આપણા દેશમાં સૌથી સુંદર દિવાળી પર્વ અયોધ્યાથી લઈને આપણા ડાંગ પ્રદેશમાં ઉજવવામાં આવે છે.આપણા દેશમાં દિવાળીનો તહેવાર દરેક સ્થળે ધામધૂમથી ઉજવાય છે કારણ કે દિવાળી પર્વ આપણો સૌથી મોટો પર્વ છે. દિવાળીનાં તહેવાર સાથે જોડી દેવાનું મન થાય એવો એક શબ્દ એટલે સુંદરતા.
દિવાળીનાં તહેવાર પર ચારેબાજુ પથરાયેલા પ્રકાશની સુંદરતા, આપણા ભગવાનને કરવામાં આવતા આરાધનની સુંદરતા. દિવાળીનાં દિવસે ઘરમાં હસતા-ખેલતા નાના ભૂલકાઓનાં સ્મિતની સુંદરતા.આ બધું જ દિવાળીનાં ઉત્સવને સુંદર બનાવે છે.
એટલે દિવાળી પર્વ ઉત્સાહ અને ઉજાસ સાથે એક ઓર વસ્તુ લઈને આવે છે અને એ છે સુંદરતા. વિચારોની સુંદરતા આપણા દિવાળી પર્વનું મૂળ છે. દરેકનું શુભ થાઓ એ ભાવે અને વિચારે આપણા દરેક તહેવાર ઉજવાય છે.
દિવાળી પર્વ નજીકમાં હોય એટલે આપણું ધ્યાન ત્રણેક વસ્તુઓ પર વિશેષ જતું રહે છે. આ ત્રણ વસ્તુઓમાં પહેલું તો આપણે એ વિચારીએ છીએ, કે દિવાળી પર આ વખતે કઈ-કઈ નવી વાનગી બનાવશું બીજું છે દિવાળી પર્વ પર નવા કપડામાં શું ખરીદશુ અને ત્રીજું છે દિવાળી પર્વમાં ક્યાં ફરવા જઈશું.
આમ તો આપણને આપણા વતનની દિવાળી જ વધારે વ્હાલી લાગે. એટલે જ દિવાળી પર્વ પર આપણે આપણા વતન જતા રહીએ છીએ. પરંતુ ભારતનાં અમુક એવા પ્રદેશો છે જેની દિવાળી આખા ભારતમાં ખુબ વખણાય છે. ભારતના અમુક પ્રદેશ અને રાજ્યની દિવાળી અતિ સુંદર થાય છે.
આપણા દેશમાં સૌથી સુંદર દિવાળી પર્વ અયોધ્યાથી લઈને છ એક એવા પ્રદેશો છે જ્યાં ખૂબ સુંદરન રીતે મનાવામાં આવે છે. આજે આ જ વિષય પર વાત કરવી છે અને આપને જણાવવું છે કે, દેશમાં કયા કયા સ્થળોએ સૌથી સુંદર દિવાળી મનાવવામાં આવે છે. એક પછી એક સ્થળો વિશે જાણીએ.
વારાણસી – વારાણસીમાં સૌથી મોટો અને સૌથી લાંબો ચાલતો દિવાળી પર્વ ઉજવાય છે. અહીં પંદર દિવસ સુધી દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. અહીં દેવ દિવાળીનાં ઉપલક્ષ્યમાં દિવાળીનો તહેવાર ખાસ ઉજવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાનાં દિવસે દેવતાઓ પૃથ્વી પર આવ્યાં હતા એવું કહેવાય છે. મા ગંગાની ભવ્ય અને દિવ્ય આરતી થાય છે. લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ ગંગા આરતીનાં દર્શન માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને દેવતોઓને ત્રિપુરાસુરનાં આતંકથી મુક્ત કર્યા હતા. ગંગા ઘાટ પર કરવામાં આવતા લાખો દીવડાઓની જ્યોત જોઈને આપણે ધન્યતાનો અનુભવ કરીએ છીએ.
દિવાળી પર્વનું બીજું સૌથી સુંદર સ્થળ કહી શકાય એવું સ્થળ એટલે કલકત્તા. દુર્ગા પૂજાનો જ્યાં મહા ઉત્સવ થાય છે એવા કલકત્તામાં દિવાળીનો પણ ભવ્ય તહેવાર ઉજવવામાં આવે છે. સોન્દેશ અને રસગુલ્લા જેવી મધ મીઠી મીઠાઈ વાળા આ શહેરમાં દિવાળીનો પર્વ નોખી રીતે ઉજવાય છે. મા દુર્ગાની આરાધના કરતા લોકો દિવાળીનો ઉત્સવ એટલા જ ભાવ સાથે ઉજવે છે.
