આપણો દેશ મંદિરોનો દેશ કહેવાયો છે. ભારતમાં મંદિરોનો ઇતિહાસ ખૂબ મોટો છે. ભારતનાં મંદિરો અનેક રીતે ચડિયાતા છે. મંદિરનાં દેવી – દેવતાઓની મૂર્તિ, મંદિરનું બાંધકામ, મંદિરની રચના, તેનું સ્થાપત્ય, તેનું કદ આ બધું જ તે પ્રદેશનાં સમય, ત્યાંનાં વાતાવરણ, માન્યતાઓ અને આસ્થા પર રચાયું છે.
દેવાલય, દેવ સ્થાન, ધામ, તીર્થ, પીઠ, મઠ, મઢ, દેવળ કે દેરું, આ દરેક શબ્દ મંદિરનાં જુદા જુદા પ્રકારો સૂચવે છે. આપણા દરેક કૃષ્ણ મંદિરનો આગવો ઇતિહાસ છે. મંદિર ક્યારે બંધાયું? કોણે બંધાવ્યું? અને કેમ બંધાયું? વગેરે પ્રશ્નોનાં ઉત્તરમાં એક વાર્તા મળે છે, દંતકથા મળે છે. અને એમાં ભળે છે આપણી લોકમાન્યતાઓ. આપણી શ્રદ્ધાનું અત્તર અને મંદિરનું પવિત્ર વાતાવરણ તે સ્થાનને અકબંધ રાખે છે.
ભગવાન શ્રીકૃષ્ણનાં સૌથી મોટા મંદિરો ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્રારકા અને ભાલકા જેવા તીર્થસ્થાનોથી સૌ પરિચિત છીએ. પરંતુ એ સિવાય પણ આપણા દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક વિશેષ મંદિરો આવેલા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ વિરાજે છે. જલસોનો આ પોડકાસ્ટ વિશેષ છે, જેમાં વાત કરવામાં આવી છે દક્ષિણ ભારતનાં દ્રારકા મંદિરની, ભગવાનના પ્રિય ધામ એવા વૃંદાવનનાં પ્રમુખ પાંચ કૃષ્ણ મંદિરોની, બેટ દ્વારકામાં આવેલ ભગવાન કેશવરાયજીના મંદિરની, ગાંડી ગીરમાં આવેલ ભગવાન શ્યામ પ્રભુનાં મંદિરની. આ સાથે બીજા વિશેષ કૃષ્ણ મંદિરોની જે આપણને ભગવાન કેશવના પ્રભાવ, તેમનાં ભકતોની ભક્તિનો પરિચય કરાવે છે.