‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
શું અભિવ્યક્તિ છે ! પ્રેમની ગહન વાતો સરળતાથી રજુ કરતા કવિ સુરેશ દલાલના આ શબ્દો છે. કોઈએ તેમને ‘કૃષ્ણરૂપી શબ્દોને રાધા ભાવે ભજતો ગુજરાતી કવિ’ કહ્યા છે. અને એ વાતમાં જરાયે અતિશયોક્તિ નથી.
સુરેશ દલાલની ઓળખ આપવા માટે ક્યાં શબ્દો ઉપયોગમાં લેવા? કવિ, સંપાદક, વિવેચક, તંત્રી, અનુવાદક, વાર્તાકાર, બાળસાહિત્યકાર, નિબંધકાર, અધ્યાપક કે વહીવટકાર? કેટકેટલા ક્ષેત્રે કામ કર્યું! મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દી શરુ થઇ જે MS યુનિવર્સીટીના ઉપકુલપતિ સુધી પહોંચી.
આજીવન શિક્ષક રહેલા આ કવિએ કેટલા કવિઓને ઘડ્યા! એવું કહેવાય છે કે કવિતા સામયિકના તંત્રી તરીકે તેમણે 180 જેટલા નવા કવિઓનો પરિચય ગુજરાતી સાહિત્યને કરાવ્યો. એક તંત્રી તરીકે આનાથી મોટું પ્રદાન બીજું શું હોય શકે? સ્વભાવે એકદમ સરળ એવા ‘એકાન્ત’ના આ કવિ મૂળ તો જલસાના માણસ. સુરેશ દલાલના પરમ મિત્ર પન્ના નાયક તેમના વિશે લખે છે કે, “ગુજરાતી કવિતાનું ઘેલું એને બહુ વહેલું લાગ્યું હતું. કૉલેજકાળથી જ એણે ગુજરાતી કવિતાના સંપાદનનું કામ શરૂ કરી દીધેલું. ‘આ વરસની કવિતા’ એવા નાના સંગ્રહો દર વરસે પુસ્તિકા રૂપે બહાર પાડતો. કવિ કાન્ત, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવિતા તો એ જાણે ઘોળીને પી ગયો હતો. રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહની કઈ કવિતા કયા પાને અને ડાબી કે જમણી બાજુ છે તે એ સહેજે કહી શકતો! એમ કહેવાતું કે ન કરે નારાયણ અને કોઈ મહાપ્રલયમાં ગુજરાતી કવિતાના બધા જ સંગ્રહો ધોવાઈ જાય, પણ જ્યાં સુધી સુરેશ જીવતો છે, ત્યાં સુધી વાંધો નહીં, એકલા સુરેશથી જ એ બધી કવિતા જીવી જશે. એવી હતી એની અદ્ભુત યાદશક્તિ અને કવિતાપ્રીતિ.’
આવી કવિતા પ્રીતિ ધરાવતા સુરેશ દલાલ ‘કવિતા’ સામયિકના તંત્રી બને એ સહજ હતું. એમાં થયું હતું એવું કે, જન્મભૂમિ જૂથના સંચાલક શાંતિલાલ શાહ જ્યારે કવિતાનું સામયિક કાઢવાનું વિચારતા હતા ત્યારે એમણે ઉમાશંકર જોશીને પૂછેલું કે કવિતાનું મેગેઝીન ચલાવવાનું અઘરું કામ કોને સોંપવું? ઉમાશંકર જોશીએ તરત સુરેશ દલાલનું નામ આપ્યું. ઉમાશંકર જોશી જેવા વ્યવહારુ અને વિચક્ષણ કવિમાં માણસને પારખવાની ઊંડી સૂઝ હતી. સુરેશ દલાલનો અઢળક કવિતાપ્રેમ એ પારખી શક્યા હતા. એમને ખબર હતી કે જે ખંત અને ઉત્સાહથી સુરેશ દલાલ એ કામ કરશે તેવું બીજું કોઈ ભાગ્યે જ કરી શકશે. અને એ વાત સાચી પણ પડી. સુરેશ દલાલે “કવિતા” સામયિક સતત બેંતાલીસ વરસ, એ જીવ્યા ત્યાં સુધી ચલાવ્યું.
કવિતા જીવતા આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યા. શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”
2012ની 10 મી ઑગષ્ટે કૃષ્ણ અને રાધાની કવિતા કરનાર આ કવિ જન્માષ્ટમીના દિવસે જ સ્વર્ગવાસ થયા. કૃષ્ણનું પૃથ્વી પર અવતરવું ને તે જ દિવસે સદાય જલસાથી ભર્યાભર્યા સુરેશ દલાલનું અવસાન પામવું!
સુરેશ દલાલના નિધન સમયે તેમને શ્રદ્ધાંજલિ આપતા કોઈએ કહેલું કે,’ ગુજરાતી ભાષાએ શબ્દોનો મહેકતો મોરલો ખોયો છે. દેશની આર્થિક રાજધાનીમાં રહીને શબ્દોની ઉપાસના કરનારો ગુજરાતી સાધક આપણે ગુમાવ્યો છે.’
આ શબ્દના સાધક કવિ સુરેશ દલાલને જલસો યાદ કરે છે, તેમના કેટલાક શ્રેષ્ઠ ગીતો અને કવિતાઓ જલસો પર છે એનો આનંદ છે. તેમને યાદ કરતા તેમની એક કવિતા માણીએ.
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!