દિવાળી, તહેવાર અને લોક પરંપરા ત્રણેય એક અનોખા વિષય છે. દિવાળી ભારતનો સૌથી મોટો પર્વ છે. તહેવારો ભારતની ઓળખ છે. અને પરંપરા ભારતની સંસ્કૃતિનો ભાગ કહેવાય છે. આપણી સૌથી મોટી પરંપરા ‘ગુરુપરંપરા ’ છે. ગુરુ પરંપરા જેમ જ એક મોટી પરંપરા છે અને તે છે લોક પરંપરા.
કોઈ એક સમુદાય, જાતિ, સમૂહનાં વિચારો, આદતો, પ્રથાઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે તેને સામાન્ય શબ્દમાં પરંપરા કહેવાય છે. પરંપરાઓનું સૌથી વધુ વહન લોક જીવનમાં મળે છે. એટલે પરંપરાની આગળ એક શબ્દ લાગ્યો અને તે છે લોક પરંપરા. દિવાળી સાથે અનેક લોક પરંપરાઓ જોડાયેલી છે. જેના વગર આપણો દિવાળી પર્વ પૂરો થતો નથી.
ગામડામાં તો દિવાસો બેસતા જ દિવાળી પર્વની શરુઆત થઇ જાય છે. ગામડાઓમાં ઘરોને લીંપણ કરવામાં આવે છે. ઘરનાં માળિયાથી લઇને આખા ઘરની સાફ સફાઈ શરુ થઇ જાય છે. ગામડાની સ્ત્રીઓ તાંબા- પિત્તળનાં વાસણને ધોઈ ચકચકાટ કરી દે છે. દિવાળી પર્વ આવે ત્યાં સુધીમાં ગામડાની સ્ત્રીઓ પોતાના ઘરને નવું નક્કોર બનાવી દે છે.
ગામડામાં દિવાળીનું વાતાવરણ જ અલગ હોય છે.
દિવાળી અને બેસતા વર્ષે વહેલા સવારે ચાર – પાંચ વાગ્યે સૌ પહેલા ઘરની સ્ત્રીઓ કકળાટ કે અળસ કાઢવા માટે જાય છે. એ પછી જ બીજા બધા કામ કરે. બાદમાં દિવાળી અને બેસતા વર્ષનાં દિવસે રંગોળી પૂરવામાં આવે અને આંગણામાં દીપ પ્રગટાવવામાં આવે. આ બંને દિવાળીનાં ઉત્સવનો અહેમ હિસ્સો છે. પરંતુ લોક જીવનમાં અમુક એવી પરંપરાઓ છે જે આજે પણ દિવાળી પર્વ પર અચૂક પણે નીભાવવામાં આવે છે.
ગામડાઓમાં બેસતા વર્ષનાં દિવસે વહેલી પરોઢમાં પ્રભાત ફેરી નીકળતી. ગામડાનાં લોકોનાં બેસતા વર્ષની શરુઆત તો પ્રભાતિયાનાં શબ્દો અને સુર સાંભળીને જ થતી.
એ સાથે સવારે ચાર વાગ્યે ‘ સબરસ’ની ખાસ પ્રથા આજે પણ દરેક ગામડામાં સચવાઈ છે. સબરસ એટલે ગામડામાં નાના બાળકો મીઠું આપવા માટે ઘરે ઘરે જાય તે. સબરસની આ પ્રથાને નવા વર્ષનાં શુકન તરીકે કરવામાં આવે છે. પૂરું વર્ષ ધન – ધાન્યમયી, તંદુરસ્તી વાળું રહે એવી શુભકામના અર્થે સબરસની પ્રથા આજે પણ ઉજવવામાં આવે છે.
