ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપતા હિલેરી ક્લિન્ટન કહે છે કે, ‘મારા માટે તેઓ એક હીરો સમાન હતા’.
‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગાંધી બાપુના આ વાક્યને સાર્થક રીતે જીવનાર વ્યક્તિ જો કોઈ હોય તો એ હતા ઈલાબેન ભટ્ટ. ઈલાબેન ભટ્ટ એટલે એક ખૂબ જ સરળ વ્યક્તિત્વ. સાદગીભર્યું જીવન, મૃદુભાષી, હંમેશા હસતો તેજસ્વી ચહેરો અને લાખો મહિલાઓ અને હજારો પરિવારોની ‘માતા’.
કાયદાના અભ્યાસી અને મહિલા બેંકના સ્થાપક એવા ઈલાબેન ક્યારેય ઉદ્યોગ સાહસિક નથી રહ્યા પરંતુ તેમની સમાજ પ્રત્યેની જવાબદારી, આયોજનબદ્ધ અને સંચાલન સાથેની કામગીરી એક મોટા ઉદ્યોગસાહસિક કરતા પણ ચડિયાતી હતી. તેઓને એક Social Entrepreneur પણ કહી શકાય, તેમણે સમાજમાં રહેલી મજૂરી કરતી અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવી વેપાર કરતા શીખવ્યું હતું.
મહિલાઓના શ્રમને લઈને તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતા, તેઓ કહેતા કે, ‘જે દેશની અડધી આબાદી ઘરમાં પુરાઈ રહે, રાષ્ટ્રનાં ઉત્પાદનમાં એમનું પુરતું પ્રદાન ન લેવાય, જેટલું હોય તેની નોંધ સુદ્ધા ન લેવાય તે દેશ ગરીબ ન રહે તો શું રહે?’
ઈલાબેને ખુબ ધીમા અવાજે બુલંદ પ્રશ્નો ઉઠાવેલા. સમસ્યાને ધૈર્યપૂર્વક ઉકેલ સુધી લઈ જતાં. શ્રમિક મહિલાઓની બેંક સ્થાપવી એ સ્વપ્ન તેઓ જોઇ શક્યા એટલું જ નહીં પણ સાકાર કરી શક્યા. આ ઉમદા કાર્ય માટે તેઓએ અલગ અલગ આવડત કે કળા ધરાવતી મહિલાઓને એકજૂટ કરી ‘SEWA – Self Employed Women’s Associationની સ્થાપના કરી. જેની ખ્યાતિ ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વૈશ્વિક સ્તરે ફેલાઈ. મહિલાઓને ધિરાણ મળી રહે તે માટે ‘Women’s World Bank’ની સ્થાપના પણ કરી.
2010માં, તેમને જાપાનનું પ્રતિષ્ઠિત ‘નિવાનો પીસ પ્રાઈઝ’ આપવામાં આવ્યું, ત્યારે ટોકિયોમાં તેમણે એક વાત કહેલી જેનો અનુવાદ રાજ ગોસ્વામીએ કરેલો છે. તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે : ‘શાંતિની વિસ્તૃત ખોજ માટેનું તમારું કામ સ્ત્રીઓ અને સેવા સાથે કેવી રીતે જોડાયેલું છે?’ આ સવાલમાં તેઓ જે જવાબ આપે છે એ એમના કાર્ય અને વિચારને પ્રસ્તુત કરે છે. તેઓ કહે છે કે, “શાંતિ એટલે યુદ્ધની ગેરહાજરી નહીં. એ ચુંટણી કરવાની વાત પણ નથી. શાંતિ નક્કર અને શાશ્વત ચીજ છે; એ જીવનની વાત છે. એ જીવનની સાધારણતાની, આપણે એક બીજાને કેવી રીતે સમજીએ છીએ, કેવી રીતે સહભોજન કરીએ છીએ, કેવી રીતે આંગણામાં સાથે રહીએ છીએ તે છે. અને એ કામ સ્ત્રીઓ કરે છે. આવી સાધારણતા અને સ્ત્રીઓની આજીવિકા જીવનના કેન્દ્રમાં છે. તેનાથી સમુદાયો જોડાયેલા રહે છે. આવી સાધારણ ચીજો પ્રત્યક્ષ રીતે દેશની તંદુરસ્તી સાથે જોડાયેલી છે.
