ગુજરાતીઓના ઘરમાં કોઈ પ્રસંગ કે તહેવાર આવાના થાય એટલે ઘરમાં એના માટેની તૈયારીઓ શરુ થઇ જતી હોય છે. સાફ સફાઈથી માંડીને સજાવટ સુધીની તૈયારીઓ. મહેમાનોનો આવકાર કેમનો કરીશું? એની તૈયારીઓ. ખાસ તો દિવાળી અને બેસતા વરસ જેવા પર્વમાં વધુ ઉત્સાહભેર તૈયારીઓ થાય. એવી તૈયારીઓમાં એક તૈયારી એવી રહેતી જે શોખથી શરુ થઇ કેટલાય ઘરોમાં પ્રથા બનીને ઉભી રહી હતી. એ તૈયારી એટલે બિસ્કીટ પડાવવાની તૈયારી. અને તેનું સરનામું રહેતું બેકરી.
એક સમયે આ પડાવવાનું ચલન ખુબ હતું. ઘણા ઘર આમ પોતાને ગમતા શેપ અને ટેસ્ટના બિસ્કીટ અચૂક પડાવતા. એ અલગ અલગ આકાર વાળા બિસ્કીટને માણવાની મજા પણ કંઇક અલગ રહેતી. સ્વાદ ના બદલાય પણ અલગ અલગ આકાર ચાખ્યાનો અદકેરો સંતોષ મળતો. લોકો બેકરીએ બિસ્કીટ પડાવવા જતા એનું મૂળ કારણ એ પણ રહેતું કે પહેલા દરેકના ઘરમાં ઓવન ન’તા રહેતા અને બેકરીમાં એક સાથે ખુબ બધા બિસ્કીટ બનાવડાવી શકાય.
પહેલા દિવાળી અને બેસતું વરસ આવતું ત્યારે ઘરમાં મહેમાનો માટે મોહનથાળ, બરફી, શક્કરપારા જેવી મીઠાઈઓ, મુખવાસ, વરીયાળી મુકાતા અને એમાં વેરાયટી લાગે એટલે ઘણા લોકો બિસ્કીટ બનાવડાવેલા બિસ્કીટ મુકતા. જેમાં મોઢું મીઠું કરાવવાની સંસ્કૃતિ પણ જળવાતી અને મહેમાનનોને કંઇક નવું પીરસવાની સભ્યતા પણ. આ બનાવડાવેલ બિસ્કીટ જુદા જુદા સ્વાદના રહેતા. પછીથી સમય જતા એમાં કેટલીયે ફ્લેવર્સ પણ ભળી. દરેક ઉંમરના લોકો બિસ્કીટને પસંદ કરતા આવ્યા છે. દરેક સ્વાદ જોડે દરેકનો લગાવ પણ જુદો રહેતો. અને ગુજરાતીઓના ઘરમાં બિસ્કીટ સાથેનો લગાવ એટલો ગહન બની ગયો છે કે મનગમતા ઉત્સવમાં ગમતા થઇ ગયા છે.
આમતો બિસ્કીટ એ કોઈ ગુજરાતી વાનગી નથી કદાચ મુઘલ કાળમાં નાનખટાઈ બિસ્કીટની ખાલી જગ્યામાં નભી હશે. અને પછી ધીમે ધીમે વિકાસ પામતા બ્રિટીશ રુલ દરમ્યાન બેકરીમાં બિસ્કીટ આપણે ત્યાં આકાર પામતા થયા હશે. પણ પછી એ સ્વાદ આપણને એટલો સોહામણો લાગ્યો કે આપણા તહેવારોમાં પણ ભળી ગયો. આપણે ત્યાં દિવાળીને ૧૦ એક દિવસ બાકી હોય ત્યારથી જ લોકો બિસ્કીટ બનાવડાવા માટેની જોરદાર તૈયારીઓ કરવા માંડતા. વર્ષો પહેલા બિસ્કીટ ભઠ્ઠીમાં શેકાતા.
આજની તારીખમાં હવે એ ભઠ્ઠીની જગ્યા ભલે આધુનિક મશીન્સે લઇ લીધી હોય. પણ ગુંદાતો રોટલીનો લોટ એ વાતની બાતમી આપતો હોય છે કે એક ચોક્કસ આકાર ઘૂંટાશે અને વર્ષો જૂની એ જ મઘમઘતી સોડમ ગુંથાશે. માત્ર પોતાના ઘર માટે બનતા બિસ્કીટને જોઈ રહેતી આંખો જ નહીં પરંતુ ૪ પેઢીઓથી ઉતરી આવતી બિસ્કીટ બનાવવાની સમજણ પણ મનોમન હરખાતી હોય એમ ઝીણી આંખે બધું નીરખતી. આને બનાવવા માટેની સામગ્રી પણ ગણતરીની જ.રોટલીનો લોટ, ઘી, મોરસ, દૂધ અને ઈલાઈચી. પોતાના ગમતા સ્વાદમાં મીઠાનો સમાવેશ પણ કરાવી શકાય. બધી પ્રક્રિયા પછી બિસ્કીટને આપવામાં આવતો મનગમતો આકાર. ગોળ ચોરસ લંબગોળ જેવા આકારો ખાસ કરીને સિતારા જેવો આકાર ઝગમગતી દિવાળીના પ્રતિરૂપ જેવો લાગે. અને એનો સ્વાદ કેટલાય સંબંધોની યાદ દેવડાવતો લાગે. ગમતી કેટલીયે દિવાળીઓને વાગોળતો એ સ્વાદ જાણે તહેવારને ઉજવવાની શરૂઆત કરતો હોય તેવો લાગે.
તહેવારોને જ આધીન નહીં છતાં દિવાળી અને બેસતા વરસ જેવા તહેવારોમાં કેટલાયના ઘરમાં મહેમાનોને આવકારો આપવા માટે ટેબલ પર સબરસની સાથે રહીને કેટલાયના મોઢા મીઠા કર્યા છે આ બિસ્કીટે. ગમતીલા તહેવારમાં આ મીઠો આકાર બાળપણની હઠ બની જતો હોય છે અને ઘડપણનો ટેકો પણ. અને હવે એવું પણ ક્યારેક થાય કે આ હઠ આપણી છૂટતી જાય છે અને ટેકો આપનારની જગ્યા માર્કેટમાં મળતા રેડીમેડ પેકેટ્સે લઇ લીધી છે. તો આવા સમયે આપણી વર્ષો જૂની મીઠાઈ રૂપી યાદને વાગોળીએ જેથી એ સંબંધો સાથે મળીને માણેલો સ્વાદ જીવંત રહે. બેસતા વરસની થાળીમાં પડાવેલા બિસ્કીટ એ સાત સમંદર પારથી ગુજરાતીઓના ઘરે કોઈકે આપણા તહેવાર પર મોકલેલું એ નજરાણું છે જેમાં મીઠાશ તો છે જ પણ પરિવર્તન ને સહજતાથી સ્વીકારી લેવાની આપણી મમત પણ. બિસ્કીટ એ આપણા તહેવારનો બેક થયેલો તરજૂમો છે.