હિતુ કનોડિયા. આ નામ ગુજરાતીઓ માટે જરાય અજાણ્યું નથી. કનોડિયા પરિવારે ગુજરાતી સીને જગત પર જે રીતે રાજ કર્યું છે….. ગુજરાતના સૌથી લોકપ્રિય ફિલ્મી કલાકાર નરેશ કનોડિયા, મલ્ટીટેલેન્ટેડ મહેશ કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા. આ ચારેય લોકોએ ગુજરાતીઓના દિલો પર રાજ કર્યું છે. ગુજરાતની 2 3 પેઢીઓના આ ચહિતા કલાકાર રહ્યા છે. આજે જલસો પર હિતુ કનોડિયા સાથે વિશેષ સંવાદ થયો. જેમાં તેમણે તેમના અંગત જીવન વિષે, કોલેજ લાઈફ, રાજનીતિમાં કેવી રીતે આવ્યા. પહેલી ફિલ્મ કેમ મળી અને સૌથી વધારે તો નરેશ કનોડિયા વિશે બહુ વિગતે વાત કરી છે.
ગુજરાતી ફિલ્માં એક દૌરમાંથી પસાર થયા બાદ વચ્ચેનો સમય એવો આવ્યો કે જ્યાં ગુજરાતી ફિલ્મોની નોંધ લેવાવાની ઓછી થઇ ગઈ. ગુજરાતી ફિલ્મ અમુક દાયરામાં બંધાય ગઈ. ગુજરાતી ફિલ્મોની એક ઓળખ બંધાય ગઈ કે ધોતિયું, પાધડી ને ગામડું ને એવું બધું. પછી જયારે અર્બન ગુજરાતી ફિલ્મના નવા ટેગ સાથે ગુજરાતી ફિલ્મો બનવા લાગી એમાં એક સમયના ગુજરાતી ફિલ્મના ધુરંધર અદાકાર હિતુ કનોડિયા અને હિતેન કુમારનો નવો અવતાર ગુજરાતી દર્શકોને જોવા મળ્યો. આજના સમયમાં ગુજરાતના સૌથી વ્યસ્ત, સૌથી વધુ ફિલ્મો કરતા કલાકારોમાં આ બંને કલાકારો સુમાર છે. આટઆટલી વ્યસ્તતા, નામ ને લોકપ્રિયતાને માણી રહેલા હિતુ કનોડિયા પોતાનો બેસ્ટ ટાઇમ પોતાના પુત્ર રાજવીર સાથેનો ગણાવે છે.
અભિનેતા તરીકે ખુબ લોકપ્રિય હિતુ કનોડિયા રાજનીતિમાં પણ સફળ રહ્યા છે. જેમ અદાકારી લોહીમાં છે એમ રાજનીતિ પણ લોહીમાં ભળેલી છે. પોતે જેને બાપા કહેતા એ મોટા બાપુ મહેશ કનોડિયા પાટણથી ચાર ટર્મ માટે સાંસદ પદે ચૂંટાયા હતા. જયારે પિતા નરેશ કનોડિયા ગુજરાતના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. તેથી રાજનીતિમાં આવવું તેમના માટે અઘરું ન હતું. તેઓ બહુ નાની ઉંમરથી જ મોટા બાપુ સાથે પ્રચારમાં જતા હતા. જયારે પિતા અને મોટા બાપુ બંને ફિલ્મ ક્ષેત્રના દિગ્ગજ હોય ત્યારે હિતુ કનોડિયાનું ફિલ્મી પડદે દેખાવું એ સામાન્ય વાત ગણાય. બાળ કલાકાર તરીકે તેમણે ફિલ્મોમાં દેખા દીધી જ હતી. ડિરેક્ટર – પ્રોડ્યુસર મેહુલ કુમારે તેમને ટીનેજ લવ સ્ટોરી ‘મનડાનો મોર’ ફિલ્મમાં હીરો તરીકે પ્રથમ બ્રેક આપ્યો. જેમાં તેઓ હીરો છે એ તેમને ખુદને નહોતી ખબર કે પછી સંગીત આપતા મહેશ નરેશને. આ તો જયારે સિંગરની પસંદગી થઇ રહી હતી ત્યારે મેહુલ કુમારે પ્રફુલ દવેના બદલે બીજા કોઈ સિંગરની વાત કરી કે આમાં અલગ અવાજ લાવવો પડશે કારણ કે આમાં હીરો હિતુ છે. આ ફિલ્મની વાત કરતા તેઓ ખુદ કહે છે કે ‘અહીં કનોડિયા સરનેમ કામ કરી ગઈ. એટલે પહેલું પગથીયું સરળ રહ્યું. પણ એ પહેલું પગલું જ સરળ હતું. પછીના પગથીયા ચડવા તો સામાન્ય લોકો જેમ જ અઘરા પડ્યા.’
તેઓ સ્કુલ સમયે ડાન્સના એ હદના શોખીન હતા કે 10 ધોરણની પરીક્ષા સમયે પણ ડાન્સની પ્રેકટીસ કરવાનું છોડતા ન હતા. એ સમયે ભારતમાં બ્રેક ડાન્સ નવો નવો લોકપ્રિય થયો હતો. એ વહેણમાં તેઓ પણ ડાન્સના દીવાના બન્યા હતા.
