કદાચ આપણા માટે વેદની સૌથી જાણીતી રચનાઓમાની એક રચના છે શ્રી સૂક્તમ.સંસ્કૃત સૂક્તોમાં પાંચ સૂક્તનું અતિ મહત્વ છે. પ્રસિદ્ધ પંચ સૂક્તોમાંથી એક સૂક્ત શ્રી સૂક્તમ ગણવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ, મંદિરોમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી સૂક્તમનાં પાઠ વગર અધૂરી કહેવાય છે. શ્રી સૂક્તમનાં મંત્રો સોળ છે. મુખ્ય પંદર ઋચાઓ સાથે ૧૬મી રુચા ફળાદેશની છે. સોળ રચયિતા લક્ષ્મી પુત્ર આનંદ, કર્દમ, ચિકલિત અને સ્વયં શ્રી લક્ષ્મીજી માનવામાં આવ્યાં છે.
શબ્દોની વૈવિધ્યતા ધરાવતી આપણી ભાષામાં દરેક શબ્દનાં અનેક અર્થો થાય છે. તેથી શ્રી શબ્દનાં અર્થ પણ ઘણા થાય છે.શ્રી એ દેવી લક્ષ્મીનું મૂળ નામ છે. સંસ્કૃતમાં મળતી વ્યાખ્યા પ્રમાણે હરિમ શ્રિયતે ઇતિ શ્રી એટલે, કે જે હરિની સેવા કરવામાં તત્પર છે અથવા શ્રયતે હરિમ ઇતિ શ્રી એટલે કે જે શ્રી હરિના આશ્રયમાં છે તેને શ્રી કહેવાય છે. શ્રી શબ્દ અત્યંત પવિત્ર, શુભ અને સિદ્ધ શબ્દ છે. પ્રથમ પૂજ્ય શ્રી ગણેશનાં નામ આગળ પણ પહેલા શ્રી લખાય છે. જેમ ઓમ પરમ એકાક્ષર મંત્ર છે તેમ શ્રી શબ્દ પણ પરમ એકાક્ષરી મંત્ર માનવામાં આવ્યો છે. માત્ર શ્રી શબ્દનું આટલું મહત્વ છે તો તેને જ પરિભાષિત કરતા શ્રી સૂક્તમનું મહત્વ આપણા દરેક ધાર્મિક ગ્રંથોમાં કેટલું હશે એ આંકી જ શકીએ.
ઋગ્વેદનાં પાંચમાં મંડળનાં અંતમાં આવતા ખિલસૂક્તમાં શ્રી સૂક્તમ આવે છે. અગ્નિ પુરાણ પ્રમાણે ચારેય વેદમાં શ્રી સૂક્તમ છે એમ કહેવાય છે. અગ્નિપુરાણનાં 62માં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીસૂકતમનાં મંત્રો દ્વારા જ મા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે. આથી મા લક્ષ્મીની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે બ્રાહ્મણ મહાત્મા શ્રી સૂક્તનો પાઠ કરે છે.મા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે પહેલા મંત્રના ઉચ્ચારણ દ્વારા મા લક્ષ્મીની બંને આંખોનું ઉન્મિલન કરવામાં આવે છે. એ રીતે એક પછી મંત્રોનું પઠન કરીને મા લક્ષ્મીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે.
આજે તો વેદોક્ત વચનો અને મંત્રો બ્રાહ્મણ દેવતાઓ, આચાર્યશ્રીઓ, અને સંસ્કૃત પાઠ શાળાનાં શિક્ષકો જ યોગ્ય રીતે બોલી શકે છે. આથી આ વિચારનાં ન્યાયે જલસો પર અમુક સંસ્કૃત સૂક્ત, સ્તોત્રો અને અને પ્રાર્થના મંત્રોને પૂજ્ય આચાર્ય શ્રી વિદીત્માનંદમાં અવાજમાં આપ સાંભળી શકશો. આ શ્રેણીમાનું એક સૂક્તમ એટલે શ્રી સૂક્તમ.
શ્રી સૂક્તમનાં પાઠ કરવાનો સમય
મા ની આરાધના કરનાર શક્તિ ઉપાસકોમાં શ્રી સૂકતમનું અત્યંત મહત્વ છે.શક્તિ ઉપાસકો નિત્ય પ્રાત: કાળે કે સંધ્યા કાળે શ્રી સૂકતમનો પાઠ કરે છે. શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ હોવાથી શ્રી સૂકતમનો પાઠ શુક્રવારે કરવાનું મહત્વ વધારે કહેવામાં આવ્યું છે.આ સિવાય નવરાત્રિનાં સમયે, મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે શ્રી સૂક્તમનો પાઠ આવશ્યક રીતે કરાય છે.
આપણા ઘરોમાં જેમ નિત્ય પૂજામાં અને આરતી સમયે પ્રાર્થના મંત્રોનો બોલવામાં આવે છે તેમ નાના મોટા દરેક મંદિરોમાં પણ માની સ્તુતિ કરતા મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશનાં અતિ પ્રસિદ્ધ મંદિર એવા તિરુવલ વૈકટેશ્વર મંદિરમાં દરરોજ શ્રી સૂક્તનો પાઠ ફરજિયાત રીતે કરવામાં આવે છે. મા લક્ષ્મીની આરાધનાનાં સ્તોત્રોમાં શ્રી સૂક્તમનું નામ પહેલા આવે છે. આ સાથે ધનની પ્રાપ્તિ માટે સર્વોત્તમ સાધન તરીકે શ્રી સુકતમને ગણવામાં આવ્યું છે. મા લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તમ પાઠ દરેક પ્રકારે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારું છે.