મીઠાઈઓની મીઠાસ અને રંગોને ઓઢીને બેઠેલું શહેર એટલે જયપુર. ગુજરાતનું પાડોશી શહેર જયપુર એવા પિંક સિટીમાં દિવાળીની જુદી જ રીતે ઉજવણી થાય છે. જયપુરમાં બધા જ પેલેસને રંગબેરંગી લાઈટ્સથી શણગારવામાં આવે છે. દિવાળીની રાત્રે જયપુરનું દરેક ઘર રોશનીથી અવનવી રીતે શણગારાયેલું જોવા મળે છે. તેનું કારણ છે દિવાળીની રાત્રે જયપુરમાં એક ખાસ સ્પર્ધાનું આયોજન થાય છે. જે આ સ્પર્ધામાં જીતે છે તેનાં દિવાળી દરમિયાનનાં દિવસનો ઈલેક્ટ્રીસિટીનો ખર્ચો જયપુર સરકાર આપે છે. આ સ્પર્ધામાં લોકો મન મુકીને દિવાળીનાં દિવસે પોતપોતાના ઘરને શણગારે છે.
ભારતનું એક નાનું એવું રાજ્ય એટલે ગોવા. માત્ર બે જ જીલ્લા ધરાવતા ગોવા રાજ્યમાં દિવાળી પર્વની ઉજવણી વિશિષ્ટ રીતે થાય છે. ગોવામાં દિવાળી પર્વ નરકાસુરનાં પુતળાનું દહન કરીને ઉજવવામાં આવે છે. નરકાસુરના પુતળાનાં દહનની આ પ્રથા ગોવામાં પ્રાચીન સમયથી ચાલી આવે છે. અહીં પણ સ્પર્ધાનું આયોજન થાય છે. જે નરકાસુરનું સૌથી બિહામણું અને વિશાળ પુતળુ બનાવે છે તેને ઇનામ આપવામાં આવે છે.
ભગવાન વિષ્ણુનાં સાતમાં અવતાર એટલે ભગવાન રામ. ભગવાન રામ જયારે ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યાં ત્યારે અયોધ્યા વાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ભગવાન રામનાં આવવાથી અયોધ્યા વાસીઓ પૂરા નગરને દીવડાઓથી જગમગાવી દીધુ.
આથી આપણે ત્યાં દિવાળી પર્વ મનાવવાનું શરુ થયું. એટલે દિવાળીનાં તહેવારની જન્મભૂમિ એવા અયોધ્યા કહી શકાય. હવે તો સરયુ નદી પર દર વર્ષે લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવામાં આવે છે. અયોધ્યાની દિવાળીનાં પર્વને જોવા માટે ઘોડાપૂર ઉમટે છે.
પુષ્ટિ સંપ્રદાયનાં અતિ મહત્ત્વનાં સ્થળોમાંથી એક સ્થળ એટલે નાથદ્વારા. ભગવાન શ્રીનાથજીનું અદ્ભુત મંદિર એટલે નાથદ્વારા. નાથદ્વારામાં દિવાળી પર્વની ખૂબ સુંદર ઉજવણી થાય છે. નાથદ્વારાની દિવાળી અતિ મહત્વની કહેવામાં આવી છે. દિવાળી પર્વના ભાગ રુપે અહીં ખાસ ગોવર્ધન પૂજા કરવમાં આવે છે.
ભાગવતનાં કથન અનુસાર દિવાળી પર્વનાં સમયે જ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકેલો. ભગવાન ઇન્દ્રએ કરેલી અતિ વૃષ્ટિથી વ્રજવાસીઓને બચવ્યા હતા. દિવાળીનાં દિવસે ભગવાન શ્રી નાથજીને સુંદર શૃંગારિત કરવામાં આવે છે. ગાયનું પૂજન કરવમાં આવે છે અને ભગવાન શ્રીનાથજીને અન્નકૂટ ધરવવમાં આવે છે.
ગુજરાતનું જ નહીં આખા ભારતનાં પ્રાકૃતિક પ્રદેશોમાંથી એક પ્રદેશ એટલે ડાંગ. ડાંગમાં દિવાળી પર્વની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવે છે. ડાંગ વાસીઓની દિવાળી ખૂબ સાદગીપૂર્ણ છે.અહીં ફટકડાનો કોઈ ધૂમાડો હવામાં ભળતો નથી.
દિવાળીમાં ખાસ અહીંના ગ્રામીણ વાસીઓ જાતે પકવેલા શાકભાજી અને ફળોમાંથી રંગોળી બનાવે છે. વાડીમાં પકવેલા શાકભાજીમાંથી વિવિધ વાનગીઓ બનાવે છે. દીવાઓની રોશની અને પ્રકુતિનાં ખોળામાં દિવાળીની ઉજવણી કરીએ તો ખ્યાલ આવે.
આ છ કે સાત પ્રદેશની દિવાળી આપણા ભારતમાં સૌથી વધુ સુંદર દિવાળીઓમાની એક છે. આ છ પ્રદેશની દિવાળી આપણે એ દર્શાવે છે વાતાવરણનો પ્રભાવ આપણા સૌ ઉપર કેટલો પડે છે!
જીવનને સુંદરતા બક્ષતો આપણો આ દિવાળીનો પર્વ બધી રીતે શુભ અને કલ્યાણકારી છે. આ છ કે સાત પ્રદેશોમાં દિવાળીનો પર્વ જીવનમાં એકવાર મનાવવો જ રહ્યો.