શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો, વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. શ્યામલ મુનશી વ્યવસાયે ડોક્ટર છે છતાં સ્વરાંકન અને ગાયનક્ષેત્રે આગવી શૈલી વિકસાવી છે. જ્યારે સૌમિલ અને આરતી મુનશીએ સુમધુર અવાજ અને ભાવવાહી અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરી છે.
આ ત્રિપુટીએ મોરપિચ્છ, મોસમ તારી યાદની, મિજલસ, મનડે મહોર્યા ગુલમહોર અને 150 બાળકોને લઇને મેઘધનુષ જેવા કાર્યક્રમો કર્યા છે. તેમની 39 બાળગીતોને સમાવતી બે સેટની અનોખી કેસેટ `મેઘધનુષ’ 1994માં પ્રસિદ્ધ થયા પછી લોકપ્રિય નિવડી છે.
સંગીતક્ષેત્રે કાર્યરત રહેવા માટે શ્યામલ-સૌમિલ કેટલાક વર્ષોથી ‘ટચિંગ ટયુન્સ’ નામે મ્યૂઝિક કંપ્ની શરૂ કરી છે. ટચિંગ ટયુન્સે ચંચલ, શીતલ, નિર્મલ અને કોમલ એમ ચાર જુદા જુદા કન્સેપ્ટને આધારે વૈવિધ્યપૂર્ણ કેસેટ્સ બહાર પાડવાનું નક્કી કર્યું છે. આ ચારેય વિભાવનાઓ દ્વારા બાળકોથી માંડીને વડીલો સુધી તમામને ગમે એવું સંગીત આપવાનું આયોજન ટચિંગ ટયુન્સનું છે. શ્યામલ-સૌમિલે ‘શીતલ’ શ્રેણી અંતર્ગત ‘હસ્તાક્ષર’ નામનો સુગમ સંગીતનો છ કેસેટ્સ અને સીડીઝનો સેટ બહાર પાડયો છે. ‘સ્વરસેતુ’ અને ‘શબ્દસેતુ’ સંસ્થા દ્વારા સાહિત્ય અને સંગીત, તથા નવા કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરુ પાડી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ ભાષાનું સાહિત્ય કે સંગીત એ ભાષા પર કરેલા હસ્તાક્ષર છે.