ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, કલાપીનો જન્મ અમરેલીના લાઠીના રાજકુટુંબમાં 26 મી જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું.
તે દરમિયાન 1889માં રોહા(કચ્છ)નાં રાજબા(રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા કલાપીને 1885માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, તેને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી. જેથી તેમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે તેમણે 1889માં શોભના સાથે લગ્ન કર્યા. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
કલાપી ઘણી ભાષાઓના જાણકાર હતા. તેમણે અંગત શિક્ષકો પાસેથી સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો.
કલાપીની 1892 થી 1900 સુધીની અઢીસો જેટલી રચનાઓને ‘કલાપીનો કેકારવ’માં સમાવવામાં આવ્યા છે. કલાપીના અવસાન પછી, 1903 માં કાન્તને હાથે તેનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું. એ પૂર્વે 1896 માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગ નિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાન પર્યત પૂરું પાડી ન શકાયેલું. 1931 માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી(સાગર)એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં 34 કાવ્યોને સમાવીને 249 કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.