ક્યાંક વાર્તા મળે છે ને ક્યાંક વાયકા. મોત પછીની દુનિયાની વાત જ આમતો મૂળે વાતવરણમાં ભાર ઉભો કરી દેતી હોય છે. એવામાં એ વિષે વધુ ઊંડા ઉતરીને વાત કરીએ તો કદાચ કોઈને સાંભળવી ના ગમે અથવા એ વાત કે ચર્ચાનો ભાગ બનવું ના ગમે એ શક્ય છે. કદાચ એ લોકો believe નથી કરતા હોતા અથવા તો આવી વાતોમાં માનતા હોય તો એમને ડર લાગતો હોય છે કે વાત સાંભળી લેશે તો રાત્રે કદાચ ઊંઘ નહિ આવે અથવા તો એના સપના આવશે. ઘણા લોકોને હોરર મુવીઝ જોઇને પણ જાત જાતના આભાસો થયા કરતા હોય છે. અને એ પણ શક્ય છે કે ડર લાગતો હોવા છતાં લોકોને આવી વાતોમાં રસ પડતો હોય છે. અને અમુક લોકો એવા હોય છે જે માત્ર મજા માટે સાંભળતા હોય છે તેઓ આવા કશામાં માનતા નથી હોતા. બાકીના લોકો માટે ૫૦-૫૦% છે કે ભૂત હોય પણ ખરા અને ના પણ હોય.
શક્યતાઓ તો ઘણી છે. આપ હાલ મને સાંભળી રહ્યા છો ત્યારે એમ પણ બને કે તમે એકલા હોવ અને તમારી આસ પાસ કોઈ ફરતું હોય તમને એમ લાગ્યા કરે. અથવા તમે એકલા નાં હોવ અને લોકોની વચ્ચે હોવ તો એવું પણ બને કે કોઈને એ ટોળાનો ભાગ બનવાનું મન થાય અથવા પોતાનું એક ટોળું ઉભું કરવાનું મન થાય. તમને શું લાગે છે સાચે જ મોત પછીની દુનિયા મોજુદ છે? મને તો ક્યારેય અનુભવો નથી થયેલા પણ આભાસ થયેલા છે એટલે એમ કહી શકું કે, ‘વહેમ પણ હોય અને કોઈ હોય એમ પણ હોય’. અને ક્યારેક અવનવો અવાજ માત્ર આપણને ભયભીત કરી દેતો હોય છે. મારા મતે રાતના એકાંતમાં બોલતા તમરાં પણ ભયનો અવાજ પેદા કરી શકે છે. એટલે જ આ રૂહને કંપાવનારી વાર્તાઓની કથની કરતા પોડકાસ્ટનું નામ ‘તમરાં – The sound of horror’ મેં રાખ્યું છે. હું છું હાર્દિક શાસ્ત્રી જલસો પર. ડરાવની દુનિયામાં આપણું સ્વાગત છે.