અવિનાશ વ્યાસ ઉમાશંકર જોશી એટલે ગુજરાતી સંગીત અને સાહિત્યનુ સર્વોચ્ચ નામ. ગુજરાતી સંગીત અને સાહિત્ય સાથે નાતો જોડાયો એટલે કે જલસો સાથે જોડાવાનું થયું એ પહેલેથી અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અનેક સંગીતકારો અને સાહિત્યકારોની કૃતિઓ, રચનાઓમાંથી પસાર થવાનું થયું છે. જેમાંનું કેટલુંક તો એ રીતે હૈયામાં વસી ગયું છે, જેને વિસરી શકાય એમ જ નથી. આમ તો આ દિગ્ગજોને યાદ કરવા માટે કોઈ વિશિષ્ટ કે ચોક્કસ દિવસની રાહ જોવી પડે એવું છે નહિ, છતાં એમનો સ્મરણ દિવસ હોય ત્યારે તો સવિશેષ તેમને યાદ કરવા જ રહ્યા. ગુજરાતની ભૂમિને મળેલા બે એવા વિરલ વ્યક્તિત્વો કે જેમના જન્મ સમયમાં પણ લગભગ એકાદ વર્ષનું જ અંતર રહ્યું હોય અને તારીખ એક જ હોય! બંનેના રસના વિષયો પણ મહદઅંશે એક સમાન હોય! બંને શબ્દ, સૂર અને સ્વરથી, મિજાજ અને મમતથી ગુજરાતી હોય પછી ગુજરાત આખું દીપી જ ઉઠે ને!
આપણી આ ગુજરાતની ભૂમિએ અનેક જ્વલંત પ્રતિભાઓની પ્રસિધ્ધિ જોઈ છે. એટલી કીર્તિ કોઈ ધરતીએ કદાચ જવલ્લેજ મેળવી હશે.અમે જે કવિ, લેખક, સાહિત્યકાર અને સંગીત નિર્દેશક, ગીતકાર, ગાયક, ભક્તની વાત કરી રહ્યા છીએ, તેમનું નામ અનુક્રમે જ્ઞાનપીઠ પુરસ્કાર સન્માનિત ‘શ્રી ઉમાશંકર જોશી‘ અને પદ્મશ્રી ‘અવિનાશ વ્યાસ’ છે.
આજે એ બંને ઝળહળ વ્યક્તિત્વોનું સહેજે સ્મરણ થઇ આવે છે.આમ તો આજે તેમને યાદ કરવાનો દિવસ છે અને એવું જ કરવાનું મન છે પણ આ વાત જરાક અમને જુદી રીતે સાંભરી આવે છે.લગભગ બે વરસ પહેલા અમે અમદાવાદના જન્મદિવસ પર જે કેમ્પેઈન કર્યા છે, એના ભાગરૂપે એક વખત ગુજરાતી સાહિત્યજગત અને સંગીતક્ષેત્રના કેટલાક એવા લોકો ને અમે યાદ કરાયા કે જેમના નામે આપણા જ શહેરમાં કોઈક ચોક છે, તો કોઈક માર્ગ છે, કોઈક બ્રિજ છે તો કોઈક મંચ છે. પરંતુ આ દરેક જગ્યાઓ જુદા જુદા વિસ્તારના નામથી જાણીતી છે, માટે નહિવત લોકોને આની જાણ છે કે જે રસ્તા પરથી તેઓ પસાર થઇ રહ્યા છે કે જે ચાર રસ્તે તેઓ કોઈની તકતી પર કોતરેલું નામ જોઈ રહ્યા છે તે વાસ્તવમાં કોણ છે, તેઓ સાહિત્યકાર છે કે સંગીતકાર છે ?!
અમે એ કેમ્પેઈનમાં બસ એ તકતીઓ પાસે તેમની ઓળખાણ આપતું પ્લા કાર્ડ લઈને ઉભા રહી ગયા.જેમના કારણે ગુજરાતી ભાષાને અને શબ્દની ઓળખાણ છે તેની ગુજરાતી પ્રજાને ઓળખાણ કરાવવી પડે તે એ સમયે પણ પીડાદાયક લાગેલું અને આજે પણ એ વાતમાં કઈ બહુ ફેર નથી પડ્યો. જો કે એ કાર્ય કરીને એ વખતે અમે એટલો સંતોષ ભોગવ્યો કે ન પૂછો વાત!
પરંતુ આજે કંઈ અમારી વાત નથી કરવી, વાત એ કરવી છે કે આવા મહાન લોકોના નામે સરકાર દ્વારા જે રસ્તા, બ્રિજ કે ચોકને નામ અપાયા છે, એ નામો અને એ કામોથી આપણે અજાણ તો છીએ જ પણ જે નામોની તખતી લગાડવામાં આવી છે એ નામો કે વ્યક્તિત્વો કોણ છે એ જાણવાની આપણને તાલાવેલી પણ થતી નથી કે જરૂરત પણ લાગતી નથી,નથી આપણે નિસ્તબત દેખાડતા કે નથી આપણે કોઈ તસ્દી લેવી. દુઃખ બસ એ જ વાતનું છે. બાકી જેઓ આ મહાનુભાવોને ઓળખે છે, તેઓ તો આમના કાર્ય વિષે, તેમના ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં પ્રદાન વિષે જાણે જ છે અને હંમેશા તેમને પ્રેમથી અને આદરથી યાદ કરતા રહેશે પણ અમને લાગે છે કે ગુજરાતી ભાષાની જ્યોત દરેક ગુજરાતીના દિલમાં જગાવનાર અને ઝળહળ રાખનાર આ નામો એ માત્ર જન્મદિવસે યાદ કરાયેલા કે કોઈ એક ચોક પર તકતી પર કોતરાયેલા નામો નથી પણ ‘ગુજરાતી’ શબ્દની વ્યાખ્યા છે અને વારસો છે,આપણા ગુજરાતીપણાના આ મૂર્તિમંત ચહેરા છે. તેમની રચનાઓને યાદ કરતા માત્ર કાન પર જ નહિ પણ આપણા દિલ પર પણ હાથ જવો જરૂરી છે.
માટે આજે તેમના જન્મદિને તેમને યાદ કરતા કરતા તેમની કેટલીક જાણીતી અને સુપ્રસિદ્ધ રચનાઓ કે કૃતિઓ રજૂ કરવી છે, જે આમતો કદાચ દરેક વ્યક્તિના મોઢે ચડેલી છે કે જેને કદાચ વારંવાર વાગોળી છે કે જેને સાંભળી તો અનેક વાર હશે પરંતુ એ વાતે અજાણ હશે કે આ રચના કે કૃતિ ખરેખર છે કોની?
જલસો નતમસ્તક યાદ કરે છે ગુજરાતી ભાષાના શિરમોર કવિ સ્વ. શ્રી ઉમાશંકર જોશીને તથા ગીતકાર, સ્વરકાર સ્વ. શ્રી અવિનાશ વ્યાસને.
ગુજરાતી ભાષા આપની સદાકાળ ઋણી રહેશે.