તંત્રશાસ્ત્ર વિશેની રસપ્રદ માહિતી
આજના સમયમાં reel, short અને સોશિયલ મીડિયા પર તંત્ર, મંત્ર, યંત્ર, શક્તિ, ભક્તિ જેવા વિષયોની ચર્ચા સતત વધતી જાય છે. પણ ખરેખર આ બધું શું છે? શું દરેક તાંત્રિક ખરાબ હોય છે? ગુરુ વિના તંત્ર-મંત્ર-યંત્રનું જ્ઞાન કેમ અધૂરૂં રહે છે? આવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે જલસો પોડકાસ્ટના વિશિષ્ટ એપિસોડમાં, સંસ્કૃતના વિદ્વાન, તંત્ર-મંત્ર-યંત્રના નિષ્ણાત અને અનેક પુરસ્કારોથી વિભૂષિત પ્રોફેસર હર્ષદેવ માધવ સાથે સંવાદ યોજાયો હતો. આ લેખમાં, તેમના જ શબ્દોમાંથી અને સમજાવટથી, આપણે તંત્ર, મંત્ર, યંત્ર, ગુરુ, તાંત્રિક, મેલી વિદ્યા, સ્મશાન સાધના, દક્ષિણ-વામ માર્ગ, અને આધુનિક જીવનમાં આ વિજ્ઞાનના અર્થ અને ઉપયોગ વિશે વિસ્તૃત રીતે સમજશું.
હર્ષદેવ માધવ એ લેખક, સંસ્કૃતના વિદ્વાન, તંત્ર-મંત્ર-યંત્રના નિષ્ણાત, અને અનેક પુરસ્કારોથી વિભૂષિત છે. તેઓએ તેમના જીવનનો મોટો ભાગ સંશોધન, લેખન અને શિક્ષણમાં વિતાવ્યો છે. તેમના ગ્રંથોમાં તંત્ર, મંત્ર, યંત્ર, ગુરુશિષ્ય પરંપરા, અને ભારતીય આધ્યાત્મિક વિજ્ઞાનની ઊંડાણપૂર્વક ચર્ચા જોવા મળે છે.
તંત્ર એટલે શું?
હર્ષદેવ માધવ કહે છે: “તંત્ર એટલે વ્યવસ્થા, સિસ્ટમ. જેમ શરીરમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર છે, તેમ જ આધ્યાત્મિક જગતમાં તંત્ર એ એક ગોઠવાયેલું જ્ઞાન છે, જે આપણને જીવનમાં સુવ્યવસ્થા અને શક્તિ આપે છે.”
તંત્ર શબ્દ સાથે ‘આગમ’ અને ‘નિગમ’ પણ જોડાય છે. નિગમ એટલે વેદો, જે સામાન્ય માણસ માટે સમજવા મુશ્કેલ હોય છે. આગમ એટલે ભગવાન શિવે પાર્વતીજીને આપેલું તંત્ર શાસ્ત્ર, જે સરળ ભાષામાં અને વ્યવહારુ રીતે આધ્યાત્મિક સિદ્ધિ માટે માર્ગદર્શન આપે છે.
હર્ષદેવજી સ્પષ્ટ કરે છે:
“તંત્ર એ ગોપનીય વિદ્યા છે. ગુરુ વિના, યોગ્ય માર્ગદર્શન વિના, તેનો ખોટો ઉપયોગ શક્ય છે. જેમ મશીનગન સૈનિક પાસે હોય તો રક્ષણ, આતંકવાદી પાસે હોય તો વિનાશ.”
મંત્ર એટલે શું?
હર્ષદેવ માધવ કહે છે:
“મંત્ર એ ધ્વનિ, શબ્દ અને સ્પંદનનું સંયોજન છે. ‘મનનાત ત્રાયતે’ એટલે મનનથી રક્ષણ આપનારો. મંત્ર જાપથી મન, શરીર અને આત્મા શુદ્ધ થાય છે.”
મંત્રના ત્રણ મુખ્ય પ્રકાર છે:
- વૈદિક મંત્ર: વેદ આધારિત, શ્રુતિ આધારિત.
- તાંત્રિક મંત્ર: તંત્ર ગ્રંથ આધારિત, વિશિષ્ટ વિધિ માટે.
- લૌકિક મંત્ર: દૈનિક જીવનમાં ઉપયોગી, લોકપ્રિય.
મંત્ર જાપ માટે હર્ષદેવજીની જણાવે છે કે: ગુરુ પાસેથી મંત્ર દિક્ષા લેવી શ્રેષ્ઠ. નિયમિતતા, શ્રદ્ધા, શુદ્ધિ અને ઉચ્ચારણની શુદ્ધતા જરૂરી. મંત્ર જાપથી મન, વાણી અને શરીર શુદ્ધ થાય છે.
મંત્રના ચાર સ્તરો છે:
- વૈખરી (બોલી દ્વારા)
- મધ્યમા (મન દ્વારા)
- પશ્યંતી (અંતરાત્મા)
- પરા (પરમાત્મા સાથે જોડાયેલી)
યંત્ર એટલે શું?
હર્ષદેવ માધવ કહે છે:
“યંત્ર એ ભૂમિતિ આધારિત ચિહ્ન છે, જેમાં દેવતાની શક્તિનું નિવાસ હોય છે. યંત્રમાં ખાસ આકારો, રેખાઓ, ત્રિકોણો, ચતુષ્કોણો, અને બિંદુઓ હોય છે. જેમકે શ્રી યંત્ર એક શક્તિશાળી યંત્ર છે, જે લક્ષ્મીજીની આરાધનામાં ઉપયોગ થાય છે.”
