For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

મેજર પીરુસિંહ શેખાવત જેમને દુશ્મનોએ મરેલા ધારેલા ને પછી…

મેજર પીરુસિંહ શેખાવત

કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવત. એક એવા ભારતીય જવાન જેમને 1947ના યુદ્ધમાં ભારતને વિજય અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. દુશ્મનોએ તો તેમને મરેલા ધારેલા. પરંતુ તેઓ જીવિત હતા. ને પછી તેમણે યુદ્ધોનો આખો સિનારિયો જ બદલી નાખ્યો. તેમનું જીવન અને એ પરાક્રમ, જે પરમવીર ચક્ર વિજેતા બનવા સુધી લઇ ગયું. એ વાત આ બ્લોગમાં.

દરેક પરિસ્થિતિમાં દેશની સેવામાં અડીખમ ઉભા રહેતા ભારતીય જવાનોના જોશને જોઈને આફત પણ બે ડગલા પાછળ ખસી જતી હશે, એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહિ ગણાય. હાથમાં હથિયાર, આંખોમાં ઝુનુન, દિલમાં દેશપ્રેમ અને મોઢે ભારત માતાનું નામ લલકારીને દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આપણા જવાનોની કહાણી ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. ભારતના આવા જ એક વીર યોદ્ધા હતા પરમવીર ચક્રથી સન્માનિત કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવત.

રાજસ્થાનના બેરી ગામમાં જન્મેલા પીરુસિંહ શેખાવત મૂળે તો ખેડૂતપુત્ર. નાનપણથી તેઓ પિતાને ખેતીકામમાં મદદ કરતા હતા. આથી તેઓ પણ ખેડૂત જ બનશે તેવું ઘરના સહુ લોકોએ ધારી લીધુ હતું, પણ કિસ્મત પીરુસિંહને હાથમાં હળની જગ્યાએ બંદુક થમાવી દેશની રક્ષા કરવાની જવાબદારી સોંપવાની હતી. કિશોરવયના પીરુસિંહને લશ્કરમાં ભરતી થવાનું ઝુનુન હતું જે ઉંમરની સાથે સાથે વધતું જતું હતું. બ્રિટીશ હિન્દ સેનામાં ભરતી થવા માટે પીરુસિંહે ખુબ પ્રયત્ન કર્યા પણ વયમર્યાદાના કારણે પીરુસિંહને ના પાડવામાં આવી. પીરુસિંહે હતાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખ્યા અને આખરે મહેનત રંગ લાવી.

20 મે, 1936ના રોજ બ્રિટીશ હિન્દની 1 લી પંજાબ બટાલિયનમાં પીરુસિંહને સામેલ કરવામાં આવ્યા. સિપાહીના પદથી શરુ કરેલી સફર 11 વર્ષમાં ઘણી આગળ વધી. સિપાહીમાંથી લાન્સ નાયક,  નાયક, હવાલદાર અને અંતે કંપની હવાલદાર મેજરનું પદ પીરુસિંહે મેળવ્યું. આઝાદી બાદ જયારે કાશ્મીરની લાલસામાં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારે પીરુસિંહ શેખાવતને છઠ્ઠી રાજપુતાના રાઈફલ્સમાં સામેલ કરી યુદ્ધમોરચે મોકલવામાં આવ્યા. જ્યાં તેઓ અદમ્ય અને અદ્ભુત સાહસ દાખવવાના હતા.

એપ્રિલ, 1948 માં ભારતીય જવાનોએ રાજૌરી પર કબજો જમાવી દીધો હતો અને એક મહિનાની અંદર ઉરીમાં પણ તિરંગો લહેરાવી દુશ્મનને ધૂળ ચાટતો કર્યો હતો.

