆતથી જ એવી દ્રઢ ઈચ્છા હતી. કારણ કે આ એ ભૂમિ છે જ્યાં પથ્થરયુગના માનવીએ પણ પોતાનું રહેઠાણ બનાવ્યું અને આગળ જતા ધોળાવીરા અને લોથલ જેવી મહાન સભ્યતાઓ પણ વિકસી. ગુર્જરોએ આ પ્રદેશને પોતાનું ઘર બનાવ્યું. ગુજરાતનાં ભવ્યપ્રદેશનો ભવ્ય ઈતિહાસ છે, જે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયો છે. ક્યાંક છપાઈને તો ક્યાંક કોતરાઈને સચવાયો તો છે, છતાં ભૂલાઈ ગયો છે. ગુજરાતના ભવ્ય ભૂતકાળને, ગુજરાતના આ ઇતિહાસને ફરીથી વાગોળવાનો આ નાનકડો પ્રયાસ એટલે – History of Gujarat. જેમાં અમે કચ્છની પ્લેટોનિક મુવમેન્ટથી જે ભૂ ભાગ અલગ પડ્યો, જે ગુજરાત કહેવાયો, ત્યારથી લઈને મહાગુજરાત ચળવળ એટલે કે અલગ ગુજરાત રાજ્ય સુધીનો આખો ઈતિહાસ અમે આ શોમાં સમાવવાની કોશિશ કરી છે. ધર્મેન્દ્ર ગોહિલ જેવા ગુજરાતી ફિલ્મ અને નાટકના ખુબ જ જાણીતા કલાકારે આ શોને અવાજ આપ્યો છે. ગુજરાતના ઈતિહાસની ભુલાયેલી કડીઓને જોડીને યાદ કરીને તમારી સામે મુકવાનો પ્રયાસ એટલે અમારો આ પોડકાસ્ટ History of Gujarat.