આપણા હિંદુ ધર્મમાં ભગવાન અને મા ભગવતીનાં અપાર નામ છે. તેથી પુરાણોમાં મા ભગવતીનાં નામની સહસ્ત્ર નામાવલી મળે છે. જેમ ભગવાન વિષ્ણુનાં, શિવનાં અને ગણેશજીના સહસ્ત્રનામ છે તેમ જ મા ભગવતી દુર્ગાનાં સહસ્ત્ર નામ છે. ભગવતી દુર્ગાનાં અનેક સ્તોત્રો છે. એમાં સૌથી મહાન સ્તોત્ર છે લલિતા સહસ્ત્રનામ સ્તોત્ર. બ્રહ્માંડ પુરાણમાં મા ભગવતી લલિતા દેવીનું સહસ્ત્ર નામ સ્તોત્ર આવે છે.
મા લલિતા દેવી એ ભગવતી મા પાર્વતી કે મા દુર્ગાનું એક રુપ છે. મા દુર્ગાનાં દસ મહારુપો મહાવિદ્યા કહેવાય છે. કાલી , તારા, ષોડશી કે લલિતા કે ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા આ દશ મહાવિદ્યાનાં રુપો છે. એમાં મા લલિતાદેવીનું રુપ સૌમ્ય અને દિવ્ય કહેવામાં આવ્યું છે. મા લલિતા દેવી ચતુર્ભુજા છે. મા લલિતા દેવીએ પોતાના ચારેય હાથમાં ધનુષ, બાણ, પાશ અને અંકુશ ધારણ કર્યા છે. મા લલિતાદેવીનાં પાંચ મુખ છે.
મા લલિતાનું આઠ વર્ષીય બાલિકાનું રુપ ત્રિપુર સુંદરી કહેવાય છે. યુવા સ્વરુપ એ લલિતા દેવીનું મૂળ સ્વરુપ કહેવાય છે. અને મા લલિતાનું આદિશક્તિ રુપ પદ્માક્ષી કે રેણુકા નામથી ઓળખાય છે. તંત્ર સાધનાનાં અધિષ્ઠાત્રી દેવી મા લલિતા મનાયા છે. મા લલિતા દેવીનું આરાધન શીઘ્રથી ધન, ધાન્ય, સુખ, સંપત્તિ અને વિદ્યા પ્રદાન કરનારં કહેવાયું છે. મા લલિતા દેવીનાં અનેક નામ છે. લલિતા, લિલાવતી, લલિતામ્બિકા, લીલામતી, લલિતાગૌરી, ષોડશી,પદ્માક્ષી, રેણુકા અને રાજરાજેશ્વરી જેવા નામથી તેમનું સંબોધન કરાય છે.
આસો નવરાત્રિનાં પાંચમાં દિવસને લલિતા પંચમી કહેવાય છે. એ જ રીતે ચૈત્ર નવરાત્રિનાં પાંચમો દિવસ પણ શ્રી પંચમી કે લક્ષ્મી પંચમી તરીકે ઓળખાય છે. આ બંને દિવસે મા લલિતાદેવીની આરાધના કરવામાં આવે છે. લલિતા પંચમીનાં દિવસે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. આ દિવસે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ બ્રાહ્મણ દેવતાઓએ અત્યંત મહત્વપૂર્ણ કહ્યો છે.
જલસો ગુજરાતી મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ પર આપણા ગુજરાતી કવિતાઓ, ગઝલો ,ગીતો, લોકગીતો, ભજન, અને ગરબાનો ખજાનો છે. સાહિત્યની વાતો સાથે પૌરાણિક કથાઓ પોડકાસ્ટનાં રુપમાં સમાવિષ્ટ છે. એ સાથે વૈદિક મંત્રો, શ્લોકો અને સ્તોત્રો પણ જલસો પર અવેલેબલ છે. તેના ભાગ રુપે સંસ્કૃત સ્તોત્રોની શ્રેણીમાં દુર્ગા સપ્તશ્લોકી, દુર્ગા સ્તોત્ર, દુર્ગા સૂક્તમ સાથે મા લલિતાને સમર્પિત એવા લલિતા સહસ્ત્રનામ સ્તોત્ર, લલિતા પંચકમ અને મીનાક્ષી પંચકમ સ્તોત્ર આપ સાંભળી શકો છો.