હવે અહીં સ્થિતિ કંઇક એવી હતી કે, મુઝફ્ફરાબાદ અને તીથવાલ પર કબજો જમાવી લઈએ તો પાકિસ્તાની સૈનિકોએ પાકિસ્તાન ભેગા થવાનો વારો આવે. તીથવાલ અને મુઝફ્ફરાબાદની વચ્ચે આવેલા નાસ્તાચુન ઘાટ પર પાકિસ્તાની સૈનિકો કરોળિયાની માફક જાળા પાથરીને બેઠા હતા. આ કરોળિયા જેવા સિપાહીઓની સાફસફાઈનું કામ બ્રિગેડીયર હરબક્ષસિંહને સોંપવામાં આવ્યું. આઠેક દિવસ ચાલેલી જહેમત બાદ તીથવાલ પર ભારતીય ધ્વજ ફરકી રહ્યો હતો. હવે હરબક્ષસિંહ મુઝફ્ફરાબાદ તરફ કુચ કરવા તૈયાર હતા પણ આગળ જતા ધાર્યા કરતા વધુ પ્રમાણમાં દુશ્મનો તરફથી આક્રમણ કરવામાં આવ્યું. જેના કારણે હરબક્ષસિંહે પોતાની ટુકડીઓ સાથે પીછેહઠ કરવી પડી જેમાં તેમણે હથિયારો પણ જ્યાંના ત્યાં મૂકી પાછળ ખસવું પડ્યું. પાકિસ્તાની સૈનિકોને હથિયાર મળતા તેઓએ બીજા બંકર બનાવી દારાપડીની ટેકરીઓ પરથી તીથવાલમાં  ભારતીય જવાનોની લશ્કરી હિલચાલ પર નજર રાખી હુમલા કરવાનું શરુ કર્યું. હવે કોઈ પણ ભોગે દરપડી જીતવું જરૂરી હતું, નહીતર તીથવાલ પણ ગુમાવવું પડે તેમ હતું.

બ્રિગેડીયર હરબક્ષસિંહે કણાની જેમ ખૂંચતી દારાપડીની ટેકરીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો પ્લાન ઘડ્યો જેની જવાબદારી છઠ્ઠી રાજપુતાના રાઈફલ્સને સોંપવામાં આવી. દારાપડીની ટેકરી જીતવા માટે લેફ્ટનન્ટ કર્નલ એસ. એસ. કલ્લને તેમના જવાનોને ‘ચાર્લી’ અને ‘ડેલ્ટા’ એમ બે ટુકડીમાં વહેચી દીધા. કંપની હવાલદાર મેજર પીરુસિંહ શેખાવત ડેલ્ટા કંપનીના સભ્ય હતા. દારાપડીની ટેકરી આમ તો ચીડના વૃક્ષથી ઢંકાયેલી હોય છે પણ ટોચનો ઘણોખરો ભાગ સાવ ઉજ્જડ હતો. ઈન્ટેલીજન્સના રીપોર્ટ પ્રમાણે આ જગ્યા પર જ પાકિસ્તાની સૈનિકો મશીનગન લઈને તૈનાત હતા. આ પરિસ્થિતિમાં દિવસ દરમિયાન હુમલો કરવો એ જોખમકારક હતું, તેથી રાતના સમયે હુમલો કરવો તેવું નક્કી થયું.

નક્કી થયેલા પ્લાન મુજબ 16 અને 17 મી જુલાઈ સુધી ચીડના જંગલોની ઓથ લઇ ચાર્લી અને ડેલ્ટા સૈન્ય ટુકડીઓ આરોહણ કરવાની હતી. ત્યારબાદ સુબેદાર ભીખાસિંહ તેમની ડેલ્ટા કંપની સાથે મળીને દુશ્મન પર તૂટી પડવાના હતા. આ સમય દરમ્યાન લેફ્ટનન્ટ કર્નલ કલ્લન, શિખરથી થોડે દુર પડાવ નાખીને રોકાવવાના હતા અને જરૂર પડે હુમલો કરવાનો હતા. આ મિશન દરમિયાન સુબેદાર ભીખાસિંહને કંઈ પણ થાય તો મિશનની જવાબદારી પીરુસિંહ શેખાવતના માથે આવવાની હતી.

મિશન પર જતા પહેલા પીરુસિંહે પોતાના સાથીઓને કહ્યું, ‘જવાનો, આપણો જરા સરખો અવાજ પણ દુશ્મનને સાવધ કરી દેશે, આથી કોઈ હવે એક પણ શબ્દ નહિ ઉચ્ચારે. ખાંસી ખાવાની ગુસ્તાખી પણ ના કરતા. મારા બહાદુર સાથીઓ આપણે જીવતા પાછા ફરીશું કે નહિ એ મને નથી ખબર પણ જીત આપણી જ થશે એ નક્કી છે.’ આ શબ્દોમાં મિશન કેટલું ખતરનાક છે તેની ચેતવણીની સાથે સાથે દેશ માટે મારી મીટવાની તમન્ના પણ હતી.

