બાળસાહિત્ય એટલે હરીશ નાયક એવું કહેવાતું. ગુજરાતી બાળ સાહિત્ય તેમનું એવું ઋણી છે. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા અને વાર્તાઓ વાંચનારો વર્ગ સૌથી વધારે છે. પરંતુ બાળસાહિત્ય એક એવી સાહિત્યધારા છે જે કદાચ વાંચનારો વર્ગ ઓછો છે પરંતુ સૌથી વધારે મહત્વનું સાહિત્ય એ ગણી શકાય. બાળકોમાં સંસ્કાર ઘડતર કરતું આ સાહિત્ય લખનાર સાહિત્યકાર સમાજ પર બહુ લાંબાગાળાની અસર કરી શકે છે. ગુજરાતી સાહિત્યમાં બાળ સાહિત્યના પિતામહ ગણી શકાય એવું નામ એટલે ગિજુભાઈ બધેકા. ‘મૂછાળી મા’ના હુલામણા નામથી જાણીતા ગીજુભાઈએ ગાંધીયુગની આખી પેઢી તૈયાર કરી હતી એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહી ગણાય.
ગુજરાતી બાળ સાહિત્યમાં ગિજુભાઈ બધેકાના અવસાન પછી એક ખાલીપો સર્જાયો. તેમની કક્ષાનું બાળસાહિત્ય કોઈ રચી શકશે કે કેમ એ પ્રશ્ન ઉદ્ભવ્યો. નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી શિક્ષણમાં નવીન પ્રયોગો કરી રહ્યા હતા. પણ બાળસાહિત્યની જ સમર્પિત હોય તેવું નહીવત હતું.
આવા સમયે એક વિરલો આવ્યો જેણે પોતાનું સમગ્ર જીવન બાળ સાહિત્યને સમર્પિત કરી દીધું. Harish Nayak તેમનું નામ, જે 24 ઓકટોબર, 2023ના રોજ અઅવસાન પામ્યા. હાલમાં અવસાન પામ્યા.
હરીશ નાયકનું પ્રદાન કેવું હતું એવું કોઈ પૂછે તો કહેવાનું મન થાય કે, 500 થી વધુ બાળ સાહિત્યના પુસ્તકો બસ આટલું કહીએ તો પણ પુરતું છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન પાંચ લાખથી વધુ બાળકોને વાર્તા કહેવાનો વિક્રમ સર્જ્યો હતો. હરીશ નાયકે માત્ર 17 વર્ષની ઉંમરે વાર્તાઓ કહેવાનું શરુ કરેલું અને 21 વર્ષની વયે પ્રથમ પુસ્તક લખ્યું. 1952 માં ગુજરાત સમાચારના ‘ઝગમગ’ સામયિકના તંત્રી તરીકેને તેમની બાળ સાહિત્યકાર તરીકેની શરૂઆત કહી શકાય.
1952 થી મૃત્યુ પર્યંત તેમણે અંદાજીત 2000 જેટલી બાળવાર્તાઓ લખી. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘કચ્ચુ-બચ્ચુ’, ‘બુદ્ધિ કોના બાપની’ અને ‘ટાઢનું ઝાડ’ તુરંત યાદ આવે. ‘કચ્ચુ-બચ્ચુ’ પુસ્તક સાત ભાષામાં અનુવાદિત થયું, એ હદે લોકપ્રિય નીવડ્યું. તેમની હર્ક્યુલીસ લેખમાળા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતી બની હતી. બાળ સાહિત્યના તેમના લેખન દરમિયાન તેમણે લગભગ દરેક પ્રકારની વાર્તાઓ લખી. ઘડતરકથા, યુદ્ધ કથા, સંસ્કાર કથા, પૌરાણિક – ઐતિહાસિક કથા કે પછી હાસ્ય કથા. બાળક જે રીતે સમજી શકે એ બધી રીત અજમાવીને તેમણે સાહિત્યનુ સર્જન કર્યું. બાળસાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે તેઓ ગુજરાતભરમાં બાળવાર્તાઓ કરવા જતા હતાં.
સાહિત્યજગતમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના એ કે તેમના 75 માં જન્મદિવસે તેમણે એકસાથે પોતે લખેલા 75 પુસ્તકોનું એકસાથે પ્રકાશન કર્યું હતું. એ જ રીતે 80માં જન્મદિવસે 80 માતૃકથાઓ 90માં વર્ષે 1001 વાર્તાઓ એટલે કે હરિશયન નાઈટ્સ નામે 101 વાર્તાને 10 ગ્રંથમાં રજૂ કરી હતી. આવ ઘટના વિશ્વ સાહિત્યમાં ભાગ્યેશ થઇ હશે!
કોઈએ તેમને યાદ કરતા બહુ સરસ લખ્યું હતું કે, ‘જેમની આંખમાં બાળમસ્તી તરવરતી હોય, વર્તનમાં ભોળપણ છલકાતું હોય, ઊઠતા-બેસતા તેમનું મન બાળકોમાં જ પરોવાયેલું હોય, જેનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બાળકો જ હોય તેવું વ્યક્તિત્વ એટલે હરીશ નાયક.’