લલિતા સહસ્ત્ર નામની ફળશ્રુતિ
આ સ્તોત્રનો પાઠ નિત્ય કરવો જોઈએ. પરંતુ કોઈ કામનાપૂર્તિ હેતુ જયારે સ્તોત્રનો પાઠ કરવામાં આવે ત્યારે સ્તોત્ર પૂર્વેની પાઠ વિધિ પહેલા કરવામાં આવે છે. આ પાઠ વિધિમાં વિનિયોગ, ન્યાસ, ધ્યાનશ્લોક, અને પંચોપચાર મંત્રો બોલવામાં આવે છે. અને લલિતા સહસ્ત્રનામ સ્તોત્રનાં અંતમાં ફળશ્રુતિ દર્શાવવામાં આવી છે.
ગંગા નદીમાં સ્નાન કરવાનું કે એ અન્ય તીર્થોમાં સ્નાન કરવાનું જે પુણ્ય અને ફળ મળે છે તે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનું એકવાર પાઠ કરવાથી મળે છે.એક કરોડ શિવલિંગ સ્થાપિત કરવાનું જે ફળ છે અને કુરુક્ષેત્રમાં જવાનું જે ફળ કે પુણ્ય પ્રાપ્ત થાય છે તે બરાબરનું પુણ્ય લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનો એક વાર પાઠ કરવાથી મળે છે.
લલિતા સહસ્ત્રનાં નામનાં પઠનથી કોઈ પણ પ્રકારની વ્યાધિ દુર થાય અને અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્રણ માસ પાઠ કરવાથી સરસ્વતી માતાની કૃપા વરસે છે. અને છ માસ પાઠ કરવાથી મા લક્ષ્મી ઘરમાં સ્થિર થઇ જાય છે.
લલિતા સહસ્ત્રનામ સ્તોત્રને ખૂબ પ્રભાવક અને શક્તિશાળી છે. તેથી કોઈ પણ મુશ્કેલી, કષ્ટ કે પીડાનાં નિવારણ માટે જ્યોતિષો, શક્તિ ઉપાસકો દ્વારા વિવિધ પ્રયોગ વિધિ પણ બતાવવામાં આવી છે.
કોઈને અતિશય તાવ આવ્યો તો તેના માથે હાથ રાખીને લલિતા સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો તેની પીડા ઓછી થાય છે. લલિતા સહસ્ત્ર નામથી અભિમંત્રિત કરેલી ભસ્મ શરીરે લગાડવામાં આવે તો કોઈ પણ પ્રકારનાં રોગમાં લાભ મળે છે. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરનાર સાધક સાથેનાં લોકોમાં પણ સદાચાર વિકસે છે. જો કોઈ પાઠ કરવામાં ભૂલ થઇ હોય લલિતા સહસ્ત્રનો પાઠ કરવાથી જે તે સ્તોત્રનાં પાઠ થયેલ ભૂલોની શુદ્ધિ થાય છે.
લલિતા સપ્તમી વ્રત કરવામાં આવે ત્યારે આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.
લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ ખાસ ક્યારે ક્યારે કરાય છે :
કોઈ પણ મહિનાની નવમી, ચતુર્દશી, પૂર્ણિમા અને શુક્રવારે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ ખાસ કરવો જોઈએ. એમાં પણ ગુરુ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર ઉદય થાય એ બાદ એક થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એ રીતે જળ ભરી તેની સમક્ષ લલિતા સહસ્ત્રનામનો પાઠ કરવાથી મનમાં ધારેલી મનોકામના પૂરી થાય છે.