આ કડી કોઈને સમજમાં નહીં આવે, પરંતુ કોઈ પણ એજન્ડા હોય, સમુદાયો અને તેમના કલ્યાણને એમાં જોડવું જ પડશે. અંદરની શાંતિ અગત્યની છે, પણ મને કાયમ લાગ્યું છે કે રોજિંદી જિંદગી શાંતિથી જીવવી એ મુખ્ય લક્ષ્ય છે. એટલા માટે વ્યક્તિગત શાંતિ અને વૈશ્વિક શાંતિ ભિન્ન નથી. બંને એક જ છે. ગરીબી અને હિંસાનો સીધો સંબંધ છે. હિંસા શાંતિ ન લાવી શકે. ગરીબી પોતે જ હિંસા છે. અને તે સમાજની મંજુરીથી થાય છે. ગરીબી અને હિંસા માનવ નિર્મિત છે, ઈશ્વરની ઈચ્છા નહીં. ગરીબી અને શાંતિનું સહઅસ્તિત્વ શક્ય નથી.”
આપણે એમને ‘સેવા’ સંસ્થાના સ્થાપક તરીકે જ વધુ ઓળખીએ છીએ. બરાબર છે, એમ જ હોવું જોઇએ. એ એમની મોટી ઓળખ છે. 2015થી હજુ હમણાં સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા, સ્વાસ્થ્ય કારણોસર તેમણે રાજીનામું આપ્યું, જે વિદ્યાપીઠના ઇતિહાસમાં રાજીનામું આપનાર પ્રથમ ચાન્સેલર હતા.
ઇલાબહેને ‘આત્મનિર્ભર’ શબ્દ મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે 1972માં ‘સેવા’ની સ્થાપના કરીને અપનાવી લીધો હતો. એ ‘સેવા’ માટે 1977માં તેમને કમ્યુનિટી લીડરશીપ માટે ‘રેમન મેગ્સેસ એવોર્ડ’ એનાયત થયો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા હતા. ભારત સરકારે તેમને 1985માં ‘પદ્મશ્રી’ અને 1986માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત કર્યા. ઇલાબહેન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા હતા.
‘સેવા’ની તેમની ત્રીસ-પાંત્રીસ વર્ષની કામગીરી, સંઘર્ષયાત્રા આલેખતું પુસ્તક ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા ‘We are Poor but So Many’ નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે. હિમાંશી શેલત દ્વારા ગુજરાતીમાં અનુવાદિત થયેલું આ પુસ્તક ‘ગરીબ પણ છૈયે કેટલા બધાં’ નામે ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે.
ગાંધીજીના સપનાના ભારતના નિર્માણ માટે ઈલા બેન સતત સફળતા પૂર્વક કેડી કંડારતા રહ્યાં. સ્ત્રીનાં શ્રમનો સ્વીકાર કરો, સ્ત્રીની શકિતને વિકસાવો, સ્ત્રીની આવડતને રાષ્ટ્રનાં ઉત્પાદનમાં, વિકાસમાં જોડો, આ બધાં સૂત્રો લાગે એવાં વાક્યોને ઇલાબેને કાર્યમાં પલટાવીને આપણી સામે મૂક્યાં.
આજીવન ‘સેવા’નો ભેખ ધારણ કરીને મહિલા જાગૃતિ અને ઉત્થાન માટે કાર્યરત, સેવા અને સરળતાના પર્યાય સમા પદ્મભૂષણ ઈલાબેન ભટ્ટનું 2 નવેમ્બર 2022ના રોજ અવસાન થયું હતું.