હસમુખ બારાડી, ગુજરાતી નાટ્યજગતમાં નાટ્યગુરુ, દિગ્દર્શક, નાટ્યકાર, ઉત્તમ અનુવાદક, ઉદ્ઘોષક. અને કદાચ આ સૌથી અગત્યનું ગુજરાતી નાટકના પોષક અને સંરક્ષક. ગુજરાતી ભાષા અનેક ઉત્તમોત્તમ સાહિત્યકારો – સર્જકોથી ફૂલીફાલી છે. જો નાટકોની જ વાત કરીએ તો ગુજરાતમાં 14 મી સદીથી ભવાઈ દ્વારા નાટકના બીજ રોપાયા હતા. 1878માં મોરબી ખાતે મુળજી અને વાઘજી ઓઝા દ્વારા આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. 1850 માં દલપતરામે લખેલ ‘લક્ષમી’ નાટક ગુજરાતી નાટકમાં એક મહત્વનો પડાવ છે. રણછોડરામ ઉદયરામ દવેના આગમનથી ગુજરાતી રંગભૂમિના રંગરૂપ બદલાયા. તેમના મહત્વના પ્રદાનથી તેઓ ગુજરાતી રંગભૂમિના પિતા ગણાયા. નાટ્યલેખનમાં રમણલાલ નીલકંઠથી શરુ કરીંને ક.મા. મુનશી, ગુજરાતી નાટકના સર્વોચ્ચ શિખર જેવા ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ન્હાનાલાલ, ઉમાશંકર જોશી, રસિકલાલ પરીખ, શિવકુમાર જોશી, શ્રીકાંત શાહ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશ્ચચંદ્ર, મધુરાય, ચિનુ મોદી અને સતીસ વ્યાસ જેવા અનેક નાટ્યકારોએ ગુજરાતી નાટકને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યું. આ સૌ નાટ્યકારોમાં એક નાટ્યકાર એવા હતા જેમનું સમગ્ર જીવન માત્રને માત્ર નાટકને સમર્પિત હતું. અને એ હતા હસમુખ બારાડી.
હસમુખ બારાડીને કોઈએ પૂછેલું કે ભણવાની શરૂઆત જ નાટક ક્ષેત્રમાં કરી, એનું કારણ ? તેમણે કહ્યું કે ‘નાટક શીખવા ગયો કારણ કે નાટક લખવું હતું.’ ટૂંકમાં તેઓ પહેલેથી જ નાટક લખવા બાબતે મક્કમ હતા. તેથી રાજકોટમાં શિક્ષણ લઈને ત્યાં જ 1961માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ અમદાવાદ આવીને ગુજરાત યુનિવર્સીટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. અભ્યાસ સાથે સાથે તેમની નાટ્ય પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. તેથી તેમને આકાશવાણીમાં તુરંત જ નોકરી મળી ગઈ. રાજકોટ અને વડોદરા ખાતે આકાશવાણીમાં નાટ્યલેખક તરીકે તેમણે ઉત્તમ સેવાઓ આપેલી. તેથી તેમની નિમણુક આકાશવાણી દિલ્હીમાં ગુજરાતી વિભાગના સમાચાર ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપી.
આ દિલ્હી નિવાસ તેમના જીવનમાં બહુ અગત્યનો સમય રહ્યો. દિલ્હીના નિવાસ દરમિયાન તેઓ NSDમાં જતા થયા. નોકરી ચાલુ હતી તેથી NSDમાં ભણી તો ન શકે પરંતુ સતત NSDમાં જવાથી તેઓ નાટકના મૂળ તત્વો અને નાટ્ય તાલીમ – લેખનને બહુ બારીક નજરે જોઈ શક્યા. અહીં જ તેમને એક મિત્રએ રશિયા જવા માટે ટહેલ નાખી. “રશિયામાં નાટકનું બહુ સારું વાતાવરણ છે તેથી ત્યાં જઈને ભણવું જોઈએ”. મિત્રની આ વાત યોગ્ય લાગતા 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. રશિયા નિવાસમાં તેઓ રશિયન સાહિત્યના ઉત્તમ નાટકોના પરિચયમાં આવ્યા. એ જ કારણ છે કે તેમણે ઘણા રશિયન નાટ્યકારોના નાટકોના અનુવાદો કર્યા છે.
