‘સ્ટેન્ડઅપ કોમેડી’ આ કોન્સેપ્ટ જે રીતે દેશ વિદેશમાં સખત પ્રખ્યાત થઇ રહ્યો છે, એ રીતે આ ક્યારેય અટકશે નહિ એવું લાગી રહ્યું છે. અને એક રીતે તો એ સારું પણ છે, કારણ કે આ હાસ્યનું માધ્યમ છે. હસવું જીવનમાં કેટલું બધું અગત્યનું છે? એ કોઈક ડોક્ટરને પૂછો તો સમજાય. પરંતુ હસવાનું મહત્વ ખૂબ જ છે, એ માટે કેટલા બધા લાફ્ટર કલબ્સ ને એવી અનેક ઘણી એક્ટીવીસ થતી રહેતી હોય છે. જો ગામ આખામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો જલસો તો મનોરંજનનું જ માધ્યમ છે. એટલે અમે નક્કી કર્યું હતું કે અમે પણ એપ્લિકેશનમાં હાસ્યને લગતું શું કરી શકીએ? કારણ કે સ્ટેન્ડઅપ કોમેડી જોઇને એન્જોય કરવાની વધારે મજા આવે. જયારે અમારું એટલે કે જલસોનું તો માધ્યમ જ ઓડિયોનું છે. અને જલસો હંમેશા સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને જ નવા નવા કાર્યક્રમો કરતું આવ્યું છે. ત્યારે આજકાલના સ્ટેન્ડઅપ કોમેડીમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થઇ રહ્યો છે, એવું નથી કરવું ને છતાં લોકોને હસાવવા છે. બસ નક્કી થયું અને આ શો ડિઝાઈન થયો. અમદાવાદ શહેરનો જાણીતો યુવાન કે જે પોતાના હાસ્ય થકી લોકોને હસાવે પણ છે અને એવા બીજા અનેક હાસ્ય ઉપજાવનારા લોકોને સ્ટેજ પર ઉભા રહી લોકોને હસાવી શકે એવી તાલીમ પણ આપે છે. એ યુવાન એટલે અમીત ખુવા, જેઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ પોતાની શુદ્ધ કોમેડી માટે ખૂબ જાણીતા છે. અમે તેમનો સંપર્ક કર્યો અને તૈયાર થયો આ પોડકાસ્ટ – “Hilarious હાહાકાર with Amit Khuva”.