સૈફ પાલનપુરી એ ગુજરાતીઓના મોઢે રમતું નામ છે. શાંત ઝરુખે.. તેમની આ ગઝલ દરેક ગુજરાતીને પ્રિય છે. મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર, સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા ઉર્ફે ‘સૈફ’ પાલનપુરીનો જન્મ 30 ઑગષ્ટ, 1923 પાલનપુરમાં થયો હતો. તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામઅલી હતું. તેમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો અને એટલે સૈફુદ્દિને તેમને પોતાના ઉસ્તાદ માનેલા. સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા. તેમનું અવસાન 7 મે, 1980 ના રોજ થયુ હતું.
તેમના ગઝલસંગ્રહો -ઝરુખો (1968), હિંચકો (1971), એજ ઝરુખો એજ હીંચકો છે.
તેમણે મરીઝ સાહેબ સાથે “બગીચો” નામનું સંપાદન કરેલું.
સૈફ પાલનપુરી લખે છે કે,
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે.