કેમ નરસિંહ મહેતા આજે પણ ગવાય છે ?
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’, ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’, ‘જળ કમળ છાંડી જાને બાળા’, ‘જાગીને જોવું તો જગત દીસે નહી’, ‘રાત રહે જાહરે’, ‘પઢો રે પોપટ રાજા રામનાં’, ‘સુખ દુઃખ મનમાં ન આણીએ’, ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’, ‘નારાયણનું નામ જ લેતા’, ’નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે’, ‘નાનું સરખું ગોકળિયું મારું વ્હાલે વૈકુંઠ કીધું રે…’
‘ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા રૂડો
માસ વસંત…
રૂડા વનમહેકે કેસુ ફૂલો,
રૂડો રાધાજીનો તન’
પાંચસો – છસો વર્ષ પહેલા જૂનાગઢની ભૂમિ પર નાદ પ્રગટ્યો એમ કહેવાનું મન થાય છે, કારણ કે આ જે-જે પંક્તિઓ ઉપર લખી છે એ છે ભક્ત કવિ નરસિંહ મહેતાની.
તમને આ સવાલ થયો છે? કેમ નરસિંહ મહેતાના પદો આજે પણ ગવાય છે?
ભગવાન શ્રીકૃષ્ણ 5000 વર્ષ પહેલા ધરા પર અવતરિત થયા. તેમની દિવ્ય લીલાઓ આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે. ભગવાન સાથે એમના કોઈ કોઈ એવા ભક્ત પણ અવતરિત થાય છે જે યાદ રહે છે. એવું જ એક નામ એટલે સૌરાષ્ટ ધરા પર જન્મેલ ભક્તશિરોમણિ નરસિંહ મહેતા. જેઓ આજે પણ જીવંત છે એમની પદરચનાઓ થકી.
નરસિંહ મહેતાના પદોની વિશેષતા જોવા જઈએ તો તેમની કવિતાઓમાં રહેલ તળપદા શબ્દોનું માધુર્ય, શબ્દોનાં પ્રાસ અને સરળ પ્રસ્તુતિ છે. તેથી તેમના ભજન, પદ સરળતાથી સમજાય અને તરત ગાઈ પણ શકાય છે. નરસિંહ મહેતાના રાસકાવ્ય પ્રકાર સાથે તેમની રચનામાં ઉમેરાયા ફાગું કાવ્યો. ફાગ કે ફાગુ એ સંસ્કૃત શબ્દ ફલ્ગુ પરથી આવ્યો છે. ફલ્ગુ એટલે વસંતોત્સવ. જેમાં નરનારીઓના વસંતવિહારનું વર્ણન કરવામાં આવે.
નરસિંહ મહેતાના પદો આજે પણ ગવાય છે એનું એક કારણ તેમની પદરચનાઓ અનેક રાગમાં ગવાઈ છે. આદરણીય કે.કા શાસ્ત્રીનું સંશોધન કહે છે કે નરસિંહના પદોમાં 15 જેવા ખૂબ મોટા એવા ક્લાસિકલ રાગો છે. નરસિંહ મહેતાનો પ્રિય એવો રાગ કેદાર હતો.
ગુજરાતી ભાષાનાં આદિકવિનું બિરુદ જેમને પ્રાપ્ત છે એમનો પરિચય કઈ રીતે આપવો એ અવઢવ થાય એ વાત બહુ જ સ્વાભાવિક છે. વિશ્વનાં 124 દેશોનાં સંગીતકારોએ જે ભજનને સ્વર આપી એક સુંદર વિક્રમ રચ્યો, એ ભજન એટલે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીયે’
આવા કવિ, કૃષ્ણભક્તને ક્યા શબ્દોમાં નવાજવા એમાં અવઢવ થાય તો ખોટું નથી.
જેમનું જીવન માત્ર કૃષ્ણ ભક્તિ હતું .ભક્તિના તાંતણે એમનાથી જે પદો ગવાયાં અને રચાયા તે આજે ગુજરાતી પદરચનાઓની સમૃદ્ધી છે.
વિદ્વાનોના સંશોધનમાં પ્રમાણિત થયેલા કવિ નરસિંહ મહેતાના આઠસો સાત પદ મળે છે. સૌથી વધુ પ્રખ્યાત એવા તેમના પદો એટલે ‘પ્રભાતિયા.’
નરસિંહ મહેતાને ભક્ત તરીકે મુલવવા જઈએ તો પણ ઘણું કહી શકાય એમ છે, પરંતુ તેમની પદરચઓની વાત કરીએ તો પણ એટલું જ લખી શકીએ.
તત્વજ્ઞાનની વાતો, સાદી – સરળ શૈલીમાં કહેવી, કવિતામાં ઢાળવી એવું બધું એમના મનમાં કંઈ નહી હોય. પરંતુ ગુજરાતી સંગીતકારોએ એ પદો અને ભજન, રાસ ગાઈને જીવંત રાખ્યા છે. ગુજરાતી ભાષા અસલ રીતે આવા કવિઓના પ્રતાપે આજે હજી અકબંધ છે.
આજે નરસિંહ મહેતાના પદો જુદી રીતે કંપોઝ થઈને આવે છે ત્યારે એ સંગીતકારોને, જુના સ્વરકારોને યાદ કરવા જોઈએ જેમના થકી નરસિંહ મહેતાના ગીતો સૌ પહેલા ગવાયા.
જલસોના કવિ વિશેષ ઉપખંડમાં આપ સાંભળી શકશો નરસિંહ મહેતાના પ્રાચીન ભજનો કેટલાંક ખ્યાતનામ એવાં ગાયક, સંગીતકાર આસિત દેસાઈ, ગાયક હેમા દેસાઈ અને હસમુખ પાટડિયાના સ્વરમાં.