સબરસની કથા ભગવાન કૃષ્ણ અને રુકમણીજી સાથે જોડાયેલ છે. એકવાર દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રુકમણીજી હિંડોળા પર બેઠા હતા. રુકમણીએ કૃષ્ણને પૂછ્યું કે, “ પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો ? ” એટલે ભગવાન દ્વારકાધીશે જવાબ આપ્યો કે , ” હે દેવી તમે મને મીઠાની જેમ વ્હાલા છો” . રુકમણી સમજ્યા નહીં અને ભગવાનથી રિસાઈને ચાલ્યા ગયા.
ભગવાન કૃષ્ણ રસોડામાં ગયા અને રસોઈયાઓને આદેશ કર્યો કે, આજે બધી રસોઈ મીઠા વગરની બનાવો. ભગવાન કૃષ્ણ અને રુકમણીજી જમવા બેઠા ત્યારે રુકમણીજી મીઠા વગરની રસોઈ જમ્યા ત્યારે તેમને આખી વાત સમજાઈ. મીઠાને લીધે જ બધી વાનગી, વ્યંજનોમાં સ્વાદ ભળે છે અને જમવામાં રસ આવે છે. આથી મીઠાને સબરસ તરીકે ઓળખવાયું. અને એવી પ્રથા પડી કે નવા વર્ષે શુકન રુપે મીઠું વહેચવામાં આવે. આથી નવા વર્ષે સબરસ વહેંચવાની પરંપરા વિકસી.
આ પરંપરા તો દરેક ગામડામાં આજે પણ દિવાળી પર્વ પર કરવામાં આવે છે. પણ મારે વાત કરવી છે અમુક એવી લોક પરંપરાઓ વિશે જે કોઈ કોઈ ગામડાની ખાસ પરંપરા તરીકે ઓળખાય છે. ગુજરાતનાં આપણા દરેક ગામડામાં કોઈની કોઈ વિશેષ દિવાળીની પરંપરાઓ છે જે આજે પણ ઉજવવામાં આવે છે.
આપણા ગુજરાતનાં એક એક પ્રદેશની બોલી, રહેણી – કરણી, રિત – રિવાજ, પહેરવેશ અને જીવન શૈલીઓ જુદી- જુદી છે. એટલે સ્વાભાવિક છે કે દિવાળી પર્વની કોઈ નોખી પરંપરા હોય જ.
મેર મેરાયુંની લોક પરંપરાનું પણ આવું જ છે. આ લોક પરંપરાનાં મૂળ ભગવાન કૃષ્ણની ગોવર્ધન લીલા સાથે જોડાયેલ છે. ભગવાન કૃષ્ણનાં કહેવાથી જયારે વ્રજવાસીઓએ ગોવર્ધનની પૂજા કરી અને ઇન્દ્ર દેવને અવગણ્યા એટલે ઇન્દ્રદેવ ભારે ક્રોધમાં આવ્યાં.
ક્રોધમાં આવી ભગવાન ઇન્દ્રએ આખા વ્રજમાં બારે મેઘ ખાંગા કર્યા. અતિ વૃષ્ટિને લીધે આખું વ્રજ પાણી પાણી થઇ ગયું. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊંચક્યો. બધા વ્રજવાસીઓ અને ગો વૃંદને ગોવર્ધનનો આશ્રય મળ્યો.
જયારે વરસાદનું પાણી ઓસરાયું ત્યારે બધા ગોવાળીયા પોતાની ગાયોને શોધવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ ગોપબાળોને કહ્યું કે, ” પર્વત પર ઉગેલા ઝાડનાં ડાળો કાપી લાવો, આ દાંડાનાં છેડા પરથી ચાર ફાડીયા કરો અને તેને ઘીમાં બોળી સળગાવો. એ લીલા લાકડાની મશાલ જેવું લાગતું ડફણું પ્રગટાવી ગોપબાળોએ તળેટીમાં પોતાની ગાયોને શોધી.
બધા ગોપબાળો મશાલ જેવું આ ડફણું હાથમાં લઇ બોલતા કે, “ગાવડી માવડી મેળ મેળૈયા ?” એટલે કે તમારી ગાય મળી ગઈને ? બધું હેમખેમ છે ને ? એ રીતે બધા ગોપબાળો આખા ગોવર્ધન ફરતે મશાલ લઇ ફરી વળ્યા.
