પ્રલંબ રાસની કથા: પારુલ ખખ્ખરનાં શબ્દોની સફર
ગુજરાતી ગઝલ અને કવિતાની દુનિયાનું શ્રેષ્ઠ નામ પારુલ ખખ્ખર..
ગુજરાતી ગઝલ અને કવિતાની દુનિયાનું એવું નામ કે જે એક સમયે કવિ અમૃત ઘાયલ સામે બેસીને પોતાની વાંચીને પ્રસિદ્ધિનાં શિખર સુધી પહોચી ગયું હતું. પરંતુ સંસારની જવાબદારીએ તેમની પાસેથી કવિતાને દુર કરી પણ નસીબની બલિહારીથી એ કવિતા પાછી ફરી અને બમણા વેગે એ પ્રસિદ્ધિ તરફ આગળ વધ્યા. એ કવયિત્રીનું નામ છે પારુલ ખખ્ખર. તેમની સફર,કરિયર અને બીજી અનેક વાતો Jalso Podcast પર પારુલ ખખ્ખર સાથેનાં આ ખાસ સંવાદમાં જાણવા મળશે.
સમય બદલાય છે, માહોલ બદલાય છે, પરંતુ કેટલાક અવાજ એવા હોય છે જે સમયની સાથે નહીં, હૃદયની સાથે આગળ વધે છે. Jalso Podcast પર પારુલબેન ખખ્ખરની મુલાકાત એ જ એક વિશિષ્ટ ક્ષણ રહી. શબ્દો અને લાગણીઓની એક ઋજુ નદી જે શ્રોતાની અંદર ઊંડી વહેતી રહે છે. જેમ તેમણે તેમની કવિતા સાથે પાત્ર રજૂ કર્યું, “ફટ રે મૂઆ કાળ! અરે! તેં ઝાડને માર્યું!…” ત્યારે એ માત્ર એક કાવ્ય નહી પણ એ કુદરત અને માનવ વલણ વચ્ચેના તણાવનો અવાજ બની ગયું. એક ઝાડની વ્યથા, એક સંવેદનશીલ કવિદ્રષ્ટિમાંથી જ્યારે બહાર આવે, ત્યારે એ કવિતા નહીં રહે એ ચેતનાની વાત બની જાય છે. પંક્તિમાં એક અનોખી બૂમ હતી જે ઝાડ માટે હતી, પણ સંદેશો સમાજ માટે.
આ કવિતાનું પઠન એટલું ઊંડું રહ્યું કે પોડકાસ્ટનો માહોલ અચાનક સ્થિર થઇ ગયો. પારુલબેનના શબ્દોમાં ધીરજ હતી, વેદના હતી અને અનંત પ્રેમ હતો પ્રકૃતિ માટે, જીવંતતામાં રહેલી નમ્રતા માટે એ તો જાણે જીવનના તે સંજોગોની કવિતાનાં માધ્યમથી રજૂઆત થઈ, જેને આપણે રોજ જોવા છતા પણ અનુભવતા નથી.
પારુલ ખખ્ખરનું સાહિત્ય સર્જન
પરંતુ જલસો પરની મુલાકાત માત્ર કાવ્યસંચય સુધી સીમિત નહી પણ એ એક જીવંત સંવાદ રહ્યો છે એક એવી વાતચીત જ્યાં પારુલબેન પાત્રથી ઉપસી, પોતાની દાદીમાના અવતારમાં, પોતાની ઓળખ આપે છે. જ્યારે તેમણે કહ્યું કે “હમણાં લખાતું નથી, કેમ કે હું દાદી બનવાની મજા લઈ રહી છું”, ત્યારે એ એક નાની લાગણી નહોતી. એ તો એ જાણ કરાવતી ભાવના હતી કે દરેક સ્ત્રીના જીવનમાં કેટલીક ભૂમિકાઓ આવી જાય છે, જ્યાં સર્જનશીલતાથી મોટું બની જાય છે ‘અસ્તિત્વ’ અને ‘સ્નેહ’.
એમણે જણાવ્યું કે લેખન હવે થોડું અટકી ગયું છે, પણ એ અટકાવ એ રાહની જેમ છે જ્યાં જ્ઞાનનું બીજ મૌન ભૂમિમાં મૂકી દેવાયું છે. જ્યારે સમય આવશે, ત્યારે ફરી કવિતા ઉપસી જશે. અહીંથી એ વિચાર જન્મે છે કે સર્જનશીલતાને સતત પ્રવાહમાં રહેવું જરુરી નથી પરંતુ કેટલાંક વિરામો એવા પણ હોય છે જે સર્જનને વધુ ઊંડું બનાવે છે.
પારુલબેનનું પુસ્તક “પ્રલંબરાસની કથા” એ પણ એ જ ભાવવાહિનીનું પ્રતિબિંબ છે. એ પાત્રોની વાત છે જે સમાજથી કદાચ દૂર હોય, પણ હૃદયમાં અરીસાની જેમ પ્રતિફળતી હોય છે. તેઓ આગળ જણાવે છે કે લખવાનું શરૂ કર્યું છે, પણ પૂરું થવાનો સમય લેશે કારણ કે સર્જન માટે સમયની નરમાઈ પણ આવશ્યક છે.
Jalso Podcastનો આ સંવાદ એ સિદ્ધ કરે છે કે વાતચીત જ્યારે દિલથી થાય, ત્યારે એ માત્ર ઈન્ટરવ્યૂ નથી રહેતું,માત્ર વાત નથી રહેતી એ જીવનનો દસ્તાવેજ બની જાય છે. પારુલબેનનાં દરેક સંવાદમાં એક અલગ ઊંચાઈ છે એટલી ઊંચાઈ કે ત્યાંથી નજરે જોઈએ તો નાની લાગતી ઘટનાઓ પણ વિશાળ લાગવા લાગે.
પારુલબેનની ઉપસ્થિતિ અને ખાસ કરીને તેમના મૌન શબ્દો, જે કેટલાંય મનોને લખવાનું પ્રેરણા આપી શકે છે. કવયિત્રી પારુલ ખખ્ખર સાથેનો સંપૂર્ણ સંવાદ સાંભળો Jalso Podcast પર. આપનાં પ્રતિભાવ ચોક્કસ જણાવજો. શબ્દોની દુનિયામાં જીવનના મૌલિક રંગો શોધવા હોય તો જલસો જેવી જગ્યા એ શ્રેષ્ઠ સ્થળ છે.