વૈશંપાયનના ઉપનામથી જેમણે ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર અને નિબંધકાર તરીકે ખ્યાતી મેળવી છે, તેવા સર્જક એટલે કરસનદામ નરસિંહ માણેક. તેમનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હતા. 1923માં કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા.
1939 સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેઈલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું. તેમ જ 1930 અને 1932માં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો. 1939થી જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી. મુંબઈમાં 1948થી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા. 1951 થી સારથિ સાપ્તાહિક અને પછી નચિકેતા માસિક શરૂ કર્યું.
તેઓ મુખ્યત્વે કવિ હતા. જો કે તેમણે વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સ્વરૂપોમાં પણ સર્જન કર્યું છે. સોનેટ, અંજની ગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી અને ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વૈશંપાયનની વાણીના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે જન્મભૂમિમાં પ્રગટ થતાં હતાં, ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. કરસનદાસ માણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે.
તેમનું અવસાન 18 જાન્યુઆરી 1978ના રોજ વડોદરામાં થયું હતું.
તેઓ લખે છે કે,
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !