જલસો આ વર્ષે તેની સ્થાપનાનાં સાતમાં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સાતમાં વર્ષની ઉજવણીના ભાગ રુપે આ વર્ષે જલસો દ્વારા મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગો ધણની વેળા સામાન્ય રીતે દિવસ પૂરો થયો એમ કહેવાય. પણ જો દિવસની સાંજ કોઈ મુશાયરામાં વિતે તો એ સાંજનો નૂર જુદો જ ઉભરી આવે છે.
અમરા આ ઉપક્રમની શરુઆત ગુજરાતી ભાષાનાં જાણીતા કવયિત્રી પારુલ ખખ્ખર થઇ. કહેવાય છે ને કવિતા પણ પ્રકટ થવા માટે કવિને પસંદ કરે છે. કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા વાંચીએ અને સાંભળીએ તો આ જ ભાવ સ્ફુરે. ગઝલકાર, નિબંધકાર અને સુંદર ગીતોની રચના માટે કવયિત્રી પારુલ ખખ્ખરને આપણે જાણીએ જ છીએ પરંતુ તેમની લેખની કલમની એક ઓર વિધામાં ભરપૂર નિખરી છે. તેમની કલમમાં લખાયેલ આ વિધા એટલે મરશિયું.
કોઈ પણ કવિ લખવા બેસે તો છાંદસ કે અછાંદસ કવિતા લખે, ગીત લખે પણ મરશિયાની રચના ભાવોનો અતિશય ઊંડાઈમાંથી આવે છે. કહેવાનો ભાવ એ છે કે મરશિયા એ નક્કી કરીએ ને એ લખી શકાતું નથી. મરશિયા ગાવામાં આવે છે. મરશિયા ગાવાની લોક પરંપરા ખૂબ જાણીતી છે. હવે તો મરશિયા ગાવાની આ પરંપરા પણ વિસરાઈ રહી છે.
મરશિયા શબ્દ અરબી ભાષાનાં ‘મરસી’ પરથી આવ્યો છે. એક અર્થમાં જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિની પ્રશસ્તિ કરવામાં આવી હોય તેને મરશિયા કહેવાય. મૃત્યુ પામેલ વ્યક્તિનાં વિયોગમાં બોલાતા શબ્દો છે. પહેલાનાં સમયમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામતું મરશિયા ગાવામાં આવતા.
આપણા સાહિત્યમાં આ વિધાનું ખેડાણ ઓછું થયેલું છે.
કવયિત્રી પારુલ ખખ્ખર કલમમાં મરશિયા લખાયા અને તે ખૂબ પોંખાયા છે. વ્યક્તિથી પર પ્રકૃતિનાં કોઈ અંગને મારવામાં આવે ત્યારે તેના માટેનું દુઃખ તો સ્વાભાવિક રીતે સૌ કોઈને થાય. પણ તે દુઃખ, વેદનાને શબ્દોમાં અને એ પણ મરશિયા રુપે લખાય ત્યારે તે સર્જનશક્તિ અને વ્યક્તિની પ્રતિભાને વ્યક્ત કરે છે. કવયિત્રી પારુલ બહેને પ્રકૃતિનાં મહત્વનાં અંગ એવા વૃક્ષ પરનું અદ્ભુત મરશિયું લખ્યું છે.
આપણા સ્વાર્થ કે આપણી બુદ્ધિની ભ્રષ્ટતા જ માણસને વિનાશ તરફ લઇ જાય છે. પરોપરકાર રુપ વૃક્ષને નજીવા કારણથી કાપીએ ત્યારે તેની પીડા તો કવિનાં મુખે જ પ્રકટ થાય છે. મારી મારીને અરે કાયર માણસ તે ઝાડને માર્યું !! તળપદા શબ્દોમાં બેઠેલો પ્રાસ અને લયબદ્ધતાને લીધે આ મરશિયામાં રહેલા ભાવો સરળ રીતે વ્યક્ત કરે છે.
ફટ રે મૂઆ કાળ! અરે! તેં ઝાડને માર્યું!
ફટ રે કાયર! મારીમારી ને ઝાડને માર્યું!
હાય…રે મારી નીંઘલેલી મોલાતને મારી,
હાય…રે મારા છાંયડાની સોગાતને મારી,
હાય…રે મારી રાત,
મારી વાત
કે…મારી આખેઆખી જાતને મારી!
જા…રે તારું ઊધઈ ખાધું મૂળ ન રે’જો,
જા… રે તારું ખંધું, ખૂટલ કુળ ન રે’જો,
આજથી રે ધગધગ નિસાસા દઉં તને,
આજથી રે રગરગ સબાકા દઉં તને.
હાય…રે વેડી ડાળ,
વેડી ફાળ,
કે… મને માંડ મળેલી ભાળને વેડી!
અબઘડીથી રૂંવેરૂંવે કોઢિયો થાજે!
અબઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે!
મર્ય… રે મારાં ગુલમહોરી ગાનના વેરી,
મર્ય..રે મારાં ફૂલગુલાબી પાનના વેરી,
મર્ય… રે વેરી કાળ,
તને દઉં ગાળ,
તેં મારી નાળ વધેરી.
હાય… રે ભૂંડાભૂખ, તને ન જાણ તેં મારા હાડને માર્યું!
હાય…રે. નરનખ્ખોદ, તેં રાતોરાત મારા ઝાડને માર્યું!