યંત્રના ઉપયોગ વિશે:
- યંત્રની પૂજા અને સ્થાપના ગુરુ દ્વારા જ કરવી.
- યંત્ર ઘરમાં સ્થાપિત કરવાથી શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ થાય છે.
ગુરુનું મહત્વ
હર્ષદેવ માધવ સ્પષ્ટ કરે છે:
“ગુરુ કૃપા વિના કોઈ પણ ગુપ્ત વિદ્યા પ્રાપ્ત થતી નથી. ગુરુ એ માર્ગદર્શક છે, જે યોગ્ય મંત્ર, જાપ પદ્ધતિ, અને સાધનાની રીત શીખવે છે.”
તેઓ આગળ જણાવે છે કે:
“ગાયત્રી મંત્ર જેવી બ્રહ્મ વિદ્યા પણ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ગુરુ વિના મંત્ર, તંત્ર, યંત્રનું સાચું જ્ઞાન મળતું નથી.”
તંત્રશાસ્ત્ર વિશેની માહિતી
“તાંત્રિક એ વ્યક્તિ છે, જે તંત્ર વિદ્યા, મંત્ર અને યંત્રનો યોગ્ય અભ્યાસ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. દરેક તાંત્રિક ખરાબ નથી. ઘણા તાંત્રિકો સમાજ કલ્યાણ, દુઃખ નિવારણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કાર્ય કરે છે.”
હર્ષદેવ માધવ કહે છે કે, “લોકોમાં તંત્ર વિદ્યા વિશે ઘણી ભ્રામક માન્યતાઓ છે. ઘણા લોકો તંત્રને ડરાવનારી, અંધકારમય વિદ્યા માને છે. પણ તંત્ર એ માત્ર શક્તિપ્રદ અને કલ્યાણકારી વિદ્યા છે.”
તંત્રના મૂળે બે માર્ગ છે
- દક્ષિણ માર્ગ: શાંતિ, કલ્યાણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે.
- વામ માર્ગ: ઉગ્ર સાધનાઓ, સ્મશાન સાધના, વિશિષ્ટ શક્તિપ્રાપ્તિ માટે.
તેઓ આગળ જણાવે છે કે,”વામ માર્ગમાં સ્મશાન સાધના, ઉગ્ર ઉપાસના વગેરે આવે છે, જે સામાન્ય વ્યક્તિ માટે નથી. દક્ષિણ માર્ગમાં ભોગ અને મોક્ષ બંનેનો સંકલન છે.”
મેલી વિદ્યા: શું છે અને કેવી રીતે ઓળખવી?
હર્ષદેવ માધવ કહે છે:
“મેલી વિદ્યા એ એવી વિદ્યા છે, જેનો ખોટો, અનિષ્ટ ઉપયોગ થાય છે. વિદ્યા સ્વયં પવિત્ર અને સાત્વિક હોય છે, પણ તેનો દુરુપયોગ કરનાર વ્યક્તિને નુકસાન થાય છે. મેલી વિદ્યા, મેલી હદયથી થાય છે, વિદ્યા ક્યારેય મેલી નથી.”
“સ્મશાન સાધના એ તંત્ર વિદ્યાનો એક ભાગ છે, જેમાં ઉગ્ર શક્તિઓનું ઉપાસન થાય છે. આ સાધના ખૂબ જ ગંભીર અને જોખમી હોય છે, જેને ગુરુના માર્ગદર્શન વિના કરવી જોખમી છે.” અને ખરેખર સ્મશાન સાધના માટે મનમાં વૈરાગ્ય, નિર્ભયતા અને ગુરુની દેખરેખ જરૂરી છે, ઉગ્ર શક્તિઓની ઉપાસના સામાન્ય વ્યક્તિ માટે યોગ્ય નથી.
તંત્રવિદ્યાનો વ્યાપ
હર્ષદેવ માધવ કહે છે:
“તંત્ર વિદ્યા માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પણ બૌદ્ધ, જૈન, વૈષ્ણવ, શૈવ, શક્ત, કાપાલિક, વગેરે અનેક સંપ્રદાયોમાં પણ મહત્વ ધરાવે છે. દરેક ધર્મે પોતાની રીતે તંત્ર-મંત્ર-યંત્રનો ઉપયોગ સાધનામાં કર્યો છે.”
હર્ષદેવ માધવ કહે છે:
“આજના યુગમાં પણ તંત્ર, મંત્ર અને યંત્ર વિદ્યા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આત્મિક ઉન્નતિ માટે ઉપયોગી છે. પરંતુ ગુરુના માર્ગદર્શન વિના, ખોટી રીતથી કે અર્ધજ્ઞાને આ વિદ્યા અપનાવવી જોખમી છે.”
પરંતુ સાથે સાથે હર્ષદેવજી જણાવે છે કે “આજના યુગમાં સોશિયલ મીડિયા પર અનેક ખોટા ગુરુઓ છે, તેથી સાચા ગુરુની પસંદગી ખૂબ જરૂરી છે.”
તંત્ર, મંત્ર અને યંત્ર – ત્રણેય આધ્યાત્મિક વિજ્ઞાનના પાયાના સ્તંભ છે. સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ, શ્રદ્ધા અને નિયમિત સાધના દ્વારા આ વિદ્યા આપણને ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે કલ્યાણ આપે છે. આજના આ આધુનિક સમયમાં દરેકને આ સાધનાઓ વિશે જાણવાની ઉત્સુકતા વધી છે, પરંતુ તેની સચોટ માહિતી અહીં આ પોડકાસ્ટમાં પ્રાપ્ત થશે. આ પોડકાસ્ટ સંપૂર્ણ સાંભળજો માત્ર ને માત્ર Jalso Podcast YouTube Channel પર.