For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

મૃત્યુને ચાહનાર ગઝલકાર ‘બેફામ’

મૃત્યુને ચાહનાર ગઝલકાર 'બેફામ'

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું

એ સત્ય હો તો જાઓ, તમારોય ત્યાગ છે.

આ આલા દરજ્જાના શેરના શાયરનું નામ કોઈથી અજાણ નથી. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકારોમાંના એક એવા જનાબ બરકતઅલી ગુલાબહુસેન વિરાણી એટલે કે બેફામ વિશે વાત કરતા સુરેશ દલાલ લખે છે કે,

”પ્રેમની ઉન્મત દશામાં વસ્ત્રોને ફાડતો અને ‘ઝીની ઝીનીઈ બીની ચંદરિયા’ ગાતો અને વણતો કબીર મારામાં અડખેપડખે છે એમ કહેવાની પ્રેમની આધ્યાત્મિકતા અને પ્રેમ, બંને કેટલી આસાનીથી બેફામ પ્રગટ કરી શક્યાં છે.” બેફામની ગઝલમાં યુવાનોની ઊર્મિ બહુ સુંદર રીતે અભિવ્યક્ત થયેલી જોવા મળે છે.

ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં હંમેશને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બેફામ સાહેબ. કલાનગરી ભાવનગરમાં તેમનો જન્મ. એ ભાવનગર, જેના વિશે એવું કહેવાય છે કે ‘ત્યાં ચોકમાં ઉભા રહીને પથ્થર ફેંકો તો કોઈ કલાકારના ઘર પર જ પડે’, આવા શહેરમાં જન્મેલા બેફામને સંગીત અને સાહિત્યનો વારસો તેમની માતૃભૂમિમાંથી જ મળ્યો હતો. છઠ્ઠા ધોરણમા તો તેમણે પોતાની પહેલી ગઝલ લખી હતી. ભાવનગરના ગઝલકારોના ગઝલગુરુ કિસ્મત કુરેશીએ બેફામનો હાથ પકડતા તેમની ગઝલો ઔર નીખરી. કિસ્મત કુરેશી પાસેથી તેમણે ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું. ઈચ્છા તો વધુ ભણવાની હતી પરંતુ 1942ની હિંદ છોડો ચળવળમાં ભાગ લઈને અભ્યાસ મુક્યો અને જેલવાસ ભોગવ્યો. એ દરમિયાન 1945માં  શાયર સમ્રાટ કવિ શયદા બેફામથી પ્રભાવિત થઈને તેમને મુંબઈ લઇ ગયા. મુંબઈમાં તે સમયના લોકપ્રિય સામયિક ‘બે ઘડીમાં મોજ’ અને ‘વતન’માં બેફામે કામ કર્યું.

બેફામનો જ એક શેર તેમના જીવન માટે બરોબર સેટ થતો હતો.

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;

ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સાવ સામાન્ય પરિવારમાંથી આવતા બેફામના જીવનમાં સફળતાઓ લેખાઈ રહી હતી. ધીરે ધીરે તેઓ મુશાયરાઓમાં દેખા દેવા લાગ્યા. મુંબઈમાં મરીઝ, શૂન્ય, સૈફ અને શયદા એ મુશાયરાના મહારથીઓ હતા. તેમાં બેફામ પણ તેમની સાથે મુશાયરામાં કવિતાઓ વાંચવા લાગ્યા. ધીરે ધીરે મુશાયરામાં તરન્નુમમાં શાયરી રજુ કરતા બેફામ સૌના પ્રિય થઇ ગયા. આ નામની જાહેરાત થતાં જ શ્રોતાગણોના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ ઉભરી આવતો અને એના નામની ચેતનવંતી અસર અનાયાસે હાથોના પંજાને તાળીઓથી વધાવવા મજબૂર કરી દેતી. રેડિયોનો ચાહક વર્ગ આજે પણ તેમના અવાજથી પરિચિત હશે.

રેડિયો સ્ટેશનમાં નોકરી મળવા પાછળ પણ બેફામની ગઝલ અને એનો જાદુઇ અવાજ કારણભૂત છે. મુશાયરામાં બેફામ સાહેબના અવાજથી પ્રભાવિત થઈને સ્ટેશન ડિરેકટર શ્રી બુખારી સાહેબે તેમને રેડિયોમાં નોકરીએ રાખી લીધા.

આકાશવાણીમાં તેમણે સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકે જવાબદારી સંભાળી. સાથોસાથ તેમનું સાહિત્ય સર્જન પણ ચાલુ રહ્યું. તેઓ ગઝલકાર ઉપરાંત વાર્તાકાર પણ હતા.  તેમના ગઝલસંગ્રહ ‘માનસર’, ’ઘટા’, ‘પ્યાસ’ અને છેલ્લો સંગ્રહ ‘પરબ’ની એકથી વધુ આવૃતિઓ થઇ છે. તેમની ટૂંકી વાર્તાના સંગ્રહ આગ અને અજવાળા અને જીવતા સૂર તથા નવલકથા રંગસુગંધ ભાગ 1-2  પણ વાંચકોમાં ખાસ્સી લોકપ્રિય થઇ હતી. ગુજરાતી ગઝલોમાં અત્યંત સરળતા સાથે ઉત્તમ રીતે દર્દને અભિવ્યક્ત કરતા શાયર તરીકે ‘બેફામ’ બહુ ઉચ્ચ કક્ષાના કવિ ગણાય છે. અને તેઓ ગઝલના મકતામાં મૃત્યુ અંગેનો શેર મૂકીને જીવનની ફિલસૂફી બહુ સરળતાથી રજૂ કરી દેતા હતા.

બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

તેમનો આ શેર તો ગુજરાત સાહિત્યના સર્વોત્તમ શેરમાં સ્થાન પામે છે. એક ગઝલકાર તરીકે બેફામની સફળતાનું રહસ્ય એ છે કે તેમણે જીવનમા થતાં સારામાઠા અનૂભવો અને ઘટનાઓનો ખુશીથી સ્વીકાર કર્યો છે. આ ઘટનાઓને અને પ્રંસગોને આબાદ રીતે કાવ્યમાં ઉતાર્યા છે. તેમના જ શબ્દોમાં,

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો

ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે

તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે

અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

બેફામ સાહેબની કેટલીક શ્રેષ્ઠ રચનાઓ સાંભળવા માટે જલસો પર અહી ક્લિક કરો.

વ્યથા અને પીડાનો જાણે ખૂશીનો ઉત્સવ હોય એ રીતે બેફામે પોતાની ગઝલોમાં ઉતાર્યો છે.

જુઓ ‘બેફામ’આ મારું મરણ કેવું નિખાલસ છે?

બધાની આંખ સામે જ હું સંતાય જાંઉ છું.

મરણ વિશેના સર્વશ્રેષ્ઠ શેર રચનાર આ શાયર ઉચ્ચ કક્ષાના ગીતકાર પણ હતા. 1949માં આવેલી મંગળફેરા અને ગોરખધંધા નામની ફિલ્મમાં તેમણે અભિનય પણ કર્યો હતો. ગીતકાર તરીકે તેમણે ઘણીબધી ફિલ્મોના ગીતો લખ્યા હતા. જેમાં જાલમસંગ જાડેજા ફિલ્મનું ‘એકલા જ આવ્યા મનવા એકલા જવાના’ ગીત તો આજે ભજન તરીકે ગવાય છે.

‘નયનને બંધ રાખીને’, ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’, ‘મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ’ જેવા તેમણે લખેલા ગીતો આજે પણ લોકોના હૈયે વસેલા છે.

બેફામની ગઝલોને દુનિયાભરના સંગીતપ્રેમી સુધી પહોંચાડનાર મનહર ઉધાસ બેફામ વિશે વાત કરતાં કહે છે, “એમનું તખલ્લુસ ભલે ‘બેફામ’ હતું પણ તેઓ બહુ જ નરમ, સૌમ્ય અને સરળ હતા. થાય સરખામણી તો ઊતરતા છીએ… એમનો આ શેર એમના વ્યક્તિત્વને જ અનુરૂપ હતો. ઑલ ઈન્ડિયા રેડિયો પર ઘણો સમય કામ કર્યું. ત્યાં થોડા કડવા અનુભવો પણ થયા. પરંતુ, સ્વભાવે અજાતશત્રુ હતા.”

છતાં તેમણે લખ્યું કે,

‘હું મારા શત્રુના હાથે ફેકાઈ ગયેલો માણસ છું,

ને હું મારા શત્રુના હાથે ઝડપાઈ ગયેલો માણસ છું…’

અને પોતાની ગઝલોમાં મૃત્યુનું અદ્ભુત નિરૂપણ કરનાર આ શાયર જયારે મુંબઈમાં અવસાન પામ્યા ત્યારે જાણે ગુજરાતી ગઝલનો તખતો સૂનો થઇ ગયો. પણ એમની એક ગઝલના શેરમાં કહેતા ગયા છે:

“આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,

એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

તેમની આ ગઝલ અતિશય જાણીતી છે. થાય સરખામણી તો ઉતરતા છીએ થાય સરખામણી તો ઉતરતાં છીએ, તેમના જ અવાજમાં સાંભળવા અહી ક્લિક કરો.

તે છતાં આબરૂને દીપાવી દીધી.

એમના મહેલને રોશની આપવા,

ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

 

ઘોર અંધાર છે આખી અવની ઉપર,

તો જરા દોષ એમાં અમારો ય છે.

એક તો કંઇ સીતારા જ ન હોતા ઊગ્યા,

ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

 

બીક એક જ બધાને હતી કે અમે,

ક્યાંક પહોંચી ન જઇએ બુંલદી ઉપર,

કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી,

કોઇએ જાળ પંથે બિછાવી દીધી.

 

કોઇ અમને નડ્યા તો ઉભા રહી ગયા,

પણ ઉભા રહી અમે કોઇને ના નડ્યા,

ખુદ અમે તો ન પહોચીં શક્યા મંઝિલે,

વાટ કિન્તુ બીજાને બતાવી દીધી.

 

જોઇને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,

અમને આવી ગઇ કંઇ દયા એટલી,

કે નદીઓ હતી જેટલી અંતરે

આંખ વાટે બધીયે વહાવી દીધી.

 

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,

જિંદગીમાં અસર એક તનહાઇની,

કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?

એને આખી કહાની સુણાવી દીધી.

 

દિલ જવા તો દીધું કોઇના હાથમાં,

દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઇ,

સાચવી રાખવાની જે વસ્તુ હતી,

એ જ વસ્તુ એમ તો લૂંટાવી દીધી.

 

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,

એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,

જાત મારી ભલેને તરાવી નહીં.

લાશ મારી પરંતુ તરાવી દીધી.

ગુજરાતી ગઝલનું એક શિખર એવા બેફામ સાહેબની અનેક રચનાઓ જલસો પર છે, તેનું અમને ગૌરવ છે.

 

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz