ભીખુદાનભાઈ ગઢવી એ ગુજરાતી લોકસાહિત્યનું એક સીમાસ્થંભ રૂપી નામ છે. છેલ્લા 6 દાયકાથી લોકડાયરાઓમાં ગુજરાતીનું લોકસાહિત્ય પીરસતા ભીખુદાન ગઢવી એ પોતાની એક આગવી શૈલી વિકસાવી છે. ભીખુદાન ગઢવી ગુર્જર ભૂમિનું એવું નામ છે, જેમના નામ વગર લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, લોકગીતો, દુહા છંદ કે પછી લોકવાર્તા અધુરી રહે. ભીખુદાન ગઢવી ન માત્ર કલાકાર પરંતુ ગુજરાતનાં ગામડાંઓની લોકસંસ્કૃતિને ઝળહળતી રાખનાર મશાલચી છે.
તેઓ વીરરસ, હાસ્યરસ, શૃંગાર રસ અને કરુણ રસનો એવો તે સુભગ સમન્વય છે કે શ્રોતાઓ થોડીવાર માટે સ્થળ કાળનું ભાન ભૂલીને તેમને સાંભળવામાં તલ્લીન થઇ જાય છે. દુલાભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને આત્મસાત કરનાર આ કલાકાર ખરા અર્થમાં લોકોના પ્રિય છે. તેમને સાંભળનાર તેમનામાં એકમેક થઈ જાય છે અને એમનાં દ્વારા કહેવાયેલ જે તે ઘટનાને આંખો સમક્ષ પ્રસ્તુત થયેલી અનુભવે છે. લોકસાહિત્યની વ્યાખ્યા કરતા તેમણે કહેલું કે
‘લોકસાહિત્ય એટલે લોકોનું હિત જેમાં હોય એને લોકસાહિત્ય કહેવાય.’ અને આ વ્યાખ્યાને ચરિતાર્થ કરતા તેમણે 6 દાયકા સ્ટેજ પર વિતાવ્યા અને પિતાની પેલી શિખામણ કે, ‘તમે બોલી ન શકો એવું પગલું કોઈ ભરવું જ નહી.’ એને પણ વળગી રહ્યા.
કલાકાર ક્યારેય કોઈ દેશ પ્રદેશ કે કોઈ પ્રાદેશિક ઓળખ ધરાવતો નથી હોતો, કલાકાર તો વિશ્વમાનવ હોય છે. છતાંય સામાન્ય જાણકારી માટે પણ એ કલાકાર વિશે થોડું જાણવું જોઈએ. Loksahity ના આ મરમી ભીખુદાન ગઢવીનું મૂળ વતન જૂનાગઢમાં આવેલ કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ, પણ તેમનો જન્મ મોસાળ પોરબંદરનાં કુતિયાણાનાં ખીજદડ ગામે થયો હતો. નાનપણમાં માતાનું અવસાન થયું, પરંતુ દાદીએ ક્યારેય માતાની ખોટ સાલવા ન દીધી. ચારણ કુટુંબમાં જન્મ એટલે Sahity, Sangit, દુહા – છંદનો વારસો તો જન્મજાત જ મળ્યો હતો. પિતા ગોવિંદભાઈ પ્રખર રામાયણી હતા. એટલે ગાવાની લગની તો નાનપણથી જ લાગી હતી. તેથી પિતા કહેતા કે ગાવામાં નહી ભણવામાં ધ્યાન રાખજે, પરંતુ આપણા આ કલાકાર ભણવામાં ઢ જ રહ્યા.
