અમદાવાદ એક એવું શહેર જેના નામમાં જ તેની કથા સમાયેલી છે. દરેક ભૂમિને પોતાનો ઈતિહાસ હોય છે. એ શહેરની માટીમાં કેટકેટલીય કથાઓ લખાય છે એમ જ અમદાવાદ શહેર એક બાદશાહ, ચાર અહમદ અને એક બાબાની દુરંદેશીની કહાની છે. કોઈ શહેરની ભૂમિ સ્પર્શો અને જો ધ્યાન ધારો તો એ તમને ચોક્કસ તેનો ઈતિહાસ બતાવશે. આ શહેર અમદાવાદ આ સ્થળએ કોઈ જમીનના ટુકડા પર વસેલાં મકાનો નથી. આ શહેરની પોતાની આત્મા છે, હૃદય છે. જે હ્રદય વસે છે અહીના જુના શહેરમાં. આ શહેર એ કોઈ પળમાં વસી ગયેલું શહેર નથી. તેથી પાછળ ઘણા લોકોના બલિદાન છે. તેના કોટની ઇંટેઇંટમાં એવા અજાણ્યાં નામો કોતરાયેલા પડ્યા છે, જે આ શહેરમાં હજુય પ્રાણ પૂરે છે, અમદાવાદ એ જીવતું જાગતું માણસ છે, જે ધબકે છે અહી વસનાર દરેક અમદાવાદીની નસનસમાં. જેમાં સહેજ વધારે વહાલ એવું વિસ્તાર એટલે જુનું શહેર. જુના શહેરને વોલ સીટી તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ તમને ખબર છે? આ શહેર બંધાવાનું શરુ થયું ત્યારે બાદશાહ અહમદે શહેરની ફરતે કોટ બંધાવાનું નક્કી કર્યું. જેથી શહેરની સલામતી સચવાઈ રહે. બહારથી કોઈ ભય રહે નહિ. અહમદશાહે કોટ બંધાવાનું શરુ કર્યું. કારીગરો અને મજુરો આખો દિવસ કામ કરતા દીવાલ ચણાતી. અહી એક અજાયબી જેવી ઘટના ઘટી. આખા દિવસમાં મજુરો કોટ ચણતાં જે પૂરી સાવચેતી સાથે ચણતો છતાંય રાત પડતાં તે દીવાલ જાણે તાશના પત્તાની દીવાલ હોય એમ ધસી પડતી. આવું ઘણાં દિવસ ચાલ્યું. એટલે ચિંતિત બાદશાહ અહમદે તેમના ફકીરો અને ઓલિયાઓને આવું કેમ થાય છે તેનું કારણ પુછવા પોતાની પાસે બોલાવ્યાં. ત્યારે તેમણે જણાવ્યું કે સાબરમતીના નદીના પરમાં બાબા માણેક નાથની મઢી આવેલી છે. આ ચમત્કાર તેમનો જ છે. તેઓ રોજ કોટનું બાંધકામ શરુ થાય ત્યારે એક ગોદડી લઈને તેને સીવવા બેસે છે. અને જેવું સાંજે કોટનું કામ બંધ થાય કે તરત જ પોતે લીધેલા ટાંકા ગોદડીમાંથી ખેંચી લે છે, જેવા ટાંકા ખેંચીને તૂટી જાય કોટની દીવાલ પણ તૂટી પડે છે.
આ સંભાળીને બાદશાહ તુરંત જ તેમની પાસે ગયા.તેમના ચમત્કારો વિષે પુછ્પુરછ કરી. બાબા માણેકનાથ એવું મનાય છે તેઓ પાણી ભરવાની ઝારીમાં પ્રવેશ કરીને બહાર આવી શકતાં. આ જોઇને બાદશાહ તેમને નમન કર્યા. એ પછી તેમને નક્કી કર્યું કે આ નગરનું નવું બાંધકામ અને કોટ નિર્માણ બાબાનાં માર્ગ દર્શન મુજબ જ થશે. ત્યારબાદ માણેકબાબાની સૂચના મુજબ હાલ એલીસબ્રીજ પાસેથી શહેરની સ્થાપનાની શરૂઆત થઇ. જ્યાં આજે પણ માણેક બુર્જ પોતાના ઈતિહાસને સાચવીને અડીખમ ઉભું છે. આ એ સ્થળ છે જ્યાં અમદાવાદના પાયા નંખાયા હતા. જે એવા તો શુભ સાબિત થયા કે આ શહેર દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યું છે. આ બુરજ, બહારની બાજુએ 53 ફુટ ઊંચો છે, જેની બાજુમાં 77 ફૂટ પરિઘની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે. સાબરમતી નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર દરમિયાન આ વાવ સૂકાઈ ગઈ હતી અને વર્ષ 1866માં તેને ભરવામાં આવી હતી. બુરજ નજીક એક પાણીની નહેર હતી, જે તે સમયમાં કિલ્લામાં શાહી સ્નાન માટે આ નહેરનું પાણી વપરાતું. વર્ષ 1869માં આ બુરજની નજીક સૌપ્રથમ એલિસ બ્રિજ, સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો. મૂળ લોખંડનો પુલ સાંકડો હોવાને કારણે ભારે વાહનો તેમ જ ગીચ ટ્રાફિક માટે યોગ્ય ન હોવાથી તે વર્ષ ૧૯૯૭માં વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાજુમાં વર્ષ 1999માં નવો સિમેન્ટ-કોંક્રિટ પુલ બાંધવામાં આવ્યો હતો.
કહેવાય છે કે બાબા માણેકનાથે સાબરમતીમાં જળસમાધી લીધી. તેમની સમાધિ હજુ પણ માણેકચોકમાં છે. તેમના નામથી માણેકચોક નામ અપાયું છે. તેમનું સમાધિ અને બુર્જ બંને પર સપરમા દિવસે તેમના વંશજો આવીને આજે પણ પૂજા કરીને ધજા ચડાવે છે. તેમની સમાધિ એ જાણે અમદાવાદની સમૃદ્ધિનું કેન્દ્ર છે. આ સ્થળ એ આ શહેરની લક્ષ્મીનું ઘર છે.
આમ કોટથી શરુ થયેલા અમદાવાદ આજે એટલું ફેલાયું છે કે કોઈ કોટ તેને બાંધી ના શકે પણ આ કોટ અને તેમાં વસેલું શહેર એ અસલ અમદાવાદ છે તે અહી આવો ત્યારે મહેસુસ થયા વગર રહેતું નથી. આ હવામાં હજુ પણ એ તૂટતા કોટની ખુશ્બુ છે અને બાબા માણેકનાથની દુઆઓ છે. નદીની રેતમાં રમતું આ નગરએ એની કુંડળીમાં જે બાદશાહી લખાવીને જન્મ્યું તેનું ફળ આજેય અહી વસનારને મળે છે. દુઆઓ અને દુરંદેશીની સરખી સરખી અસર નીચે મહાલાતું આ આપણું અમદાવાદ.