આરોહણ દરમિયાન એક એક સેકંડ રોમાંચ અને સસ્પેન્સથી ભરેલી હતી. દુશ્મનનું સ્થાન કોઈ જાણતુ નહોતું અને શિયાળાની ઠંડી અને ઓછા ઓક્સિજનવાળી હવામાં ચઢાણ વધુ અઘરું બનતું જતુ હતું. દારાપડીનું શિખર હાથવેંત જ હતું ત્યાં અચાનક જ એક જોરદાર ધડાકો થયો. દુશ્મનની તોપમાંથી એક ગોળો ડેલ્ટા કંપનીના જવાનો પર પડ્યો. ગોળામાંથી નીકળેલી ધાતુની કરચોએ ઘણા જવાનોને ઘાયલ કર્યા. બાકીના જવાનો હજી સ્થિતિને સમજી જવાબ આપે એ પહેલાં જ દુશ્મનની મશીનગન ધણધણવા લાગી. આ ગોળીબારમાં એક ગોળી સુબેદાર ભીખાસિંહને વાગતા કંપનીની બાગડોર પીરુસિંહ શેખાવતના હાથમાં આવી, પણ ડેલ્ટા કંપનીના લીડર પાસે લડવા માટે પૂરતા જવાનો નહોતા. ઘણાખરા જવાનો શહીદ થયા અને બાકીના ઘણા બહુ ખરાબ રીતે ઘાયલ થયા હતા, તેથી લડવા માટે અસમર્થ હતા.

પીરુસિંહે આજુબાજુ નજર ફેરવી ગોળીબાર કઈ બાજુથી થઇ રહ્યો છે તે જગ્યા શોધવા પ્રયત્ન કર્યો. પીરુસિંહે જોયુ કે કોતરની સામે સહેજ ઉંચાઈ પર ત્રણ બંકર્સમાંથી મશીનગનની ગોળી છૂટી રહી હતી. પીરુસિંહ જાણતા હતા કે જો આ બંકર્સનો નાશ ના કર્યો તો હજુ વધુ ખુવારી વેઠવાનો વારો આવશે.

મેજર પીરુસિંહ શેખાવત પોતાના સાથીઓ સાથે બંકર્સ તરફ ધસી ગયા. તોપના ગોળા અને મશીનગનની ગોળીઓથી ઘાયલ થયેલા પીરુસિંહ પોતાની સ્ટેનગન લઈ દુશ્મન પર તૂટી પડ્યા. કેટલાક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા પણ મશીનગન ઓપરેટર્સ અને એમની ગન હજુ ચાલી રહી હતી. પોતાના જીવની પરવા કર્યા વિના પીરુસિંહ અને તેમના સાથી પહેલા બંકર તરફ દોડ્યા અને સ્ટેનગનથી બંને મશીનગન ઓપરેટર્સને શાંત કરી દીધા.

પહેલું બંકર ફતેહ કર્યા પછી પીરુસિંહે બીજા બંકર તરફ દોટ મુકવા માટે સાથીઓને હાકલ કરવા કહ્યું: ‘સાથીઓ લક્ષ્ય બિલકુલ સામે છે ચુકતા નહિ ! બોલો રાજા રામચંદ્ર કિ જય!’ પણ આજુ બાજુ જોતા ખબર પડી કે તેમની હાકલનો પડકાર ઝીલવા એક પણ સાથીદાર હોશમાં નહોતો. ડેલ્ટા કંપનીના મોટાભાગના જવાનો યા તો શહીદ થયા હતા યા તો ઘાયલ અવસ્થામાં હતા. બીજી તરફ ચાર્લી કંપનીના જવાનો પણ પાકિસ્તાની મશીનગનનો શિકાર બનતા ઘાયલ થયા હતા. બાકીના જીવતા જવાનો પ્રતિકાર આપવાની કોશિશ કરી રહ્યા હતા પણ બંકર્સમાંથી વરસતી ગોળીઓ તેમને આગળ વધવા દેતી નહોતી.

દારાપડીનું શિખર ફતેહ કરવા બંને બંકર્સને નાશ કરવા જરૂરી હતા. પીરુસિંહે પરિસ્થિતિને સમજી બીજા બંકર તરફ દોટ મૂકી. પોતાની સ્ટેનગનથી બંકર પર ગોળીબાર ચાલુ કર્યો.

રાતના આચ્છા પ્રકાશમાં સામે આવતા પીરુસિંહ પાકિસ્તાની સૈનિકોને યમરાજ સમાન લાગ્યા. એક પાકિસ્તાની સૈનિકે પીરુસિંહ તરફ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો. ધડાકો એટલો પ્રચંડ હતો કે પાકિસ્તાની સૈનિકે ધારી લીધું કે પીરુસિંહ મૃત્યુ પામ્યા, પણ ઘટનાઓનો રોમાંચ તો હવે વધવાનો હતો. લોહીથી લથબથ પીરુસિંહ ખડકની ઓથમાં જમીન પર લેટીને બંકર તરફ ધસ્યા. બીજી બાજુ પીરુસિંહ મૃત્યુ પામ્યા છે તેમ ધારી બેઠેલા પાકિસ્તાની સૈનિકોએ પોતાનું બધું જ ધ્યાન ચાર્લી કંપનીના જવાનો તરફ વાળ્યું હતું.

