રાસ રમવાનો તહેવાર એટલે નવરાત્રી એટલે કે નવ રાતોનો સમૂહ. અને ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટો ગણાતો તહેવાર. નવરાત્રી આસો સુદ એકમથી લઈને આસો સુદ નોમ સુધી ચાલે છે. પણ આપણે ત્યાં આ નવ દિવસ પછી આવતી આસો સુદ પૂર્ણિમાનો ખુબ મહિમા છે. જે પૂર્ણિમા ‘શરદ પૂર્ણિમા’ તરીકે ઓળખાય છે. આમ તો આપણે ત્યાં મુખ્ય ત્રણ ઋતુ છે, પણ ભારતમાં વાતાવરણ પ્રમાણે છ ઋતુઓ અનુભવાય છે. જે છે વસંત, શિશિર, હેમંત, પાનખર, વર્ષા, શરદ અને ગ્રીષ્મ. આસો મહિનાની પૂર્ણિમા એ શરદ ઋતુનું આગમન ગણવામાં આવે છે. શરદ ઋતુ પોતાની સાથે ફૂલ ગુલાબી ઠંડી લઈને આવે છે. નવી ઋતુ લઈને આવે છે. ગુજરાતમાં શરદ પૂર્ણિમાના દિવસે પણ ગરબા રમવામા આવે છે. શરદ પૂર્ણિમાએ રમતા ગરબા એ નવરાત્રીનો અંત ગણો કે પછી શરદ ઋતુ શરુ થવાનો આનંદ, લોકોને મન બધું એક જ છે.
ભાગવત પુરાણમાં આવતી કથા પ્રમાણે ભગવન કૃષ્ણએ ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રી એ મહારાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણની આ અદ્ભુત લીલાને ગુજરાતી સાહિત્યમાં ખુબ સુંદર રાસ અને ગરબો સાથે વર્ણવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં શરદ પૂર્ણિમાને ઘણા કવિઓએ શબ્દ રત્નોથી વખાણી છે અને ખુબ જ સુંદર ગીતો, રાસ અને ગરબા રચ્યા છે.
જેમના કેટલા એવા રાસ-ગરબાની વાત કરવી છે જે વર્ષોથી લોક હૈયે વસ્યા છે. જે પેઢીઓથી ગવાતા આવ્યા છે અને એ રચનાઓ માટેની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો આવ્યો નથી.
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં….
આ રાસમાં પૂર્ણિમાના ચંદ્રને જોઇને ગોપીના મનમા જે ભાવ પ્રગટ થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સોળે કળાએ ખીલેલો ચંદ્ર જોઇને ગોપીનું તન-મન નાચવા લાગે છે અને તે ચંદ્રમાનાં કિરણો આખા આકાશમાં રેલાય રહ્યા છે. આ રાસ એ રાસમાંથી છે જે રાસ વર્ષોથી લોકોને લોકપ્રિય રહ્યો છે.
આ સિવાય પણ એ રાસ છે જે જેમાં ગોપીઓ વનમાં શ્રી કૃષ્ણની રાહ જોઈ રહી છે. અને એમને નીરખી રહી છે કે,
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે…
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની…
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ…
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
ગુજરાતી સાહિત્યમાં રાસ અને રસડા એમ બે અલગ અલગ નૃત્ય છે. રાસડા લોક નૃત્ય જેને તળપદી ભાષામાં ‘રહડા’ કહેવાય છે અને રાસડા રમતી વખતે ગવાતા ગરબાને પણ રાસડા કહેવાય છે. જેમનો એક ખુબ પ્રસ્સિધ રાસડો છે,
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા.
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…
આ રાસડો એક સુંદર પ્રેમ કથા છે. અરજણ આ વાર્તાનો નાયક છે. એ તેની પત્નીને વચન આપીને વ્યાપાર કરવા ગયો હતો કે એ શરદ પૂનમની રાત્રે એ પાછો આવી જશે. પણ જયારે એ નથી આવતો ત્યારે નાયિકા આ ગીત ગાય છે કે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, અને હવે હાલર દેશમાં હરણ્યુ એટલે કે સુરજ પણ આથમી ગયો છે તું ક્યારે આવીશ?…
આપણી ભાષા અને આપણા લોક સાહિત્યની આ જ મજા છે. વ્યક્તિ પોતાની લાગણીઓ કેટલી સહજતાથી લોકો સુધી પહોચાડી શકે છે. આપનું સાહિત્ય અને આપણું સંગીત આપણા તહેવારો અને ઉત્સવોને પોતાના શબ્દો થકી ઉજ્જવળ રાખે છે. આપણો સાહિતિક ખજાનો માત્ર બે ચાર રચનાઓ પુરતો સીમિત નથી. આ સમુદ્રમાંથી લીધેલું એકાદ ટીપું છે. જે અમે આપના સુધી પહોચાડ્યું છે. આપને આ બ્લોગ કેવો લાગ્યો એનો અભિપ્રાય ચોક્કસથી આપશો.