ભગવાન કૃષ્ણની આ ગોવર્ધન લીલાનાં આસો માસ પૂરો થવામાં હતો.બીજા દિવસે દિવાળીનો દિવસ હતો.આથી ગોપ બાળોએ ઉત્સાહભેર મશાલ પ્રગટાવી વ્રજ આખું ઇન્દ્રનાં પ્રકોપથી સુરક્ષિત રહ્યું તેની ઉજવણી કરી. પૂરા વ્રજમાં આનંદથી દિવાળી પર્વ મનાવામાં આવ્યો. વિધ વિધ જાતના પકવાન આરોગ્યા.‘ ગાવડી માવડી મેર મેરૈયા ‘ નું અપભ્રંશ થઇ “કાગડી માગડી મેર મેરૈયા” અથવા “કાગડી માગડી તેલ પુરાવો “ એવી પ્રયુક્તિઓ બની. એટલે મેર મેરૈયુંની પરંપરા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. ગોવાળીયાઓ ગાયોને શોધવા માટે જે જ્યોત પ્રગટાવેલી તે કાળક્રમે મેર મેરૈયું તરીકે એક પ્રસિદ્ધ પરંપરા બની. આથી આ પરંપરા હજારો વર્ષ પ્રાચીન છે એવું કહેવામાં આવે છે.
ગુજરાતની ઉત્તર દિશાનો પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત. એમાં ઉત્તર ગુજરાતનાં વિજયનગર શહેરમાં અને ખાસ તો આખા ઉત્તર ગુજરાતમાં દિવાળી પર્વ પર મેર – મેરાયું પુરવાની પરંપરા ખૂબ જાણીતી છે. મેર મેરૈયું કે મેર મેરાયુ નામથી ઓળખાતી આ પરંપરા દરેક ગામડામાં જુદી જુદી રીતે ઉજવાય છે.
જેમનાં નવા નવા લગ્ન થયા હોય તે યુવકની નવોઢાને પ્રકાશ પર્વ પર તેના સાસરીયા વાળા તેડી જાય છે જેનેઆપણે આણાની પ્રથા તરીકે ઓળખીએ છીએ. મેરાયુ પુરવાની પરંપરા મુજબ દિવાળીનાં દિવસે નવોઢા તુંબડામાં શણગારેલા મેરૈયામાં તેલ પૂરે છે. આ તેલ ગામનાં બધા જ લોકો દ્વારા આપવામાં આવે છે. અને વરવધૂનાં નવ જીવનની મંગલ કામના કરવામાં આવે છે.
આ પરંપરા માત્ર નવ પરણિત સ્ત્રી – પુરુષ જ કરે છે એવું નથી, પરંતુ દરેક ઘરની સ્ત્રી પણ આ પરંપરા ઉજવે છે. નાના બાળકો જયારે મેર મેરયુ લઈને આવે છે ત્યારે એમાં ઘરની સ્ત્રી તેલ કે ઘી પૂરે છે. બાળકો મેર મેરૈયામાં તેલ પૂરવા આવે છે ત્યાર બાદ મેર – મેરૈયાને આખા ઘરમાં ફેરવવામાં આવે છે. એવું માનવામાં આવે છે મેર મેરૈયાને ઘરમાં ફેરવવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દીવાની જ્યોતમાં નાશ પામે છે. અને ઘરમાં નવી ઉર્જા ભળવાથી સકારાત્મક વાતાવરણ સર્જાય છે.
” આંગણી – માંગણી તેલ પુરાવો તેલ નહીં તો ઘી પુરાવો” અથવા “કાગડી માગડી મેર મેરાયુ તેલ પુરાવો” વગેરે પ્રકારનાં ગીતો બોલતા બોલતા બાળકો દરેક ઘરે મેર મેરાયુ લઇને જાય છે.
