જલસો પર પ્રેમ સૌથી વધુ વ્યક્ત થયો છે એમ કહીએ તો જરાય ખોટું નથી. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ વાર્તાનો પોડકાસ્ટ વાચિકમ, 1000 થી વધુ કવિતા છે એ મખમલ. આ બે વસ્તુ ગણીએ તો એમાં અનેક પ્રેમ વાર્તાઓ અને કવિતાઓ મળશે જેમાં પ્રેમનું નિરૂપણ બહુ સુંદર રીતે કરવામાં આવ્યું હોય. પરંતુ વેલેન્ટાઈનો પ્રેમ એ પ્રેમની અનેરી અનુભૂતિ છે. આજની પેઢીની પ્રેમની વ્યાખ્યાઓ જુદી છે. મેઘાણીની વાર્તાનો પ્રેમ કદાચ આજની ઝેન્ઝી પેઢીને પ્રેમ ન પણ લાગે એવું બને!
આજની પેઢી પ્રેમને જે રીતે સમજે છે એવો તો નહીં પરંતુ એ પણ સમજી શકે એવો પ્રેમ જો તમારે જોવો હોય તો અંકિત પટેલની નાયાબ કલમે લખાયેલી સુંદર વાર્તાઓ ‘વાત ગુલાબી છે’ સાંભળો. મહેક, …અને પ્રેમ એની સીમાઓ ઓળંગી રહ્યો, ડીયર એક્સ, મને તારા વિના નહીં ચાલે અને નશો, પ્રેમ અને લાંબી રાત જેવી વાર્તાઓમાં પ્રેમ તમને નવી નજરે દેખાશે. આ વાર્તાઓની ખાસ વાત એ છે કે એ વાર્તાના પાત્રો, કથાઓ કે પરિસ્થિતિ એ બધું નજરે નિહાળેલું છે, એમાં કલ્પનાના રંગ ઓછા છે.
આ શબ્દ એ આ દુનિયાનું ચાલક બળ છે. પ્રેમ વિના માનવીનું અસ્તિત્વ શક્ય નથી. એ પ્રેમ જ છે જેના થકી આપણે એકબીજાથી જોડાયેલા રહીએ છે. પ્રેમ એ આપણા હોવાપણાનો આધાર છે. જેમ દરેક વ્યક્તિનો પ્રેમ અલગ હોય છે એમ દરેકની પ્રેમ વિશેની સમજ અલગ હોય છે. જલસો પર પ્રેમ એ દરેક વ્યક્તિને પોતાનો લાગી શકે છે. ગુજરાતી ફિલ્મ જગતની કેટલીક જાણીતી વ્યક્તિઓને પૂછેલું કે તમારા માટે પ્રેમ એટલે શું? જોઈએ એમના શું જવાબ હતા? પ્રેમ વિશેના આ જવાબો આપનાર વ્યક્તિમાં લવ સ્ટોરીની સફળ ફિલ્મો બનાવનાર ડીરેક્ટર સંદીપ પટેલ, તેમની દીકરી આરોહી પટેલ, મોનલ ગજ્જર, રામ મોરી, ઈશાની દવે, આરતી પટેલ, મિતાઈ શુક્લ અને નેત્રી ત્રિવેદી જેવા જાણીતા વ્યક્તિત્વો હતા.
પ્રેમ વિષે સામાન્ય લોકોના મત તો સાંભળ્યા. વિશ્વના મહાન સર્જકોએ પોતાની પ્રેમિકાને પ્રેમ કેવી રીતે વ્યક્ત કર્યો હતો? જ્યાં પોલ સાર્ત્ર જેવા વિશ્વ વિખ્યાત ફિલસૂફ હોય કે કાફકા જેવા લેખક, આઇન્સ્ટાઇન હોય સિમોન દ બુવા. આ વિભૂતિઓએ પ્રેમની અનુભૂતિને જયારે શબ્દોમાં ઢાળી ત્યારે એ પ્રેમ કૈક અલગ રંગમાં દેખાયો. સાર્ત્ર તો સિમોન દ બુઆ ને લખે છે કે, ‘તારા પ્રેમના કારણે મારી આસપાસનું જગત મને વધારે સુંદર લાગવા લાગ્યું.’ આવા તો અનેક અવતરણ ચિહ્નમાં લખી શકાય એવા વાક્યો આ પ્રેમપત્રોમાં મળશે. ડૉ. નિમિત્ત ઓઝા લિખિત ‘એમોર મીઓ’ પુસ્તકની વાતો આ પોડકાસ્ટમાં.
પ્રેમપત્રોમાં પ્રેમની સુંદરતા જોઈ. હવે એ સુંદરતાને શબ્દો થકી નિહાળવી હોય તો અભિષેક અગ્રાવતના આ શબ્દો એનું શ્રેષ્ઠ માધ્યમ છે. એ સાંભળતા તમને ખ્યાલ આવશે કે આ ખરેખર સૌંદર્યનો આસ્વાદ માણી રહ્યા છીએ. આ શબ્દમાં પ્રેમ, વિરહ, વિપ્રલંભ શૃંગાર, વાસના વિહીન આસક્તિ એવા કંઈ કેટલાય રૂપો તમને મળશે.
ઈતિહાસ અને પ્રેમને યાદ કરીએ એટલે એવા અનેક રાજાઓ યાદ આવશે જે તેમના રાજને બદલે તેમની પ્રેમ કહાણીને કારણે વધારે પ્રખ્યાત હોય! કવિ કલાપી એમાં સૌથી જાણીતું નામ, પરંતુ મોરબીના વાઘજી ઠાકોર કે જેમણે તેમની પત્ની માટે ‘મણીમંદિર’ બંધાવ્યું. જે સૌરાષ્ટ્રના તાજમહેલ તરીકે પ્રખ્યાત છે. ઇતિહાસના આવા અમર પ્રેમની કથા આ પોડકાસ્ટમાં આલેખી છે.
એક સમયે કોઈના માટે પ્રેમ વ્યક્ત કરવા માટેનું એકમાત્ર સાધન પત્ર હતું. આજે ટેકનોલોજીના યુગમાં એ આખી પરંપરા જતી રહી, છતાં આજે પણ કોઈનો પત્ર આવે તો અલગ અનુભૂતિ થાય છે. ઘણીવાર એવું બને કે પ્રિય પાત્રને જે રૂબરૂ ન કહી શકીએ એ લખીને વ્યક્ત કરી શકીએ. ગુણવંત શાહ આપણા ગણમાન્ય લેખક, વિચારક ને વક્તા છે. કૃષ્ણ એમનું પ્રિય પાત્ર હોવાથી તેઓ પ્રેમ વિષય પર અસ્ખલિત બોલી શકે ને લખી શકે છે. પ્રિયજનને તેમણે કેવા પ્રેમ પત્રો લખ્યા એ અહીં સાંભળી શકાય એમ છે.
પ્રેમની અભિવ્યક્તિ અહી તો છે જ, આ સિવાય વાચિકમની વાર્તાઓ, મખમલની કવિતા અને પ્રેમગીતો તો છે જ.