ભારતીય સેના, આ નામ સાંભળતા જ આપણા દિમાગમાં ખડતલ શરીર પર, હાથમાં મશીન ગન લઈને, પોતાના સાહસ અને જોશની દહાડથી દુશ્મનના છક્કા છુડાવતા આપણા જવાનોનું દ્રશ્ય ખડું થાય. દેશ માટે મરી ફીટવાની તમન્ના લઈને ઘરેથી નીકળેલા આ જવાનો દેશની સુરક્ષા માટે ૨૪ કલાક, ઠંડી કે ગરમી જોયા વગર દેશની સરહદ પર ઉભા રહે છે અને આ જવાનો માત્ર યુધ્ધમાં જ નહિ, દેશ પર આવનારી કુદરતી આપત્તિઓ અને બીજી ઘણી વિકટ પરિસ્થિતિમાં લોકોની મદદ કરે છે. ભારતમાતા આ વીર સપૂતોને અદમ્ય સાહસ , નિષ્ઠા , બલિદાન અને વીરતાનું જ્વલંત ઉદાહરણ છે.
આંકડાકીય માહિતી મુજબ ભારતીય સેના દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી સેના છે. તેમાં ભારતીય ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ ત્રણેયનો સમાવેશ થાય છે. આંકડાકીય માહિતીમાં ભારતીય સેના ભલે ચોથા નંબર પર હોય પરંતુ એક બાબતે હંમેશા નંબર વન હતી, છે ને રહેશે. એ છે પોતાના અદમ્ય સાહસમાં. એ ભારતીય સૈનિકો જ છે જે 18000 ફૂટની ઉંચાઈએ દુનિયાના સૌથી દુર્ગમ સ્થળે યુદ્ધ લડી શકે. એ ભારતીય સૈનિકો જ છે કોઈ અન્ય દેશની લોકશાહીને બચાવવા માટે પોતાના જીવું બલિદાન આપતા પણ અચકાઈ નહીં. એ ભારતીય સૈનિકો જ છે જે આતંકવાદથી પીડિત કોઈપણ દેશને આતંકવાદથી મુક્ત કરાવવા અંત સુધી લડવા તૈયાર રહે.
એ સૈનિકોએ એકવાર એવું પરાક્રમ કરેલું કે દુનિયાભરના લોકો મોમાં આંગળા નાખી ગયેલા. પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો આતંક વધતો ગયો ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભારતીય સેનાએ છાછરો નામના સ્થળે એવો હુમલો કર્યો હતો કે ભારતીય સેનાની તવારીખમાં આજે પણ એ ઘટના સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે. ભારતીય સેનાની સ્પેશીયલ ફોર્સીસની 10 પેરા બટાલિયનના કમાન્ડોએ પાકિસ્તાનની સીમાની 80 કિમી સુધી અંદર ઘૂસીને દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. લેફ્ટનન્ટ કર્નલ ભવાનીસિંહની આગેવાનીમાં સ્પેશીયલ ફોર્સીસની 10 પેરા બટાલિયનના કમાન્ડોએ કરેલી આ સર્જીકલ સ્ટ્રાઈકના કારણે પાકિસ્તનાનને એ વિશ્વાસ થઇ ગયો કે હવે યુદ્ધ જીતવું એ એમના હાથમાં રહ્યું નથી.
ભારતીય સૈનિકોને આ જુસ્સો ક્યાંથી મળ્યો? એક એવા સૈનિક પાસેથી જેણે ભારતીય સૈનિકોને શીખવ્યું કે એક જવાન માટે કશું જ અશક્ય નથી! એ સૈનિક એટલે ભારતના સૈન્ય ઇતિહાસમાં સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત થનાર સૈનિક મેજર સોમનાથ શર્મા.નવા નવા આઝાદ થયેલા ભારત દેશના એ સૈન્ય પાસેથી તો હથિયારો પણ જુનવાણી હતા! છતાં જુસ્સો તો એ જ તરોતાજા હતો. નવા આઝાદ થયેલા દેશ પર દુશ્મન આક્રમણ કરે ને ભારતીય સૈનિક જુના હથિયારોની ફરિયાદ કરીને જોયા કરે એવું તે કેદી બને? પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ એટલે ‘બેટલ ઓફ બડગામ’. મેજર સોમનાથ શર્મા સહીત મહાવીર ચક્ર વિજેતા દિવાન સિંહ જેવા 20 જવાનોની એ સંગ્રામમાં શહીદ થયા હતા. પરંતુ યુદ્ધમાં ભારતીય સેનાએ એ બધાનો બદલો લીધો!
1971 ના જ યુદ્ધની બીજી એક યુદ્ધસ્ય કથા રમ્યા એટલે ‘બેટલ ઓફ બસંતર’. માત્ર 21 વર્ષના ઉગતી જવાનીના યુવાન અરુણ ખેતરપાલના સર્વોચ્ચ બલિદાનની આ કથા વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં અમર છે. જેમની ચાર ચાર પેઢી સેનામાં હોય એનો દીકરો સેનામાં આવા પરાક્રમ ન કરે તો જ નવાઈ ને! ’71 ના યુદ્ધમાં ભારતીય સેનાની સેન્ચુરીયન ટેંક બહુ મોટું હથિયાર હતી. પરમવીર ચક્ર અબ્દુલ હમીદ એ ટેંકના પ્રતાપે દુશ્મનો માટે કાળ બનીને પોતે પણ કાળમાં વિલીન થઇ ચુક્યા હતા. એ જ ટેંક સાથે અરુણ ખેતરપાલે દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા.
ભારત સામે બબ્બે યુદ્ધ હારેલા પાકિસ્તાને ’99માં ફરીવાર ભારત પર હુમલો કરવાનું સાહક કર્યું. અબ્દુલ હમીદ, અરુણ ખેતરપાલ અને મેજર સોમનાથ શર્માના એ પરાક્રમો કદાચ એ ભૂલી ગયું હતું. ભવિષ્યમાં ક્યારેય ભારત સામે આંગળી ન ઉઠાવે એ હદે પાકિસ્તાનને ખોખલું કરી નાખવા ભારતીય જવાનો આતુર હતા. ‘બેટલ ઓફ ખલુબાર’ એ જ આતુરતાનું પરિણામ હતું. 17000 ફૂટની ઉચાઇએ ખેલાયેલું આ યુદ્ધ જયારે લડાયું ત્યારે વિશ્વભરના લોકો ભારતીય જવાનો પર આફરીન પોકારી ગયા હતા. એ ઘટના વિષે વાંચવા કરતા સાંભળવાની વધારે મજા આવશે.
ભારતીય સેનાએ વિશ્વભરમાં એટએટલા ઓપરેશન કર્યા છે કે જેટલું લખો એટલું ઓછું પડે. એ પછી ઓપરેશન ખુકરી હોય, ઓપરેશન બ્લેક ટોર્નેડો હોય, ઓપરેશન બંદર હોય કે સર્જીકલ સ્ટ્રાઈક હોય. ભારતીય સૈનિકોના પરાક્રમો એવા છે કે આપ આજીવન સાંભળતા રહો પરંતુ એ કથાઓ ન ખૂટે.