તેમના શાળાજીવનમાં એડમીશનનો એક કિસ્સો જાણશો તો તેમની સંગીતની લગની વિશે વધુ સમજી શકશો. શાળામાં એડમિશન મળતું ન હતું, પરંતુ ગઢવી હોવાથી પ્રિન્સિપાલ સાહેબે ગાવાનું કહ્યું. બરોબર એ સમયે ભારત – ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું, તેના પર રચાયેલ છંદ ગાયા ને પ્રિન્સિપાલ સાહેબે ખુશ થઈને તુરંત જ એડમીશન આપી દીધું. તેમની આ ગાવાની કળા નાનપણથી તેમનાં જીવનમાં બહુ મોટો ભાગ ભજવતી આવી છે. શાળામાં એડમીશન તો મળી ગયું પણ ભણવામાં બહુ મન લાગ્યું નહી. તેઓ ખુદ કહેતા કે, ભણવામાં મને કંઇ આવડતું જ નહી, એમ કયો તો ચાલે.’ કોઈએ પૂછ્યું કે, ભણી ન શક્યા એનો રંજ ?’ તો કહે કે, ‘આવડતું જ નહોતું તો રંજ શેનો?’
અને કદાચ ભણવામાં બહુ હોંશિયાર હોત તો Artis ન બની શક્યા હોત! તેમની નિયતિ જ તેમને કલાકાર બનાવવા માંગતી હશે!
શાળામાં ભણવાની એટલી બધી રૂચિ નહીં પણ દુહા, છંદ ગાવામાં સૌથી પહેલા. શાળાનાં શિક્ષકો બહુ પ્રેમથી તેમની પાસે દુહાઓ ગવરાવે. અને શાળામાં દુહા ગાતા ગાતા ધીરે ધીરે ગરબીઓમાં ગાવાનું શરુ કર્યું. થોડો સમય કારકુનની નોકરી પણ કરી, પણ કલાકાર જીવ એટલે બહુ લાંબુ ન ચાલ્યું. થોડા સમય બાદમાં રાજકોટ આકાશવાણીમાં જોડાયા, જે તેમની સંગીતની સફરનું પ્રથમ પ્રયાણ કહી શકાય.
ભીખુદાન ભાઈની સ્ટેજ કલાકાર તરીકેની શરૂઆત જ દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસ જેવા દિગ્ગજો સાથે થઇ. તેમનો પહેલો સ્ટેજ પ્રોગ્રામ આ બંને દિગ્ગજ કલાકાર સાથે હતો. અને દિવાળીબેનની આંગળી પકડીને ચાલનાર આ કલાકાર આજે ક્યાં પહોંચી ગયા!
તેમણે ડાયરાઓ, સ્ટેજ શો કરીને ગુજરાતી પ્રજામાં ખુબ લોકચાહના મેળવી. એસ. ટી બસની મુસાફરી કરીને કાર્યક્રમોમાં પહોંચતા આ કલાકરો માટે લોકોમાં ખુબ આદર છે. ઝવેરચંદ મેઘાણીનું પરિક્રમા પુસ્તક ધ્યાનમાં રાખીને તેઓ કહે છે કે, લોકસાહિત્યને જાણવાં માટે લોકો સુધી પહોંચવું પડે. સારાં નરસાં તમામ પાસાંઓને જાણવા અને એને પીછાણવાં એ જ ખરું લોકસાહિત્ય છે.’
ડાયરાઓની સાથે સાથે તેમની 350 કરતા વધુ સીડી કેસેટો પ્રસિદ્ધ થઇ છે, જે ખુબ જ લોકપ્રિય થઇ. ‘લોકો આપણને પ્રેમથી સાંભળે એ જ આપણો પુરસ્કાર’ એવું કહેતા ભીખુદાન ભાઈ ગઢવીએ ક્યારેક પૈસાનો મોહ રાખ્યો જ નથી. તેઓ કહે છે કે, ‘જીવનમર્મની વાતો લોકો સુધી પહોંચે અને એક સમાવેશી અને સંસ્કારી સમાજનું નિર્માણ થાય એ જ એમનાં જીવનનું ધ્યેય છે.
ઉમાશંકર જોશી કહેતા કે આ શબ્દ મને ક્યાં ક્યાં લઇ ગયો.’ અને પછી સંસદ, વિશ્વભારતી અને ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિને એ બધી સિદ્ધિઓની વાત કરે છે. એ જ વાત અહીં ભીખુદાન ભાઈ ગઢવીને પણ લાગુ પડે છે. લોકસાહિત્યની આ કળા તેમને ક્યાં લઇ ગઈ? ગુજરાતી પ્રજામાં પ્રચંડ લોકપ્રિયતા, દેશ પરદેશમાં લોકસાહિત્યને ઉજાગર કરવા મળ્યું, ગુજરાત ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર, કવિ કાગ સન્માન અને એ ભારતનાં સર્વોચ્ચ પુરસ્કારોમાં ગણાતાં પદ્મશ્રી એવોર્ડ સુધી તેમને આ કળા લઇ ગઈ.
‘ગીરી તળેટી ને કુંડ દામોદર, જ્યાં મહેતાજી નહાવા જાય’ ગણગણવાનું મન થાય તેવા ભવ્ય ભૂતકાળના માલિક જૂનાગઢ શહેરમાં કશાય દબદબા વગર સહજ ભાવે વસતા અને વિહરતા ભીખુદાનભાઇ ગઢવી સાચા અર્થમાં સાવ ગામઠી વ્યક્તિ રહ્યા છે. વતનપ્રેમ શું ચીઝ છે તે તેમની પાસેથી શીખી શકાય એમ છે. તેમણે ધાર્યું હોત તો પોતાની સિદ્ધિ અને પ્રસિદ્ધિના જોરે કોઇ મહાનગરમાં સ્થાયી થઇ શક્યા હોત, પરંતુ કોઇ ઝાકમઝોળ તેમને લલચાવી શકી નથી અને વતનને છાતી સરસું ચાંપીને જ લોકકલાને સિદ્ધ કરતા રહ્યા છે.
કથનમાં સ્વ.બચુભાઇ, સ્વ. કાનજીબાપા, ગાયનમાં દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ, પ્રફુલ્લ દવેને વગેરેને યાદ કરવા પડે એમાં ગાયન, કથન, વાદન એમ ત્રણેય કલાના સમન્વય સમા ભીખુદાનભાઇ આ ત્રણેય કળાના માહિર અમે સિદ્ધહસ્ત કલાકાર છે.
પુરુષોત્તમ ઉપાધ્યાય તેમના વિશે સાચું જ કહે છે કે, ‘તેઓ ઉત્તમ સાહિત્યકાર, સર્વોત્કષ્ટ કલાકાર, મનના સાફ માણસ અને નિર્ભેળ વાતો કરનારા છે.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ લોકસાહિત્યનું કૌશલ્ય ક્યાંથી શીખ્યા, ત્યારે તેમણે કહ્યું કે તેઓ નાનપણથી જ ઝવેરચંદ મેઘાણી અને શ્રી દુલા ભાયા કાગને ખૂબ રસપૂર્વક વાંચતા હતા. અને મોટા થયા ત્યારે લોક સંસ્કૃતિ અને લોકસાહિત્યના ખજાના વિશે વધુ જાણવા માટે પોતે સૌરાષ્ટ્રની ભૂમિની શોધખોળ શરૂ કરી. અને કહે છે કે ‘આ શોધ વર્ષોથી ચાલી હતી અને હજુ પણ ચાલુ છે.’ 60 વર્ષથી લોકસાહિત્ય પીરસતા ભીખુદાન ગઢવી એક એવા કલાકાર છે કે જે સાતત્યપૂર્વક સત્વશીલ, સાત્વિક સાહિત્ય જ પીરસે છે અને કાયમ સફેદ વસ્ત્રો, સાદું અને સહજ જીવે છે, સંસ્કારિતાનું સ્તર એકદમ ઊંચું અને મૂલ્યોસભર જીવન જીવે છે. ભીખુદાન ગઢવીને સાંભળવા ખરેખર જીવનનો એક લહાવો છે. તેમને જાણવાં હોય તો એમને માણવાં જ પડે. આવા માણવા જેવા કલાકારને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર એનાયત કરીને તેમની કલાની ખરી કદર કરી છે. શ્રીભીખુદાન ગઢવીના ડાયરાના ઘણા કાર્યક્રમો Jalso પર પણ છે એનો અમને આનંદ છે.