મનમાં ઉદ્દભવતા શુદ્ધ વિચારો દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, એને અધ્યાત્મ કહેવામાં આવે છે. અહીં અધ્યાત્મની વાત એટલા માટે કરી રહ્યો છું, કારણકે અધ્યાત્મ થકી જ ઈશ્વરને પામી શકાય છે. ઘણા લોકોનો આ પ્રશ્ન હોય છે, કે ઈશ્વરને ક્યારેય જોયો છે? ઈશ્વર સાથે સાક્ષાત્કાર થયો છે? શું ક્યારેય ઈશ્વરને પામી શકાય છે? આ બધાનો જવાબ છે ‘હા’. કારણકે જે જે લોકો કૈલાસની સફર કરીને આવ્યા છે, એ દરેકને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે અને એ તમામનો પોતાનો એક અનુભવ રહ્યો છે. જે જે લોકો કૈલાસ માનસરોવરની પરિક્રમા કરીને આવ્યા છે, એમના અનુભવો જાણીને કે એમને માત્ર વાંચીને પણ જો આ અનુભવ થઇ શકતો હોય તો ત્યાં પહોંચ્યા પછી તો એ અનુભૂતિથી અજાણ કેવી રીતે રહી શકાય!
કૈલાસ એ માત્ર પર્વત નથી, એ ધામ છે. એ તીર્થસ્થાન છે. અને ત્યાં સુધી પહોંચવાની સફર શરૂ થાય છે, પોતાના અંતરમનથી. આ એવી જગ્યા છે, જેની આસપાસ ઘણી વાર્તાઓ છે, કેટલાક રહસ્યો છે, જેના માટે ખૂબ માન્યતાઓ સેવવામાં આવે છે, અનેક કિંવદંતિઓ છે. જેના વિષે સતત કંઇક જાણવાની ઈચ્છા થઇ આવે અને જાણીને આનંદ જ થાય.
એવું કહેવામાં આવે છે કે આ કૈલાસ પર્વતની ચોટી પર આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. અને આપણે ત્યાં તો આ રહસ્યમયી પર્વત કે શિખરને પર્વત નહિ પરંતુ ધામ કહેવામાં આવે છે. કૈલાસધામ. તીર્થધામ. સનાતન હિંદુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પવિત્ર સ્થાન એટલે તીર્થ. અને સાથે જ બીજો પ્રશ્ન થાય કે આ તીર્થયાત્રા એટલે શું? જે – તે વાતાવરણમાં ડૂબકી મારવા માટે, તેનાં દર્શન કરવા માટે, ત્યાં સ્નાન કરવા માટે કોઈ પણ યાત્રી એક વિશિષ્ટ મનોભાવપૂર્વક જે જગ્યાએ જાય છે, તેને તીર્થયાત્રા કહે છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર કૈલાસ શિખર એ શિવ-પાર્વતીનું નિવાસસ્થાન મનાય છે.
શું આ કૈલાસભૂમિમાં ભગવતી પાર્વતી અને ભગવાન શિવજી સાચે જ વસતાં હશે? એક કૈલાસધામ દિવ્યલોકમાં છે. તે દિવ્યધામ કૈલાસધામ શિવ-પાર્વતીનું શાશ્વત નિવાસસ્થાન છે. તે દિવ્યધામ કૈલાસધામનું, આ કૈલાસધામ આપણી ધરતી પરનું પ્રતિનિધિરૂપ છે. લૌકિક અને અલૌકિક, બંને કૈલાસ વચ્ચે એક દિવ્ય અને સૂક્ષ્મ તંતુ છે. આ આપણી પૃથ્વી પરનું કૈલાસ, તે દિવ્ય કૈલાસ અને કૈલાસપતિ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટેનું દ્વાર છે, સંપર્કસેતુ છે. આપણે તે દિવ્ય કૈલાસધામ સુધી તો ન પહોંચી શકીએ, માટે જ કદાચ શિવજી આપણી ધરતી પરના આ કૈલાસ પર્વત પર આવીને વસ્યા, જેથી આપણે તેની પરિક્રમા થકી એમની નજીક જઈ શકીએ!
તિબેટમાં આવેલું આ કૈલાસધામ કે જે ચીનમાં આવેલું છે. તે શિવજીનું નિવાસસ્થાન છે, એક સમાધિ પુરુષનું નિવાસસ્થાન છે. એટલેકે સમાધિસ્થાન છે. ભલે આ કૈલાસધામ ભારતમાં નથી આવ્યું, ભલે તે વિદેશી ભૂમિ પર આવેલું છે. પણ કહેવાય છે ને કે ‘હકીકત ક્યારેય સ્વીકૃત બનતી નથી’. અને એટલે જ, જેઓ શિવભક્ત છે કે જેમને શિવમાં અપરંપાર શ્રદ્ધા છે, તેમને મન તો આ ભૂમિ દેવાધિદેવ મહાદેવની જ છે. અને મહાદેવ તો આપણા છે, ચીનના થોડા છે?
કૈલાસ એ કોઈ સામાન્ય પર્વત નથી, તે પોતે ખૂબ રહસ્યમયી છે અને એટલે જ એની સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે, કૈલાસ ઉપર યતી માનવ રહે છે. કૈલાસ પર્વત ઉપરથી લોકોને ડમરું અને ઓમનો અવાજ સંભળાય છે. કૈલાસ પર્વત ઉપરથી 7 પ્રકારની લાઈટ પણ નીકળે છે. જે આકાશમાં ચમકતી જોવા મળે છે. ગૂગલ અર્થ દ્વારા જયારે ઉપરથી કૈલાસના કેટલાક ફોટોસ કેપ્ચર કરવામાં આવ્યા ત્યારે એ પર્વત પર ભગવાન શિવ પોતે ધ્યાન મુદ્રામાં બેઠેલાં હોય એવું પ્રતીત થયું હતું. કૈલાસ પર એક ઇલેક્ટ્રો મેગ્નેટિક યંત્ર છે. તેની પરિક્રમા દરમિયાન લોકોની ઉંમર પણ વધી જાય છે. નખ લાંબા થઇ જાય છે, વાળ લાંબા અને સાથે સાથે થોડા સફેદ પણ થઇ જાય છે. આમ આ પર્વત પોતાનામાં અનેક માન્યતાઓ અને રહસ્યોને ધરબીને અડીખમ ઉભો છે.
એવું પણ કહેવામાં આવે છે કે, કૈલાસ પર્વત અને તેની આસપાસ માત્ર પુણ્યાત્માઓ જ રહી શકે છે. તેનું કારણ છે કે અહિયાંના વાતાવરણમાં માત્ર આધ્યાત્મિક લોકો જ રહી શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો શુદ્ધ મનના હોય અથવા જેણે ક્યારેય પાપ કર્યું જ ન હોય તે લોકો જ આ પર્વતને સર કરી શકે છે અને માટે જ કદાચ અત્યારસુધી આ પર્વત પર કોઈ ચડી શક્યું નથી, તેની પવિત્રતા સુધી કોઈ પહોંચી શક્યું નથી.