મોઢા પર, હાથ પર અને શરીરની બીજી જગ્યાઓ પર પણ ગ્રેનેડની ધાતુની કરચો વાગી હતી. આંખની નજીક પણ એક ધાતુની કરચ વાગી હતી જેના કારણે લક્ષ્ય સાધવું પણ મુશ્કેલ હતું. અસહ્ય પીડા અને બળતરાની વચ્ચે પણ આ બાહોશ જવાન યુદ્ધ જીતવા માટે અડગ હતો. ધીરે ધીરે ઘસડાતા ઘસડાતા દુશ્મનના બંકર નજીક પહોંચી કમરમાં ભરાવેલા હેન્ડ ગ્રેનેડમાંથી એક કાઢી જોરથી બંકર તરફ ઘા કર્યો પણ નિશાન ચુકી જવાતા બંને પાકિસ્તાની સૈનિકો બચી ગયા. બંને સિપાહીને મોતને ઘાટ ઉતારવાના ઈરાદા સાથે પીરુસિંહે શરીરની બધી તાકાત એકઠી કરી પોતાની જાતને ઉભા કર્યા અને બંને સૈનિકો પર તૂટી પડ્યા. શરીર પર આટલા બધા ઘા હોવા છતાં પણ પીરુસિંહ એકલા બંને પાકિસ્તાની જવાનો પર ભારી પડી રહ્યા હતા. હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ દરમિયાન પાકિસ્તાની સૈનિકોની જ રાઈફલ હાથમાં લઇ રાઈફલની બેયોનેટ તેમના શરીરમાં ભોંકીને તેમણે મોતને હવાલે કર્યા.

બીજુ બંકર પણ આ જવાને એકલા હાથે ફતેહ કરી બતાવ્યું. દારાપડીનો ફતેહ માત્ર એક બંકર દુર હતો. ઘાયલ થયેલા પીરુસિંહની આંખે હવે અંધારા આવતા હતા. શરીર પરના ઘાવને કારણે શારીરિક જોમ ઘટ્યું હતું પણ આખરી બંકરને ધ્વંસ કરવું જરૂરી હતું. ભારત માતાની સેવા કરવા કટિબદ્ધ આ જવાને પોતાની દરેક પીડાને એકબાજુ રાખી ’બોલો રાજા રામચંદ્ર કિ જય’નો નાદ કરી એક હેન્ડ ગ્રેનેડ કાઢ્યો અને ત્રીજા બંકર તરફ દોટ મૂકી. પીરુસિંહને પોતાની તરફ આવતા જોઈ પાકિસ્તાની સિપાહીઓએ સામો ગોળીબાર કર્યો અને એક ગોળી પીરુસિંહની છાતીમાં પેસી ગઈ. પીરુસિંહનો દેહ ઢળી પડ્યો પણ ફસડાતા પહેલા હેન્ડ ગ્રેનેડ તેમણે દુશ્મનના બંકર તરફ ફેંકી દીધો. પાકિસ્તાનીઓનું બંકર તહેસ-નહેસ થઇ ગયું. ત્રીજું બંકર ધ્વંસ થતાની સાથે બાકીનું કામ ચાર્લી કંપનીના જવાનોએ પૂરું કર્યું. બચેલા પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો. પીરુસિંહ શેખાવતના અવિસ્મરણીય સાહસના પરિણામે બેટલ ઓફ દારાપડીમાં આપણો વિજય થયો.

પીરુસિંહ શેખાવતે પોતાની મીંચાતી આંખોએ ભારતના વિજયની સુખદ ક્ષણો માણી. વન મેન આર્મી બનીને દુશ્મનોની સામે પડેલા પીરુસિંહ શેખાવતને તેમના અદ્ભુત અને અપ્રતિમ સાહસ બદલ મરણોત્તર પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો. કંપની હવાલદાર પીરુસિંહ શેખાવત અને તેમના જેવા દરેક જવાનો વતનપરસ્તી, ફરજપાલન અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ છે. દરેક પરિસ્થિતિમાં અડગ ઉભા રહેતા આ જવાનો ભારતીય સુરક્ષા વ્યવસ્થા અને ભારતના અસ્તિત્વનું પીઠબળ છે. આ જવાનોએ વહાવેલા લોહી પસીનાને કારણે જ આપણે આઝાદ શ્વાસ લઇ શકીએ છીએ. શૌર્ય અને સાહસથી ભરપુર આવા વીર સિપાહીઓની કહાણી પરમવીર ચક્રમાં. જય હિન્દ!

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz