રામાયણ, આ ભારતીય મહાકાવ્ય દરેક ભારતીયના હ્રદયમાં બિરાજે છે. આજના આ રામમય થવાના સમયમાં સમગ્ર દેશ રામ નામનો જાપ કરી રહ્યો છે. આપણા આ ભારત દેશમાં રામ એ નામ મટીને શ્રદ્ધા, આસ્થા, ભક્તિ અને સમપર્ણનું પ્રતિક છે. એ નામની કથા એટલે રામાયણ. મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ અને સંત તુલસીદાસજી દ્વારા રચિત ‘રામચરિત માનસ’ દ્વારા શ્રી રામનું ચરિત્ર દેશ દુનિયાએ જાણ્યું છે. એ સિવાય પણ ભારત અને દુનિયાભરમાં રામાયણના અલગ અલગ કથાનક પ્રચલિત છે. જલસોએ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ, સંત તુલસીદાસજી દ્વારા રચિત ‘રામચરિત માનસ’ અને લોકકથાઓમાં પ્રચલિત રામાયણની કથાઓનો આધાર લઈને ‘સંપૂર્ણ રામાયણ’ રજુ કરી છે. જલસો મ્યુઝીક અને પોડકાસ્ટ એપ પર આ ‘સંપૂર્ણ રામાયણ’ ગુજરાતના પ્રખ્યાત લેખક રામ મોરીએ પોતાના અલગ અંદાજમાં રજુ કરી છે. તથા રામસભા નામના પોડકાસ્ટમાં રામાયણની કેટલીક અજાણી વાતો કરવામાં આવી છે.
રામ મોરી જયારે કોઈ વાત કરતા હોય ત્યારે એમાં અનેક સંદર્ભો આવે જ. રામાયણ એટલો મોટો ગ્રન્થ છે કે એની પેટાકથાઓ પણ અનેક છે. જલસોની ‘સંપૂર્ણ રામાયણ’માં રામ મોરીએ તેમાંની અનેક કથાઓને આ રામાયણમાં આવરી લીધી છે. પરંતુ આ બ્લોગમાં રજુ કરવી છે રામાયણની એવી કથાઓ જે કદાચ પ્રમાણમાં ઓછી જાણીતી છે, છતાં રામાયણમાં તેનું મહત્વ અનેરું છે. આ કથાઓ જાણવાથી રામાયણની અમુક જાણીતી કથાઓના સંદર્ભો મળશે, એ ઘટના પાછળના કારણો મળશે. એ કથાઓમાં શુર્ણપંખાની કથા બધાને ખબર હશે પણ એ કથા પાછળનો સંદર્ભ કદાચ ખ્યાલ નહીં હોય. એવી જ રીતે સુગ્રીવ, વાલી, રાવણનો શ્રાપ અને કાકભુશંડી જેવી અનેક કથાઓ છે જેનું મહત્વ અનેરું છે પણ રામાયણની કથા જેટલી પ્રચલિત નથી થઇ. એ વાતો અહીં વાંચો.
રામાયણની અજાણી વાતોમાં જેની સૌથી વધુ ચર્ચા થતી હોય એવી કથા એટલે કાકભુશંડીની કથા.
કહેવાય છે કે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે તમે ભગવાન રામની કથા બધા લોકોને કહો છો, પરંતુ મને ક્યારેય એ સંપૂર્ણ કથા સાંભળવાની તક નથી મળી. મને એ સંપૂર્ણ કથા કહો. તેથી ભગવાન શિવે સાવ શાંત અને નિર્જન જગ્યાએ માતા પાર્વતીને પ્રભુશ્રી રામની કથા માતા પાર્વતીને સંભળાવી. પરંતુ એ સમયે એમને ખ્યાલ ન હતો કે આ કથા સંભાળવતા સમયે ત્યાં એક કાગડો બેઠો હતો જેણે આ આખી કથા સાંભળી. એ કાગડાએ આખી કથા સાંભળી હોવાથી ભગવાન શિવે તેને આદેશ આપ્યો કે તે આ સંપૂર્ણ કથા સાંભળી હોવાથી હવે તું આ કથાનો પ્રચાર પ્રસાર કરીશ અને લોકોને આ કથા કહીશ. એ પછી આ કાગડો રામકથાનો પ્રચાર કરવા લાગ્યો. અને એ કાગડાનું નામ તે કાકભુશંડી.
તેઓ ભગવાન રામની કથા કહેતા હોવાથી તેમને એવું વરદાન મળ્યું કે તેઓ અયોધ્યામાં જન્મ લેશે. ત્યાં પણ તેઓ રામકથા કહેતા. એક જન્મમાં તેઓ શિવ ભક્ત બન્યા ને વિષ્ણુના વિરોધી બન્યા. એમાં એકવાર તેમને શિવ પૂજા કરતા કરતા ભગવાન વિષ્ણુની નિંદા કરી. તેથી શિવે તેમને શ્રાપ આપ્યો કે તે 1000 અધમ યોનીમાં જન્મ લેશે. આ શ્રાપ સાંભળી તેઓએ શિવને પ્રાર્થના કરી કે આટલો મોટો શ્રાપ ન આપો, એક ઋષિએ પણ શિવને પ્રાર્થના કરી. શિવે કહ્યું કે તેમનો શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ તેમના દરેક જન્મમાં તેમનું મૃત્યુ પીડાદાયક નહીં હોય. અને તેમને તેમના દરેક જન્મ યાદ રહેશે. હવે આ કાકભુશંડી તેમના દરેક જન્મમાં રામકથા કહેતા. એવું કહેવાય છે જયારે તેઓ રામકથા કહેતા ત્યારે સ્વયં ભગવાન શિવ એ કથા સાંભળવા ત્યાં હાજર હોય. કહેવાય છે કે ભગવાન રામ જયારે બાળ સ્વરૂપમાં હતા ત્યારે કાકભુશંડીએ તેમના મુખમાંથી સમગ્ર બ્રહ્માંડના દર્શન કર્યા હતા. કાકભુશંડી વિશેની ઘણી કથાઓ છે, જે જલસોના ‘રામસભા’ નામના પોડકાસ્ટમાં વિસ્તૃત રીતે કહેવામાં આવી છે.
રામ અને સુગ્રીવની કથા આમ તો બહુ જાણીતી છે. પરંતુ અહીં એનું કથાનક થોડું અલગ છે. ભગવાન રામ જયારે સીતા માતાને શોધી રહ્યા હતા ત્યારે તેઓ સુગ્રીવને મળ્યા હતા. સુગ્રીવ એ રાજા હતા, જે તેમના ભાઈ વાલીના કારણે પદભ્રષ્ટ થયા. અને તેમના પત્નીનું વાલીએ હરણ કરીને તેમની પાસે રાખીને તેમને ભોગવી રહ્યા હતા. જયારે રામના પત્ની સીતાજીને રાવણ હરી ગયો હતા. આમ બંને સમદુખિયા ભેગા થયા હતા. સુગ્રીવ અને વાલી વચ્ચેની દુશ્મનાવટની શરૂઆત એ રીતે થયેલી કે એક સમયે તેમના રાજ્યમાં એક રાક્ષસ આવ્યો હતો. એ રાક્ષસને મારવા બંને ભાઈ ગયા ત્યારે એ ગુફામાં જતો રહ્યો. તેથી વાલીએ એવું કહ્યું કે, સુગ્રીવ, તું બહાર ઉભો રહેજે હું રાક્ષસને મારીને બહાર આવું છે. ઘણો સમય થઇ ગયો પણ કોઈ બહાર આવ્યું નહિ. થોડીવાર પછી એક ચીસ સંભળાય અને રક્તનો એક રેલો બહાર આવ્યો. તેથી સુગ્રીવને એવું લાગ્યું કે મારા ભાઈ વાલીનું મૃત્યુ થયું છે, તેથી તેમણે ગુફાનું મોઢું બંધ કરી દીધું જેથી રાક્ષસ બહાર આવીને પ્રજાને હેરાન ન કરે.
તેઓ પોતાના રાજ્યમાં પાછા આવ્યા ત્યારે મંત્રીઓએ સુગ્રીવને રાજા બનાવ્યા અને એ સમયની પરંપરા મુજબ વાલીના મૃત્યુ બાદ તેમના પત્ની સાથે સુગ્રીવના લગ્ન થયા. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે થોડા સમય પછી વાલી પાછા આવ્યા. બધા હર્ષભેર તેમનું સ્વાગત કરે છે. સુગ્રીવે તેમના રાજ્ય પાછુ આપવાનું જણાવ્યું. પરંતુ વાલીને એમ હતું કે સુગ્રીવે મારી સાથે ખોટું કર્યું. તેમણે સુગ્રીવને મારીને રાજ્યમાંથી બહાર કાઢ્યા ને તેમની પત્નીને પોતાની પત્ની બનાવ્યા.
આ કથામાં આમ જોવા જઈએ તો સુગ્રીવની ભૂલ હતી એ ચોક્કસ છે. પરંતુ તેની એ ભૂલ ક્ષમાપાત્ર એટલા માટે છે કેમ કે એણે પોતાની પ્રજાને બચાવવા માટેના પગલા રૂપે એ ભૂલ કરી હતી. જયારે વાલીએ બદલાની ભાવનાથી સુગ્રીવ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. તેથી પ્રભુ રામ સુગ્રીવની સાથે રહીને તેને ન્યાય અપાવે છે. આની એક બીજી કથા પણ છે. એ સિવાય રામાયણની અજાણી વાતો જલસોના નવા પોડકાસ્ટ ‘રામસભા’માં વિસ્તૃત રીતે કહેવામાં આવી છે.