મુંબઈની જય હિન્દ કોલેજમાં SY માં આખા વર્ષમાં માત્ર બે જ દિવસ કોલેજના ક્લાસ ભરનાર હિતુ કનોડિયા આખું વર્ષ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. સ્ટેજ માટેની ઘેલછા એ હદની હતી કે ગ્રીનરૂમ તેમનું ઠેકાણું બની ગયું હતું. ડાન્સર તરીકે તેઓ ઘણી કોમ્પિટિશન જીત્યા હતા.
પિતા નરેશ કનોડિયાની લોકપ્રિયનો એક કિસ્સો યાદ કરતા તેઓ કહે છે કે, ‘મેરુ માલણ ફિલ્મ રિલીઝ થઇ હતી. અમે થીએટરમાં જોવા ગયા. અને થીએટરની બહાર જે ઓડીયન્સમાં ક્રેઝ જોયો…પપ્પા જેવા ગાડીમાંથી બહાર નીકળ્યા અને જે હોહો થયું ને એમાં હું સમજી ગયો કે એક્ચ્યુલ સ્ટારડમ આવી હોય. અને પછી થીએટરની અંદર જે ચિલ્લર ભરી ભરીને નાખતા’તા. સ્ક્રીન ઉપર ગીત આવે ‘જાગ રે માલણ, ‘ઓઢણી ઓઢું ને..’ ત્યારે ખબર પડી કે પાપા કેવડા મોટા સ્ટાર હતા!
એ સમયનું સ્ટારડમ એવું હતું જયારે લોકો હીરોની પૂજા કરતા હતા. ફેન માટે પોતાના સ્ટાર સર્વસ્વ હતા. ચાહકોનો એ પ્રેમ તદ્દન નિર્દોષ નિર્દોષ અને શુદ્ધ હ્રદયનો પ્રેમ હતો. એ પ્રેમ મેળવવાના સાક્ષી પોતે રહ્યા છે અને એ દ્રશ્યો હજુ નજર સામે તરે છે.
એ લોકપ્રિયતા, એ ચાહકોનો પ્રેમ, એ હિલોળા લેતી ગામડાની પ્રજા ગુજરાતી ફિલ્મો જોવા જતી હતી એ હવે નથી જતી. પહેલાનો એ જમાનો ગુજરાત હવે જોઈ શકશે? જો હા તો ક્યારે? ગુજરાતી સિનેજગત માટે અતિશય મહત્વના આ સવાલના જવાબમાં તેમણે જે જવાબ આપ્યો એના વિષે વિચારીએ તો કદાચ ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણકાળ ફરીવાર આવી શકે એમ છે. તેઓ કહે છે કે ‘અત્યારે દર વર્ષે એકાદ એવી ફિલ્મ આવી જાય છે હીટ થઇ છે, જેના વિષે ખુબ વાત થાય, એ એક બે નહીં પણ વધુ થવી જોઈએ. અને બીજો મહત્વનો મુદ્દો કે ગામડાના થીએટરો ઓછા થઇ રહ્યા છે અને શહેરોમાં મલ્ટિપ્લેક્ષ વધી રહ્યા છે. જયારે તમારે તમારું ઓડીયન્સ વધારવું હોય ત્યારે તમારે એ ગામડાના ઓડીયન્સને કેપ્ચર કરવું પડશે. એમના સુધી પહોંચવું પડશે. કેમ કે એ તમારું ખરું ઓડીયન્સ છે.
કેમ કે એ લોકો અત્યારે OTTના જમાનામાં વર્લ્ડ સિનેમા તરફ વળ્યા છે. કેમ કે થીએટરો એ બાજુ રહ્યા જ નથી. જો એ લોકોને ગુજરાતી ફિલ્મો તરફ નહીં વાળ્યા તો ગુજરાતી ફિલ્મો માટે એ બહુ મોટી ખોટ હશે. સાથોસાથ બીજી વાત એ હતી કે ગામડાઓમાં થીએટરની સંખ્યા નહોતી અને જે હતી એમાં સારી કહી શકાય એવી સુવિધા પણ નહોતી. અને સામે મલ્ટીપ્લેક્ષમાં આંખો આંજી દે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેથી સિંગલ સ્ક્રીન થીએટરમાં ઓડીયન્સ નહિવત થઇ ગયું ને મલ્ટીપ્લેક્ષમાં ભીડ ઉભરાવા લાગી અને લોકો ગુજરાતી ફિલ્મોથી દુર જવા લાગ્યા. અને આનો તોડ એ જ હોય શકે કે આ બંનેની વચ્ચેના થીએટરો બને તો લોકો ગુજરાતી ફિલ્મો જોવા ત્યાં જશે, જેની ટીકીટ તેમના બજેટની અનુકુળ હોય.
ગુજરાતી ફિલ્મના એક અનુભવી કલાકાર તરીકે તેમણે આવી ઘણી બધી વાતો કરી હતી, જેનો વિડીયો ટૂંક સમયમાં જલસોની પોડકાસ્ટ ચેનલ પર અપલોડ થશે.