જલન માતરી એટલે મૂળ તો જલાલુદ્દીન સઆઉદ્દીન અલવી. પોતાના વતન માતર પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ તેમણે પોતાનું તખલ્લુસ ‘જલન માતરી’ રાખ્યું હતું. વર્ષ 1992 માં તેઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા.
માત્ર પોતાની ગઝલ, કવિતાઓ કે મુક્તકો જ નહીં તેમણે ગુજરાતના કેટલાંક જાણીતા ગઝલકારોના જીવનચરિત્રો પણ લખ્યા છે. જલન માતરીને વર્ષ 2016માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઊર્મિની ઓળખ, તપિશ, ઉઘડી આંખ બપોરે રણમાં નામે તેમનું જીવનચરિત્ર પણ પ્રકાશિત થયુ હતુ.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
આ ગઝલને ગુજરાતી સાહિત્યની અમર ગઝલો પૈકીની એક ગણવામાં આવે છે. શાયર શિરોમણી શયદાથી લઈ જલન માતરીના સમયગાળામાં યોજાતા મુશાયરાઓના સમયગાળાને ગુજરાતી મુશાયરાઓનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. તેમની ગઝલના શેર માત્ર કોઈ એક વિષયને જકડી ન રાખતા. દરેક શેરનો ભાવ બદલતો રહેલો એ જલન સાહેબની ગઝલોની ખાસિયત હતી.
એક શેરમાં ત્રીજા ઇશ્વરની વાત, બીજા શેરમાં જામ-સુરાહીની વાત તો પછીના શેરમાં પ્રેમની વાત અને બાદમાં વિરહની વાત તેમના શેરમાં આવતી રહેતી. ગઝલમાં ક્યારેક ઉન્નત અર્થ સુધી લઈ જવી તો ક્યારેક ઉંડાણવાળા અર્થ સુધી લઈ જવામાં તેઓ માહેર હતા. જો કે તેમની મોટાભાગની ગઝલોમાં ઇશ્વર-ખુદા સાથેની તકરારોની વાત વધુ રહેતી.
તેમની દરેક ધર્મ અને ઉર્દૂ-ગુજરાતી સાહિત્ય પરની સમજ અને સર્જનક્ષમતાના વખાણ શૂન્ય પાલનપુરી અને લાભશંકર ઠાકર સહિતના દિગ્ગજો કરી ચૂક્યા છે. તેમનું અવસાન અમદાવાદ મુકામે ૮૪ વર્ષની વયે થયું હતું.