તેઓએ કહેલું કે, ‘બાળવાર્તા કહેતા મને લોકોનો સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો. બાળવાર્તા કહેતો અને બાળકો ખુશ થઇ જતાં તેમના ચહેરા પર આનંદ જોઇને મને એમાં વધુને વધુ રસ પડતો ગયો, પરિણામે હું ઇન્ટરમાં સાત વખત નાપાસ થયો, કારણ કે મને ભણવામાં કોઇ રસ જ રહ્યો નહોતો. હું તો વાર્તાઓમાં ડૂબવા લાગ્યો હતો અને તેને જ મારું કર્મ બનાવી નાંખ્યું.’
બાળકોના ચહેરા પરની ખુશી જોઇને બાળસાહિત્યમાં જીવન અર્પણ કરી દેનાર હરીશ નાયકનું મૂળ વતન સુરત. પિતાની નિવૃત્તિ પછી પરિવાર અમદાવાદ વસ્યો. હવે નક્કી જ કરી લીધું કે બાળકોને વાર્તાઓ કહેવી, કારકિર્દીનું તો કંઈક થઇ જશે. અને આ નિર્ણય એવા સમયે લીધેલો કે જયારે કવિ – લેખકને આર્થિક કમાણીને નામે કંઇ ખાસ મળતું નહીં.
પરંતુ કહેવત છે ને ‘રામ રાખે તેને કોણ ચાખે’. તેમના જ શબ્દોમાં ‘મારા નસીબ સારા કે મને સમજે એવી છોકરી લક્ષ્મી મળી ગઇ અને અમે પરણી ગયા. સમય જતાં હું ચાર દીકરીનો પિતા બન્યો. પણ મેં વાર્તા કહેવાનું તો ચાલુ જ રાખ્યું હતું. એમાં એક પછી એક મારી દીકરીઓને ઇન્વોલ કરતો ગયો. અમે સાઇકલ લઇને શાળાઓમાં જઇ જઇને વાર્તાઓ કહેતાં. જેનાથી બાળકોને મનોરંજન મળતું અને મને થોડા ઘણાં રૂપિયા, જેથી મારું ગુજરાન ચાલતું. ઘણી વખત કલાકો વાર્તા સંભળાવ્યા પછી પણ હાથમાં ફૂટી કોડી પણ મળતી નહીં,’
હરીશ નાયકે ન માત્ર ગુજરાતમાં પરંતુ જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ અમેરિકા ગયા ત્યારે ત્યાં પણ ગુજરાતી પરિવારોમાં બાળકોને વાર્તા સંભળાવતા. તેથી ત્યાં તો તેમનું નામ હરીશ નાયક ને બદલે ‘વાર્તાદાદા’ પડી ગયું હતું.
તેમની કારકિર્દી દરમિયાન તેમણે ખુબ લખ્યું. અને તેના પરિપાક રૂપે તેઓ સૌમાં આદર પામ્યા અને સન્માનિત પણ થયા. દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્ય પુરસ્કાર સહીત તેમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ તેમના જીવનની સૌથી મોટી મૂડી તો તેમના કારણે આવેલ અનેક બાળકોના ચહેરા પરનું હાસ્ય હતી. સમગ્ર જીવન બાળસાહિત્યને અર્પણ કરી દેનાર હરીશ નાયક વિશે ગુજરાતી ભાષાના અગ્રગણ્ય બાળ સાહિત્યકાર શ્રી યશવંત મહેતાએ તેમને અંજલિ આપતા કહ્યું કે, ‘તેઓએ જિંદગીભર સાહિત્યની સેવા કરી છે. સરકારી નોકરી છોડીને તેઓએ સાહિત્ય માટે પ્રદાન કર્યું હતું. ગુજરાત સમાચારનું ઝગમગ, શ્રીરંગ માટે પણ તેઓએ ખૂબ લખ્યું. તેઓએ પોતાના નામે ‘નાયક’ નામનું પણ બાળકો માટે સામયિક શરૂ કર્યું હતું. છેલ્લે સુધી પણ તેઓ હાસ્ય સર્જન કરતાં હતા. ટૂંકમાં, આજીવન સાહિત્યકાર અને પ્રમુખ રીતે બાળસાહિત્યકાર હતા. હું ઝગમગમાં જ્યારે સંપાદક હતો ત્યારે મેં અને તેઓએ મળીને ગુજરાતી બાળસાહિત્યમાં નવા ચીલા પાડ્યા. દાખલ તરીકે ગ્રીક સાહિત્યની કથા વગેરે લાવ્યા. કિશોર સાહસકથાઓ પણ અમે લાવ્યા.’
કારકિર્દીને બાજુમાં મુકીને બાળકોને વાર્તા કહેવાનું અપનાવનાર હરીશ નાયક ખરા અર્થમાં ‘નાયક’ હતા. એક ઉમદા માનવી, ઉત્તમ સર્જકની વિદાયે જલસો તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે.