ઉત્સવપ્રિયા ખલુ જના: |
ઋતુ પરિવર્તનનાં વધામણા કરવાનો નિશ્ચિત દિવસ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યા છે.તેનું ઉત્તમ ઉદાહરણ વસંતપંચમી છે. તેથી મહાસુદ પાંચમનાં દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે.
આપણને ઉત્સવ ઉજવવા અત્યંત પ્રિય છે. ઉત્સવોમાં રચ્યા- પચ્યા રહેવાની માનવજાતની વિશેષતા છે. એટલે વર્ષો જૂની સંસ્કૃતની આ ઉક્તિ દરેક કાળમાં અકબંધ છે.જીવનમાં ઉમંગ વગર કોઈ રંગ આકારાન્વિત થતો નથી. વસંત પંચમીનાં દિવસે વસંત ઋતુનો આરંભ થાય છે. આ સાથે વસંત પંચમી માતા સરસ્વતીના આરાધનનો દિવસ તરકે ઉજવાય છે. તેથી વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે. એક બાજુ નવી ઋતુ અને એ નવી ઋતુનો આરંભ દેવી સરસ્વતીનાં પૂજનથી કરવામાં આવે છે.
આપણો દરેક ઉત્સવ કે ઓચ્છવ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આ વાતનું પ્રમાણ ઋતુઓ પ્રમાણે આવતા તહેવાર કે પર્વ દર્શાવે છે. કવિ કાલિદાસે પણ આ ઉક્તિ તેમના નાટકમાં વસંત ઋતુનાં વધામણા કરવામાં મશગૂલ લોકોને જોઇને લખી છે.
માનવજાત એક એવી છે જેને ઈશ્વરે વ્યક્ત થવા માટે અનેક વિદ્યાઓ આપી છે. કાળનાં ચક્રમાં કલા એ સૃષ્ટિને જીવંત રાખે છે. સંસ્કૃતિનું જતન અને પોષણ આપણા ઉત્સવો કરે છે એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી.
આપણે શાળામાં ઋતુ ચક્ર ભણી ગયા. આપણા દેશની આબોહવાને આધારે મુખ્ય ત્રણ ઋતુઓ છે. તેની પેટા છ ઋતુઓ કારતકથી લઈને આસો એમ બાર મહિનામાં વિભાજીત છે.
જેમ કે હેમંત અને શિશિર ઋતુ કારતક, માગશર, પોષ અને મહા આ ચાર મહિના ચાલે છે. શિયાળો થઈને ઠંડી અને કુણા તડકાનો અનુભવ કરાવે છે.
વસંત અને ગ્રીષ્મ ઋતુ ફાગણ,ચૈત્ર, વૈશાખ અને જેઠ આ ચાર મહિના ચાલે છે. આંબાની મીઠી કેરી, ખાટી દ્રાક્ષ જેવા મધુર ફળોની સમય એટલે ઉનાળો.
વર્ષા અને શરદ ઋતુ અષાઢ ,શ્રાવણ, ભાદરવો આસો ચાર તહેવારોથી છલોછલ ભરેલો આવે છે. આ છ ઋતુઓમાં વર્ષા ઋતુને ઋતુઓની રાણી અને વસંતને ઋતુરાજ કહેવામાં આવ્યો છે.
વસંત પંચમીનો દિવસ હિંદુઓનો એક મુખ્ય તહેવાર છે. વસંત પંચમી દેવી સરસ્વતીને સમર્પિત દિવસ છે. વસંત પંચમીનાં દિવસને દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિન માનવામાં આવ્યો છે.
કથા પ્રમાણે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું પણ તેમાં શુષ્કતા હતી. રસ લાવવા માટે તેમણે પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો.એ સમયે કમળમાંથી એક શક્તિ ઉત્પન્ન થયા. આ શક્તિ એટલે મહા શક્તિ સરસ્વતી.
ત્રિદેવીમાંથી એક મહાદેવી એટલે સરસ્વતી દેવી. ભગવાન બ્રહ્મા સાથે બિરાજેલા દેવી સરસ્વતીનું પૂજન અને આરાધન મહા સુદ પાંચમનાં દિવસે કરવામાં આવે છે. વસંત પંચમીનાં દિવસને કોઈ પણ નવા કાર્યની શરુઆત માટે શુભ માનવામાં આવ્યો છે.
વિદ્યાનાં દેવી સરસ્વતીનાં અનેક નામ છે. સંસ્કૃતમાં સરસ્વતી દેવીનાં નામ, ગુણગાન કરતા ઘણા સ્તોત્ર મળે છે.
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
દેવી સરસ્વતીને સમર્પિત આ શ્લોક ખૂબ પ્રસિદ્ધ છે. આ સરસ્વતી સ્તોત્રનો શ્લોક છે. સંપૂર્ણ સ્તોત્ર આપ જલસો પર સાંભળી શકો છો. તો અન્ય એક સ્તાતોત્રમાં દેવી સરસ્વતીનાં જુદા જુદા નામ વર્ણવામાં આવ્યા છે.
પ્રથમ ભારતી નામ દ્વિતીયં ચ સરસ્વતી |
તૃતીયં શારદા દેવી ચતુર્થમં હંસવાહિની ||
આ દિવસ ખાસ વિદ્યાનાં ઉપાસકોનો છે. કલા અને સંગીત વિદ્યાનું દરેક આર્ટફોર્મ શીખવા સરસ્વતીની કૃપા મેળવવા આજે તેમનું પૂજન કરવામાં આવે છે.
શારદા દેવીનું રુપ સૌમ્ય છે. સરસ્વતી પોતે શ્વેતાંબર ધારણ કરે છે. સફેદ પદ્માસન પર બિરાજે છે. હાથમાં વીણા વાદ્ય ધારણ કરે છે. બીજા હાથમાં પુસ્તક ધારણ કરે છે. જ્ઞાન અને કલાના દેવી છે.
વસંત પંચમી ઉજવવામાં આવે તે દિવસે ખાસ પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. પીળો રંગ સમૃદ્ધી, ઉત્સાહ, ખુશી, સ્ફૂર્તિ, આત્મ વિશ્વાસ વર્ધક માનવામાં આવ્યો છે. તેથી વસંત પંચમીનાં દિવસે સરસ્વતીને ખાસ પીળા ચોખાનો પ્રસાદ ધરવવામાં આવે છે.
વસંતની ઉજવણી સાથોસાથ કોઈ પણ શુભ કાર્યની શરુઆત આજનાં દિવસે કરી શકાય છે. નવ ચેતન માત્ર વૃક્ષમાં નહી પ્રકૃતિનાં બધા જ તત્વો આવે છે.
વસંતનો મહિમા આપણા શાસ્ત્રોએ ગાયો છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને સંબોધતા કહે છે કે,
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥ ३५ ॥
અધ્યાય ૧૦ , શ્લોક ૩૫
અર્થાત્ સામવેદનાં મંત્રોમાં હું બૃહત્સામ છુ, સર્વ છંદોમાં હું ગાયત્રી છુ મહિનાઓમાં હું માર્ગશિર્ષ છુ અને ઋતુનાંમ કુસુમાકર અર્થાત્ ઋતુઓમાં વસંત ઋતુ હું છુ.
ભગવાન કૃષ્વણ વસંત ઋતુને પોતાની વિભૂતિ ગણાવે છે.કૃષ્ણભક્તો અને આરાધકો માટે વસંત ઋતુ કૃષ્ણની સેવા અને પૂજાના વિશેષ દિવસો થઇ પડે છે. મંદિરોમાં ભગવાનનો નિત નૂતન શૃંગાર કરવામાં આવે છે.દ્વારકામાં ભગવાન કૃષ્ણને વસંત ઋતુમાં ચંદન અને ફૂલોથી શણગારવામાં આવે છે.
વિદ્યા પ્રદાતા દેવી શારદાનાં પ્રાકટ્ય દિન નિમિત્તે સાહિત્ય, કલા,સંગીત, વાણીનાં ઉપાસક કવિ, લેખકો અને સૌને વસંત પંચમીની મંગલકારી શુભકામના.