રઘુવીર ચૌધરી, આ નામ માત્ર નામ નથી. ગુજરાતી સાહિત્યની એક સંસ્થા છે. હર્ષદ ત્રિવેદી તેમને યોગ્ય રીતે જ ‘ગુજરાતી સાહિત્યનો કબીરવડ’ કહે છે. જેમ વડ બહુ મોટા વિસ્તારને છાંયો આપે છે, એમ રઘુવીર ચૌધરીએ અનેક સર્જકોને છાંયડી આપી છે. કોઈ મિત્રને મદદની જરૂર હોય તો ચાલો રઘુવીરભાઈ પાસે, કોઈ મિત્રને નોકરીની જરૂર છે ચાલો રઘુવીરભાઈ પાસે, કે હર્ષદ ત્રિવેદીએ લખ્યું છે એમ ક્લાસમાં હાજરી ખૂટે તો પણ રઘુવીર ચૌધરી વાઈસ ચાન્સેલર સાથે વાત કરીને એની પણ ભરપાઈ કરી આપે. રાવજી પટેલના છેલ્લા સમયમાં રઘુવીર ચૌધરીએ એમના માટે જે કર્યું એને સ્પષ્ઠ ગુજરાતીમાં ‘સેવા ચાકરી’ જ કહી શકાય. એમ સર્વ મિત્ર રઘુવીર ચૌધરી પોતાના એક વાક્યથી સામેવાળાને દુભાવી શકે એવો ધારદાર વ્યંગ પણ કરી શકે.
એકવાર એક કાર્યક્રમમાં હરિવલ્લભ ભાયાણી સંચાલક હતા. તેમને અચાનક બહાર જવાનું થવાથી યશવંત શુક્લએ સંચાલન સંભાળ્યું. રઘુવીર ચૌધરીએ સ્ટેજ પરથી કહ્યું, ‘હવે રાષ્ટ્રપતિ શાસન શરુ થશે.’!
આ થઇ રઘુવીર ચૌધરી વિશેની સામાન્ય વાત. એમના વિશે વાત કરવી હોય તો કોઈ એક ક્ષેત્રને પકડીને વાત થઇ જ ન શકે. તેમના સાહિત્ય સર્જન, એમાં પણ અલગ અલગ સ્વરૂપો પરનું દીર્ઘ કાર્યકાળ, તેમનું શિક્ષણકાર્ય, સમાજ જીવન કે પછી જાહેર જીવન. તેમના જીવનને સ્પર્શનાર દરેક ક્ષેત્રમાં તેમને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસમાં પરિષદ સૌથી પહેલા કનૈયાલાલ મુનશી પાસે હતી, તેમની પાસેથી ઉમાશંકર જોશી પાસે આવી એવું કહેવાય છે. બંને મહાન વ્યક્તિત્વો. બંનેનું સાહિત્યની સાથે સાથે જાહેર જીવનમાં પણ બહોળું પ્રદાન. એમનો આ ભવ્ય વારસો આગળ વધારતા રઘુવીર ચૌધરી પણ બંનેની જેમ સાહિત્ય પરિષદના ખરા અર્થમાં ‘ટ્રસ્ટી’ બની રહ્યા.
‘ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું.’ એવું એમની કવિતામાં તો લખ્યું, એ લખવાનું જાણે સાર્થક કરતા હોય એમ આજે પણ તેઓ તેમના વતન બાપુપુરામાં ખેતીકામમાં સક્રિય છે.
તેમના સાહિત્યના ઉલ્લેખમાં સૌપ્રથમ કવિતાનો ઉલ્લેખ કર્યો પરંતુ તેઓ મૂળભૂત રીતે ગદ્યના માણસ. માત્ર 27 વર્ષની ઉમરે તેમને લખેલી નવલકથા ‘અમૃતા’ આજે અમર સાહિત્ય કૃતિ ગણાય છે. એટલે જ કહી શકે ને કે, ‘મારી સ્પર્ધા ફક્ત ગોવર્ધનરામ સાથે છે.’!