રશિયાથી અભ્યાસ કરીને પરત ફર્યા બાદ તેમની નાટ્યપ્રવૃત્તિ પુરઝડપે ચાલવા લાગી એમ કહીએ તો અતિશયોક્તિ નથી. 1975ની સાલમાં તેમણે પ્રથમ નાટક ‘કાળો કામળો’ લખ્યું, જેના ખુબ વખાણ થયેલા. મૂળ તો આ નાટક રશિયામાં અભ્યાસ દરમિયાન વર્કશોપના ભાગરૂપે લખ્યું હતું. ત્યારબાદ તેઓએ ‘જશુમતી–કંકુવતી’ (1978), ‘પછી રૉબાજી બોલિયા’ (1979), ‘જનાર્દન જોસેફ’ (1980), ‘ખુશનુમા ખયાલનો ખેલ’ (1981), ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (1985), ‘રાઇનો દર્પણરાય’ (1986) અને ‘આખું આયખું ફરીથી’ (1991) જેવા એકથી એક ઉત્તમ કહી શકાય એવા નાટકો લખ્યા. તેઓ ખુદ નાટય શિક્ષક – દિગ્દર્શક હોવાથી તેમના લગભગ બધા જ નાટકો પોતે ભજવ્યા છે કે અન્ય લોકોએ તેમના નાટકો ભજવ્યા છે. તેમના શબ્દોને તખ્તો મળી જ ગયો છે, એ બાબતે તેઓ સદનસીબ કહેવાય!
‘રાઇનો દર્પણરાય’ તેમનું સૌથી પ્રશંસા પામેલા નાટક છે. જેનું કથાવસ્તુ તેમણે રમણભાઈ નીલકંઠના નાટક ‘રાઇનો પર્વત’માંથી લીધું હતું. આ વિશિષ્ઠ પ્રયોગલક્ષી નાટક છે. ‘આખું આયખું ફરીથી’ તેમનું શ્રેષ્ઠ દ્વિઅંકી નાટક મનાય છે. તેમાં નટ, નટી અને દિગ્દર્શિકા પોતપોતાનો પાઠ ભજવતાં ભજવતાં ‘સ્ક્રિપ્ટની બહાર’ નીકળી જાય છે અને નાટકના વસ્તુને સમાંતર ચાલતા પોતાના અંગત ભાવસંવેદનમાં અટવાઈ જાય છે. ત્રણ કલાકારો ચાર પાત્રોને રજૂ કરે છે અને બહુપરિમાણી ધોરણે સમગ્ર વસ્તુનું વિશ્લેષણ થતું જાય એવો કસબ નાટ્યકારે વાપર્યો છે. અનુઆધુનિકતાને બંધ બેસે તેવા લોકકેન્દ્રી થિયેટરના અંગરૂપે રોજબરોજના પ્રશ્નો રજૂ કરતાં શેરી-નાટકો પણ તેમણે લખ્યાં છે, ભજવ્યાં છે અને ભજવાવ્યાં છે.
‘નાટક સરીખો નાદર હુન્નર’ તેમના નાટક અને રંગભૂમિને લગતા લેખોનો સંગ્રહ છે. ‘ ગુજરાતી થીએટરનો ઈતિહાસ’ એ તેમનું સૌથી મહાન કાર્ય છે, જેમાં તેમને ગુજરાતી થીએટરનો ભવાઈથી લઈને વીસમી સદીના નવમા દાયકા સુધીના ઈતિહાસને આલેખ્યો છે.
બટુભાઈ ઉમરવાડિયાની સ્મૃતિમાં સ્થપાયેલી નાટ્યશિક્ષણ સંશોધન સંસ્થા- (BUDETRI)ના કાર્યવાહક તરીકે તેમજ ‘નાટક’ ત્રૈમાસિકના તંત્રી તરીકે તેમણે બહુમુલ્ય સેવા આપી હતી. ગુજરાતી રંગભૂમિ પર તેમણે કલમની સાથે સાથે વૈચારિક પ્રદાન બહુ મોટું રહ્યું છે. તેઓ વિદ્રોહી સ્વભાવના અનેક લોકો સાક્ષી છે. તેમણે આજીવન કલાકારના અધિકારો માટે લડત ચલાવી. તેઓ સેન્સર બોર્ડ સામે પણ લડી પડેલા. તેમના માટે નાટક અને કલાથી મોટું કોઈ જ નહોતું. તેથી જ તેમણે ‘થીએટર મીડિયા સેન્ટર’ નામની સંસ્થા સ્થાપી જે તેમના સપનાઓનું નાટ્ય – કલા વાતાવરણ ઉભું કરી શકે. જ્યાં નાટ્ય આર્કાઇવ, મ્યુઝીયમ અને થીએટર તાલીમનું માર્ગદર્શન મળે.
હસમુખ બારાડી મુખ્ય નાટયકાર તરીકે ઓળખાય છે. પરંતુ તેમણે કેટલીક ઉત્તમ વાર્તાઓ પણ લખી છે. જલસો પર અમે તેમની કેટલીક ઉત્તમ વાર્તાઓનું ‘વાચિકમ’ કરીને પ્રસ્તુત કરી છે. જેમાં ‘મારી એંઠી થાળીમાં ખાજે, રાંડ !’, ‘સરોજનો વૈભવ’, ‘મથુરદાસનો બાંકડો’, ‘ત્રીજી દિશા’, ‘અનિતા હજી બાંકડે બેથી છે’ અને ‘વહરું’ જેવી કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ સમાવિષ્ઠ છે.