મેર મેરયુ એ શેરડીનાં સાઠામાંથી બનાવામાં આવે છે. શેરડીના ચાર ચીરા પાડવામાં આવે છે. એના પર નારિયેળની કાચલી મૂકવામાં આવે છે. આ કાચલીમાં કપાસનાં રૂની હાથે બનાવેલી જાડી વાટ તેલમાં બોળવામાં આવે છે. ફરતે સફેદ કાપડ વીંટવામાં આવે છે. એ કપડા પર છાણનું લીંપણ કરવામાં છે. મેર મેરયુની જ્યોત પ્રગટે છે ત્યારે મશાલ જેવી દેખાય છે.
દિવાળીનાં આગલા દિવસે ગામડામાં કુંભાર પાસે મેર મેરૈયુ લેવા જતા. માટીના મેર મેરૈયા પણ બનવાવમાં આવતા.આ મેર મેરૈયાને પશુપાલકો ગાયોને બતાવતા.ગમાણમાં બાંધેલ ગાય – ભેંસોને મેર મેરૈયાની જ્યોતનાં દર્શન કરાવવામાં આવતા. એ પછી મેર મેરૈયાને ઘરની ડેલીએ મૂકી દેવામાં આવતું. ગાય –ઢોરને મેર મેરૈયુ બતાવવા પાછળ એવી માન્યતા છે કે તે જ્યોતનાં દર્શનથી માલ –ઢોર આખા વર્ષમાં માંદા પડતા નથી અને તેમને કોઈ રોગ થતો નથી.
મોરબીમાં નવરાત્રિથી શરુ કરીને લાભપાંચમ સુધી વિવિધ પ્રાચીન નાટકો, ભવાઈનો મોટો કાર્યક્રમ યોજાય છે. રા નવઘણ, વીર રામવાળો, મચ્છુ તારા વહેતા પાણી, ભક્ત પ્રહલાદ, અભિમન્યુના સાત કોઠા, જેવા અનેક પ્રાચીન નાટકો ભજવાય છે.
ભાવનગર પાસે આવેલા સાવરકુંડાલામાં દિવાળીનાં સમયે એક ખાસ પરંપરા મનાવવામાં આવે છે. અમરેલીના સાવર અને કુંડલા ગામ વચ્ચે એક નાવલી નદી આવેલી છે જેથી સાવર અને કુંડલા બને અલગ અલગ થાય છે.
અહીં વર્ષો જૂની ઈંગોરીયા યુધ્ધની પરંપરા આજે પણ સચવાયેલી છે. નવરાત્રી પૂરી થતા જ યુવાનો ઈંગોરીયાના ફળ એકઠા કરી તેને સૂકવીને તેમાં કોલસો, દેશી દારુગોળો, રાખ જેવી વસ્તુઓ ભરીને ઈંગોરીયા તૈયાર કરે છે.
દિવાળીની રાત્રે સાવર અને કુંડલાના રહેવાસીઓ નાવલી નદીના કાંઠે સામ-સામે પોતાના ઈંગોરીયા લઈ યુધ્ધ કરવા સજ્જ થઈ જાય છે. બાદમાં ઈંગોરીયા સળગાવીને તેને રોકેટની જેમ ફેંકે છે. અહીં એવી પણ માન્યતા છે કે જે આ યુધ્ધમાં જીતે છે તેનું વર્ષ સારુ વીતે છે.
જેથી યુધ્ધમાં જીતવા યુવાનો પૂરી તાકાતથી ઈંગોરીયા ફેંકે છે. આ યુધ્ધમાં ભાગ લેવા વડોદરા, મુંબઈ, અમદાવાદ, ભાવનગર, કોલકતા સહિત અનેક શહેરોમાં વસેલા સાવરકુંડલા વાસીઓ અચૂક જાય છે.આ પરંપરા સાત દાયકા જૂની છે એમ માનવામાં આવે છે.