ઉંમરમાં માત્ર ચાર વર્ષ મોટા ભોળાભાઈ પટેલે તેમને શિક્ષણ ક્ષેત્રે દીક્ષિત કર્યા. પછી તો કવિતા, વાર્તા, નવલકથા, નાટક, રેખાચિત્ર, નિબંધ, પ્રવાસ, સંસ્કૃતિ-ધર્મચિંતન, વિવેચન, સંપાદન, અનુવાદ, સંશોધન સાહિત્યનું ભાગ્યે જ કોઈ એવું સ્વરૂપ હશે જે એમણે નહીં ખેડ્યું હોય. શિક્ષક ભોળાભાઈ ને શિષ્ય રઘુવીર ભાઈ બંને હિન્દીના અધ્યાપક થયા, પરંતુ બંને સાહિત્યનુ સર્જન ગુજરાતીમાં કર્યું. ‘પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ના વાર્યો ?’ એવા પ્રશ્નથી આરંભાયેલી એમની કાવ્યયાત્રા ‘અંધકારની અમાસમાં ધ્રુવતારક પામું’ના દર્શન સુધી પહોંચી છે. અને એના પરિપાકરૂપે તેમને સાહિત્યિક સન્માનોને નામે જે કંઇ અપાઈ છે એ બધું જ તેમને અપાઈ ચુક્યું છે.
રણજીતરામ સુવર્ણચંદ્રકથી લઈને અકાદમી સન્માન. ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ થી લઈને તાજેતરમાં મળેલો પદ્મશ્રી પુરસ્કાર તેમની શોભામાં અભિવૃદ્ધિ કરી ચુક્યા છે. એકવાત તેમને અન્યથી અલગ તારવે છે એ કે આ એકેય સન્માનોનો ભાર તેમના પર જરાય વર્તાતો નથી. ખેડૂત જીવનની સાદગી તેમણે આજ સુધી જાળવી રાખી છે. છેલ્લા પાંચેક દાયકાથી તેઓ ગુજરાતી સાહિત્યજગત ઉપર એક છત્રની માફક છવાયેલા છે. અને તેથી જ ‘કબીરવડ’નું બિરુદ પામ્યા!
વિનોદ ભટ્ટે રઘુવીર ચૌધરી વિષે જે લખ્યું છે એનાથી મોટાભાગના લોકો સહમત થશે. ‘રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ અડીખમ આત્મવિશ્વાસ.’ આ વિનોદ ભટ્ટના શબ્દો છે.
તેમની આ વાતનો પુરાવો આપતા એક કિસ્સો ટાંકતા લખે છે કે, ‘એક વખત મલયાલી સાહિત્યકારો અમદાવાદમાં આવ્યા ત્યારે રઘુવીરે એ બધાને, ગુજરાતી સાહિત્યકારોનો પરિચય અંગ્રેજીમાં આપેલો. સેલ્ફ કોન્ફીડન્સથી બોલાયેલા તેમના અંગ્રેજીથી મુગ્ધ થઈને એક શ્રોતાએ બીજાને કાનમાં કહેલું : ‘જેટલા કોન્ફીડન્સથી રઘુવીર અંગ્રેજીમાં બોલ્યા એટલા કોન્ફીડન્સથી રઘુવીર તો તે મલયાલીમાંયે બોલી શક્યા હોત. જોકે પેલા લોકોએ એક નવી ભાષા સાંભળવાનો લાભ મળત એ જુદી વાત છે.’
વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’માં બહુ હળવા ટોનમાં આ વાત લખેલી. પરંતુ રઘુવીર ચૌધરીનો અવાજ અને તેનો પડઘો ગુજરાતી સાહિત્યમાં બહુ ભારે છે. ગુજરાતી ભાષાના આ વટવૃક્ષને તાજેતરમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા એનો આનંદ છે.
જલસો પર તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ અમે ‘વાચિકમ સ્વરૂપે પ્રસ્તુત કરી છે. એકવાર એક વાચિકમમાં તેમની સામે જ તેમની વાર્તા વાંચેલી, જે તેમણે ખુબ બિરદાવી હતી. તમે પણ જો એ વાર્તા સાંભળવા ઈચ્છતા હો તો આ ઈમેજ પર ક્લિક કરતા સાંભળી શકાશે.