શું સાહિત્યનું ભવિષ્ય જોખમમાં છે?
આધુનિક ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખિકાઓમાં મોખરે આવતું નામ એટલે દેવાંગી ભટ્ટ. તેમની ‘વાસાંસિ જીર્ણાનિ’, ‘સમાંતર’, ‘ધર્મો રક્ષતિ’, ‘પર્સેપ્શન’, ‘ત્વમેવ ભર્તા’, ‘એક હતી ગુંચા’, ‘અશેષ’ અને બીજી અનેક રચનાઓ વાચકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આધુનિક સમયને સાંકળતી અને ખૂબ જ નવીન તેમજ શ્રેષ્ઠ પાત્રોને ધરાવતી તેમની નવલકથાઓ ગુજરાતી ભાષામાં ઘણું ઉચ્ચ સ્થાન ધરાવે છે. નવલકથાઓ સિવાય નાટકો અને કવિતાઓમાં પણ તેમણે ખૂબ જ સુંદર સર્જન કર્યા છે. દેવાંગી બેન આમ તો ઈકોનોમીક્સ વિષયના પ્રધ્યાપક છે તેમજ વર્ષોથી તેઓ લેખનમાં ને સાથે સાથે નાટકો લખવા, ભજવવા અને સાહિત્ય સાથે જોડાયેલી અન્ય અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત છે. પ્રામાણિકતા અને નિખાલસતા તેમના લખાણ અને તેમની વાતોમાં સ્પષ્ટ અને સુંદર રીતે અનુભવી શકાય છે. જલસો સાથે થયેલા સંવાદમાં તેમણે તેમની નવલકથાઓ વિષે, ગુજરાતી સાહિત્યના વર્તમાન વિષે, નાટકો અને કવિતાઓ તેમજ અન્ય અનેક રસપ્રદ વિષયો ઉપર તેમણે વાત કરી છે.
ગુજરાતી ભાષાની વર્તમાન પરીસ્થિતિ
તેમના મતે ગુજરાતી સાહિત્ય આજે પણ જીવંત જ છે અને તે હંમેશા રહેશે. યુવાનોમાં સાહિત્યને વાંચવાનું, સમજવાનું ચલણ કદાચ સહેજ ઘટ્યું છે પરંતુ એક વર્ગ હજી પણ સાહિત્યને એટલો જ પ્રેમ કરે છે અને જ્યાં સુધી તે હાજર છે ત્યાં સુધી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાનું સાહિત્ય જીવંત જ રહેશે. તેમના મતે જો લખાણમાં એ ભાવ હોય અને જો સંપૂર્ણ કૃતિ પછી એ નવલકથા હોય કે નાટક કે પછી વાર્તાસંગ્રહ એ ઉત્કૃષ્ટ રીતે રચાઈ હોય તો વાચકો આજે પણ સાહિત્યને તેટલા જ ઉમળકાથી વધાવે છે.
દેવાંગી ભટ્ટ નિખાલસ રીતે તથ્ય જણાવતાં વાત કરે છે કે બહાર બેસીને માત્ર શિખામણો આપવી અને સાહિત્યમાં ભૂલો નીકાળવી એના કરતા જાતે કલમ ઉપાડીને લખવા માંડવું જોઈએ. કેટલી સત્ય વાત છે આમાં કે શિખામણ આપવી એ ખૂબ સરળ છે, માત્ર લેખનમાં નહીં પરંતુ જીવનના દરેક પ્રકરણમાં, કોઇપણ કાર્યમાં ભૂલ કાઢવી કે શિખામણ આપવી ખૂબ સરળ છે, ક્યાંક ચોક્કસથી જરૂરી પણ છે પરંતુ માત્ર ઓટલે બેસીને શિખામણ આપવી એના કરતા તે કામને હાથે ધરીને સ્વયં જ કોશિશ કરવી એ વધુ આદર્શ કહેવાશે. જો ગુજરાતી સાહિત્ય માટે વાત કરીએ તો ઘણા બધા લોકો માત્ર પ્રેક્ષક કે વિવેચક બની ને ગુજરાતી ભાષા આજે ક્ષય થઇ રહી છે અને ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય નથી તેમજ કોઈ ગુજરાતી સાહિત્યમાં સારું ખેડાણ નથી કરી રહ્યું તે રીતે તેમના મંતવ્યો આપે છે પરંતુ તે જ સંપૂર્ણ હકીકત નથી. ગુજરાતી સાહિત્ય આજે પણ જીવંત જ છે અને હંમેશા રહેશે, જરૂર છે સારા સાહિત્યકારોની.
લેખક અને કલાકારો શું સરળતાથી વ્યક્ત કરી શકે છે?
સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે લેખક હોય કે પછી કોઇપણ કલાકાર હોય તેમના માટે પોતાની વાતોને અને લાગણીઓને express કરવી સરળ હોય છે પરંતુ દેવાંગી બેન તે વાતને નકારતા ખૂબ સુંદર જવાબ આપે છે કે એ લોકો જ લેખક કે કલાકાર બને છે જેમના માટે વ્યક્ત થવું સરળ નથી હોતું. કેટલી સચોટ વાત છે કે જે લોકો માટે વ્યક્ત થવું સરળ નથી હોતું તેઓ આ રીતે કોઈના કોઈ માધ્યમ થકી પોતાને વ્યક્ત કરે છે. કલા સાથે સંકળાયેલા જેટલા પણ લોકો હોય છે જો આપણે ધ્યાનથી તેમનું અવલોકન કરીએ તો તેમના જીવનના અનુભવને જ તેઓ તેમની કલામાં ઢાળે છે. તે અનુભવ કોઇપણ ક્ષણે, કોઇપણ સ્થળે થતા હશે પરંતુ તેઓ સામન્ય વાતચીતમાં તેને નથી વ્યક્ત કરી શકતા અને પોતાની કલાસ્વરૂપે વ્યક્ત કરે છે.
દેવાંગી બેનની પુસ્તકોને વાંચીએ ત્યારે તેમાં આધુનિક સમય ઝળકાય છે. આજના સમયની મુશ્કેલીઓ, પરિસ્થિતિઓનું અદ્ભુત ચિત્રણ તેમાં જોઈ શકીએ છે. તેઓ માને છે કે સાહિત્યને પણ સમય સાથે આધુનિક બનવું જોઈએ. કોઈ વ્યક્તિત્ત્વ ઉપર લખવું કે પછી તેમની કૃતિઓ ઉપર લખવું એ પોતાનું સાહિત્ય ના કહેવાય. આજના સમયમાં સામન્ય રીતે બધાજ લોકો motivation થી ભરેલું, શીખ આપતું જ લખાણ લખવાની કોશિશ કરે છે, પરંતુ સાહિત્યમાં તો જીવનના દરેક રંગરૂપનો સમાવેશ થવો જોઈએ અને તે વાત તેમની નવલકથાઓ ઉપરથી ચોક્કસ રીતે અનુભવી શકીએ છે. તેમની નવલકથાના શીર્ષકો પણ ખૂબ જ unique હોય છે પછી એ “ધર્મોરક્ષતિ” હોય કે પછી “વાસાંસિ જીર્ણાનિ” કે પછી “ત્વમેવ ભર્તા” ને એમ તો અનેક નવલકથાના શીર્ષકો છે.
જલસો સાથે થયેલા આ સંવાદમાં દેવાંગી બેને આવી જ અનેક રસપ્રદ વાતો કરી છે. આધુનિક ગુજરાતી સાહિત્યને જો સમજવું હોય તો ચોક્કસથી આ પોડકાસ્ટને સાંભળો “Jalso Podcast” YouTube Channel પર.